હાર માટે કોંગ્રેસનું નેતૃત્વ જવાબદાર છે, ઇવીએમ નહીં
નેહરુ વડાપ્રધાન બન્યા હતા તે દેશની પ્રથમ વોટ ચોરી હતી…
લોકસભામાં ચૂંટણી સુધારા પરની ચર્ચાનો ગૃહમંત્રી અમિત શાહે જડબાતોડ જવાબ આપ્યોઃ 2004 થી 2009 સુધી કોંગ્રેસના રાજમાં જ EVMથી ચૂંટણી થઇ, એ લોકો જીતે તો ઇવીએમ અને ઇસી સારા, હારે તો ખરાબઃ દુનિયામાં દેશના લોકતંત્રની છબી બગાડવાનો પ્રયાસ
લોકસભામાં બે દિવસ સુધી ચૂંટણી સુધારા પરની ચર્ચા થઇ હતી અને વિપક્ષ દ્વારા અને મુખ્યત્વે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા વોટ ચોરી અને ચૂંટણી પંચ સામે આરોપો મૂકવામાં આવ્યા હતા. બુધવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાંજે આ ચર્ચાનો આક્રમક અભ્યાસપૂર્ણ અને નક્કર જવાબ આપીને વિપક્ષની બોલતી બંધ કરી દીધી હતી. અમિત શાહના ચોટદાર જવાબો સાંભળીને કોંગ્રેસ સહિતના વિપક્ષે વોકઆઉટ કર્યો હતો.
અમિત શાહે ધારદાર કથનો દ્વારા એમ કહ્યું હતું કે, દેશમાં ચૂંટણીઓમાં કોંગ્રેસની હારનું કારણ તેનું નેતૃત્વ છે, ઇવીએમ નથી. જ્યાં સુધી વોટ ચોરીની વાત છે તો દાખલા સાથે એમણે કહ્યું કે દેશમાં પ્રથમ વોટ ચોરીથી જવાહરલાલ નેહરુ વડાપ્રધાન બન્યા હતા. આઝાદી બાદ કોને પીએમ બનાવવા? તેના માટે મત લેવાયા હતા અને સરદાર પટેલની તરફેણમાં 28 મત જ્યારે નેહરુ માટે ફક્ત બે મત પડ્યા હતા છતાં નેહરુ વડાપ્રધાન બની ગયા હતા. આ પ્રથમ વોટ ચોરી હતી.
એમણે કહ્યું કે બીજી વોટ ચોરી ઇન્દિરા ગાંધીના સમયમાં થઇ હતી. રાયબરેલીમાં ચૂંટાયા ત્યારબાદ અલ્હાબાદ હાઇકોર્ટે ચૂંટણી ઉચિત રીતે થઇ નથી તેવો ચુકાદો આપ્યો હતો. ત્યારે સંસદમાં ઇન્દિરા ગાંધી એવો કાયદો લઇને આવ્યા કે પીએમ સામે કોઇ કેસ જ દાખલ થઇ શકે નહીં. ત્રીજી વોટ ચોરી તરીકે અમિત શાહે તાજેતરનો જ દાખલો આપ્યો અને કહ્યું કે, સોનિયા ગાંધીને કોર્ટે એક નોટિસ આપી છે. કારણ કે એમના પર એવો આરોપ છે કે તેઓ દેશના નાગરિક બન્યા તે પહેલા જ મતદાર યાદીમાં નામ નોંધાવી લીધું હતું.
અમિત શાહે કોંગ્રેસના અને ખાસ કરીને રાહુલ ગાંધીના તમામ આરોપોનું જોરદાર ખંડન કરીને કહ્યું હતું કે, કોંગ્રેસના રાજમાં જ 2004માં અને 2009માં સૌ પ્રથમ દેશમાં ઇવીએમથી ચૂંટણી થઇ હતી. એ લોકો જીતી ગયા તો ઇવીએમ સારા હતા. 2014થી વડાપ્રધાન મોદી જીતી રહ્યા છે તો હવે ઇવીએમ ખરાબ થઇ ગયા છે. વોટ ચોરીનો રાહુલનો આરોપ પાયાવિહોણો છે અને તેમાં કોઇ દમ નથી. કોંગે્રસ ચૂંટણીમાં જીતે તો મતદારયાદી સારી હોય છે અને હારે તો ખરાબ બની જાય છે. આ લોકો વોટ ચોરીનો નેરેટિવ ચલાવીને દુનિયામાં ભારતના લોકતંત્રની છબી બગાડી રહ્યા છે, અમારી સરકારની નહીં.
એમણે કહ્યું કે કોંગ્રેસના રાજમાં પણ એસઆઇઆરની પ્રક્રિયા થઇ હતી. 1952માં, 1961માં આ પ્રક્રિયા થઇ હતી. વિપક્ષનો મુદ્દો એવો છે કે એ લોકો દેશમાં આવેલા ઘુસણખોરોને મતદાર યાદીમાં રાખવા માંગે છે અને અમે કોઇપણ ઘુસણખોરને સ્વીકારતા નથી અને બધાને દેશની બહાર કરાશે અને મતદાર યાદીમાંથી એમના નામ કમી કરાશે.
રાહુલ કહે તે રીતે સંસદ નહીં ચાલે, મારા ભાષણનો ક્રમ હું જ નક્કી કરીશઃ અમિત શાહ અને રાહુલ વચ્ચે જોરદાર ટપાટપી
લોકસભામાં અમિત શાહ દાખલા સાથે એક પછી એક રાહુલ ગાંધી અને વિપક્ષના દરેક આરોપ અને આક્ષેપનો જવાબ આપી રહ્યા હતા અને હરિયાણામાં કોઇ બોગસ મતદાર છે જ નહીં અને આ બધી ખોટી વાતો છે તેમ શાહે કહેતાં જ રાહુલ ગાંધી ઊભા થઇને વચમાં બોલવા લાગ્યા હતા અને ત્યારે બન્ને વચ્ચે ગરમાગરમી થઇ ગઇ હતી. અમિત શાહે એમ કહી દીધું હતું કે, રાહુલ કહે તેમ સંસદ નહીં ચાલે, મારા ભાષણનો ક્રમ હું જ નક્કી કરીશ. આ તકે રાહુલે ફરી એમ કહ્યું હતું કે, ગૃહમંત્રીની પ્રતિક્રિયા ગભરાટવાળી છે અને તેઓ ડરી ગયા છે.
મોદી EVM નહીં, લોકોના દિલ હેક કરે છે…ઃ કંગના
લોકસભામાં સાંસદ કંગના રણૌતે ચૂંટણી સુધારાઓ પર બોલતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરવાની સાથે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે િંચતા વ્યક્ત કરી કહ્યું કે, સંસદમાં આ વર્ષે યોજાયેલા તમામ સત્રો વિપક્ષના હંગામા વચ્ચે વિત્યા છે, તેથી નવા સાંસદ તરીકેનો મારો આ અનુભવ િંચતાજનક છે. તેમણે વિપક્ષ દ્વારા વિવાદો, સૂત્રોચ્ચાર અને ગૃહની કાર્યવાહી અટકાવવાની રીતોને લોકશાહી વિરુદ્ધની ગણાવી છે. વિપક્ષ દ્વારા ઈવીએમ હેક કરવાના આક્ષેપોનો જવાબ આપતા કંગનાએ કહ્યું કે, વડાપ્રધાન મોદી ઈવીએમ હેક કરતા નથી, પરંતુ તેઓ લોકોના દિલ હેક કરે છે.કંગનાએ કહ્યું કે, રાહુલ ગાંધી બોલવા ઊભા થયા હતા, ત્યારે આશા હતી કે, તેઓ કોઈ મોટો ખુલાસો કરશે, પરંતુ તેઓએ તથ્યો અને ગંભીરતા વગર ભાષણ કર્યું હતું.
રાજીવ ગાંધી જ ઇવીએમ દેશમાં લઇ આવ્યા
અમિત શાહે કોંગ્રેસ અને ખાસ કરીને રાહુલ ગાંધી દ્વારા ઇવીએમ સામે વારંવાર જે આરોપો અને વાંધા લેવામાં આવે છે તેનો મક્કમતાથી જવાબ આપીને ભૂતકાળ તરફ નજર કરવાનું કહ્યું હતું અને એમણે એ વાતની યાદ અપાવી હતી કે રાજીવ ગાંધી જ દેશમાં ઇવીએમ લઇને આવ્યા હતા અને તેના દ્વારા જ દેશમાં ચૂંટણીઓ થઇ હતી. હવે અને ઇવીએમથી ચૂંટણી કરી રહ્યા છીએ તો એમને પેટમાં દુઃખે છે.
“ઘુસણખોરોને યાદીમાં રાખવા માંગે છે” તેમ કહેતાં જ વિપક્ષનો વોકઆઉટ
લોકસભામાં ચર્ચાનો આક્રમક જવાબ આપતી વખતે અમિત શાહે એમ કહ્યું હતું કે, એસઆઇઆરની પ્રક્રિયા સામે કોંગ્રેસ સહિતના વિપક્ષને વાંધો એટલા માટે પડી રહ્યો છે કે એ લોકો ઘુસણખોરોને મતદાર યાદીમાં સલામત રાખવા માંગે છે. શાહના આ વિધાનથી ગૃહમાં વિપક્ષ દ્વારા ભારે ગોકીરો અને હંગામો મચાવવામાં આવ્યો હતો અને કોંગ્રેસ સહિતના વિપક્ષે વોકઆઉટ કર્યું હતું.
