કોંગ્રેસ પછાત, દલિત અને અનામતવિરોધી: PM મોદી
કોંગ્રેસનું પતન તેના કર્મોનું ફળ છે: મનમોહન સિંઘે સંસદમાં આર્થિક દૂર્દશાની કબૂલાત કરી હતી
નહેરૂએ પોતે અનામતના વિરોધી જ છે તેમ કહ્યું હતું: `સબ કા સાથ, સબ કા વિકાસ’ નારો નહીં મોદીની ગેરેન્ટી છે: રાજ્યસભામાં પણ વડાપ્રધાને કોંગીને ધોઇ નાખી
લોકસભામાં ધૂંવાધાર પ્રવચન આપ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપીને કોંગ્રેસ પર જનોઈવઢ પ્રહાર કર્યા હતા. નોકરીઓથી લઈને દરેક પ્રકારના અનામત બાબતમાં વડાપ્રધાને દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત નહેરૂની આલોચના કરી હતી અને કહ્યું હતું કે, આજની કોંગ્રેસ જ નહીં બલ્કે દેશના પ્રથમ વડાપ્રધાન નહેરૂ પણ અનામતની વિરૂધ્ધ હતા. જો બાબા સાહેબ આંબેડકર ન હોત તો દેશના વંચિત વર્ગોને અનામત મળત જ નહીં. પંડિત નહેરૂએ પોતાના કાર્યકાળમાં મુખ્યમંત્રીઓને એક ચિઠ્ઠી લખી હતી તે વડાપ્રધાને વાંચી સંભળાવી હતી.ચઠ્ઠીમાં એવો ઉલ્લેખ હતો કે, હું એટલે કે નહેરૂ કોઈપણ જાતની અનામતનો વિરોધી છું. જો સરકારી નોકરીઓમાં અનામત અપાશે તો સરકારી કામકાજનું લેવલ ઘટી જશે. કોંગ્રેસ પહેલાંથી જ દલિતો, આદિવાસીઓ, પછાતોની વિરોધી છે અને અનામતની વિરોધી રહી છે પરંતુ અમારી સરકારે આ બધા હકક આપ્યા છે. જમ્મુ કાશ્મીરના લોકોને પણ બધા હક આપ્યા છે.
કોંગ્રેસ પર નિશાન સાધીને એમણે કહ્યું હતું કે કેટલાક લોકો માટે આલોચના અને કડવી વાતો એમની મજબૂરી છે અને મને એમના પ્રત્યે સંવેદના છે. કોંગ્રેસ આજે પણ સાચો અવાજ સાંભળવા માગતી નથી પરંતુ મારો અવાજ દબાવી શકાશે નહીં કારણ કે, આ અવાજને દેશની જનતાએ તાકાત આપી છે.
એમણે એવો ટોણો પણ માર્યો હતો કે, બંગાળથી કોંગ્રેસને એક પડકાર મળ્યો છે કે, લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ૪૦ બેઠકો પણ નહીં મળવી શકે પણ હું એવી પ્રાર્થના કરું છું કે, કોંગ્રેસને ઓછામાં ઓછી ૪૦ બેઠકો તો મળે જ. કોંગ્રેસ વિચારોથી પણ આઉટડેટેડ થઈ ગઈ છે અને તેણે પોતાનું કામ પણ આઉટસોર્સ કરી નાખ્યું છે. કોંગી માત્ર દેશમાં જૂઠ, અફવા અને ભ્રમ ફેલાવે છે. અમારા પર એવો આરોપ હતો કે અમે પીએસયુ વેચી નાખ્યા છે પરંતુ સત્ય એ છે કે, આજે બીએસએનએલ, એલઆઈસી, એર ઈન્ડિયા બધા પોતાના પગ પર ઉભા છે.
મનમોહનસિંઘ વડાપ્રધાન હતા ત્યારે એમણે સંસદમાં જે કબુલાત કરી હતી તે પણ વડાપ્રધાને વાંચી સંભળાવી હતી. મનમોહનસિંઘે એમ કહ્યું હતું કે, દેશની જનતામાં ગુસ્સો છે, ઈન્સ્ટિટ્યુશન્સનો મિસ યુઝ થઈ રહ્યો છે, કરવસુલાતમાં ભ્રષ્ટાચાર છે માટે જીએસટી લાવવું પડશે. રાશનના અનાજમાં કૌભાંડો છે. આજે કોંગ્રેસની જે હાલત છે તેના માટે તે પોતે જ જવાબદાર છે અને આ તેના કર્મોનું ફળ છે. યુપીએના ૧૦ વર્ષના શાસનમાં અર્થતંત્ર ૧૧માં નંબરે હતું અને અમારા ૧૦ વર્ષના શાસનમાં પાંચમા નંબર પર છે. કોંગ્રેસને મેક ઈન ઈન્ડિયાથી પેટમાં જલન ઉપડે છે. કોંગ્રેસે દલિતો, આદિવાસીઓ અને પછાતને ન્યાય આપ્યો નથી અને તેની વિરોધી છે. `સબ કા સાથ, સબકા વિકાસ’ એ માત્ર નારો નથી પરંતુ મોદીની ગેરંટી છે.
આવતા ૫ વર્ષમાં મોદી સરકાર ૩.૦નું ભારત કેવું હશે?
રાજ્યસભામાં વડાપ્રધાને આગામી પાંચ વર્ષના વિકાસના રોડમેપનો આ રીતે સંકેત આપ્યો હતો
એ.આઈ.નો વધુ ઉપયોગ થશે નવા મિડલ ક્લાસને ઊંચાઈ અપાશે ગરીબોને વધુ સસ્તી સારવાર મળશે
ક્વોલિટી ઓફ લાઈફ સુધરશે બુલેટ ટે્રન દોડશે સેમી કંડક્ટરો બનશે દેશના દરેક ક્ષેત્રોમાં આત્મનિર્ભરતા વધશે
હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે યુપીએ સરકારનો અન્યાય હતો
વડાપ્રધાને આજે રાજ્યસભામાં કોંગ્રેસ અને યુપીએની પાછલી સરકારના કૂશાસન પર પ્રકાશ પાડ્યો હતો અને ભેદભાવભરી નીતિની માહિતી પણ આપી હતી. એમણે કહ્યું હતું કે, ગુજરાતમાં જ્યારે પણ કોઈ કુદરતી આપત્તિ આવે તો યુપીએના કોઈ મંત્રી ગુજરાતમાં આવતા ન હતા. યુપીએના મંત્રીઓ પાસેથી મળવા માટેનો સમય પણ મળતો ન હતો અને દરેક રીતે ગુજરાતને અન્યાય કરવામાં આવતો હતો અને તેની અવગણના કરવામાં આવતી હતી.
કોંગ્રેસે સ્વાર્થ માટે આતંકવાદ-અલગતાવાદ-નકસલવાદને વધવા દીધા
રાજ્યસભામાં વડાપ્રધાને સમગ્ર પ્રવચન દરમિયાન માત્ર કોંગ્રેસની જ આકરી ટિકા ચાલુ રાખી હતી અને એવો આરોપ મુક્યો હતો કે, કોંગ્રેસની સરકારોએ પોતાના સ્વાર્થને સાધવા માટે દેશમાં આતંકવાદ, અલગતાવાદ અને નકસલવાદને શક્તિશાળી બનવા દીધો હતો અને તેના નિર્મૂલન માટે કોઈ અસરકારક પગલાં લીધા ન હતા જે બધા મારી સરકારે લેવા પડ્યા છે.