કોંગીના નેતા સેમ પિત્રોડાએ ફરી ઈવીએમ પર શંકા દર્શાવી, શું કહ્યું વાંચો
કોંગ્રેસના નેતા અને રાજીવ ગાંધી વખતના ટેકનીકલ સલાહકાર સેમ પિત્રોડાએ ફરીવાર ઈવીએમનો મુદ્દો ઉઠાવીને એમ કહ્યું હતું કે, જો ઈવીએમને ઠીકઠાક કરવામાં નહીં આવે તો ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ ૪૦૦થી વધુ બેઠક મેળવી જશે. મીડિયા સાથેની એક ખાસ મુલાકાતમાં એમણે ફરીવાર ઈવીએમ પર ભારે શંકા-કુશંકા વ્યકત કરી હતી.
એમણે કહ્યું હતું કે, આગામી લોકસભાની ચૂંટણી ભારતના ભાગ્યનો ફેંસલો કરશે માટે તે ચૂંટણી ખુબ જ મહત્વની છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ સહિત કેટલાક વિપક્ષી નેતાઓ વારંવાર ઈવીએમમાં ગોટાળા અને હેરફેરનો મુદ્દો ઉઠાવતા રહ્યા છે. સેમ પિત્રોડાએ ફરી એમ કહ્યું હતું કે, ઈવીએમમાં ગરબડ દૂર કરવામાં નહીં આવે તો ભાજપ ૪૦૦થી વધુ બેઠકો લઈ લેશે.
જો કે ચૂંટણીપંચે હંમેશા ઈવીએમ પરની શંકા-કુશંકાઓને રદિયો આપ્યો છે અને આ પ્રકારના સંદેહને દૂર કરવા માટે હેકેથોનનું પણ આયોજન કર્યું હતું. આમ છતાં કોંગ્રેસ સહિતના કેટલાક વિપક્ષી નેતાઓ હજુ પણ ઈવીએમ પર શંકા-કુશંકા કરી રહ્યા છે.
