નિકાસકારોમાં ચિંતા: ભારતના 4 લાખ ટન બાસમતી ચોખા વિવિધ બંદરો અને સમુદ્રમાં અટવાયા,ભાવમાં 10–15% ઉછાળો
પશ્ચિમ એશિયામાં વધી રહેલા સંઘર્ષના કારણે ભારતના બાસમતી ચોખાના નિકાસ વેપાર પર ગંભીર અસર પડી છે. ઓલ ઈન્ડિયા રાઈસ એક્સપોર્ટર્સ એસોસિએશન (AIREA) મુજબ આશરે 4 લાખ મેટ્રિક ટન બાસમતી ચોખા હાલ ભારતીય બંદરો પર અટવાયા છે અથવા સમુદ્રમાં પરિવહનમાં છે.
AIREAના અધ્યક્ષ સતીશ ગોયલના જણાવ્યા મુજબ લગભગ 2 લાખ ટન ચોખા ભારતીય બંદરો પર અટવાયેલા છે, જ્યારે લગભગ એટલો જ જથ્થો સમુદ્રમાં જ છે, જેમાંથી કેટલાક જહાજો ગંતવ્ય બંદરોની નજીક છે તો કેટલાક હજી મુસાફરીમાં છે.
ભારત દર વર્ષે અંદાજે 60 લાખ ટન બાસમતી ચોખા નિકાસ કરે છે, જેમાંથી લગભગ 40 લાખ ટન ગલ્ફ દેશોમાં જાય છે. સાઉદી અરેબિયા, ઈરાન, ઈરાક, યુએઈ અને યમન ભારતના સૌથી મોટા ખરીદદારો છે અને કુલ નિકાસના લગભગ અડધા હિસ્સા માટે જવાબદાર છે.
આ પણ વાંચો :UPSCમાં ગુજરાતીઓનો ડંકો: SPIPAના 34 ઉમેદવારો ચમક્યા, દિશાંત નિસાર ઓલ ઈન્ડિયામાં 19મો રેન્ક મેળવી રાજ્યનું ગૌરવ વધાર્યું
ઈન્ડિયન રાઈસ એક્સપોર્ટર્સ ફેડરેશન (IREF)એ નિકાસકારોને ચેતવણી આપી છે કે આવનારા દિવસોમાં ભાવમાં ભારે અસ્થિરતા જોવા મળી શકે છે. છેલ્લા એક મહિનામાં જ બાસમતીના થોક ભાવમાં 10થી 15 ટકા વધારો નોંધાયો છે.
ફેડરેશને નિકાસકારોને ગલ્ફ દેશો માટે નવા CIF કરાર ન કરવા અને FOB આધારિત વેચાણ તરફ વળવા સલાહ આપી છે, જેથી પરિવહન અને ઈન્શ્યોરન્સનો જોખમ ખરીદદારે ઉઠાવવો પડે. વધતા તેલના ભાવને કારણે શિપિંગ ઈંધણ (બંકર) ખર્ચ અને ઈન્શ્યોરન્સ પ્રીમિયમ વધવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આંકડા મુજબ એપ્રિલથી ડિસેમ્બર 2025 દરમિયાન ભારતે મધ્ય પૂર્વમાં 3.90 મિલિયન ટન અને આફ્રિકામાં 7.16 મિલિયન ટન ચોખાની નિકાસ કરી હતી, જેના કારણે વર્તમાન પરિસ્થિતિ વેપાર માટે ચિંતાજનક માનવામાં આવી રહી છે.
