કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ૨૦૯ રૂપિયાનો વધારો
તહેવારો પૂર્વે જ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ રાંધણ ગેસના કોમર્શિયલ બાટલાનાં ભાવમાં વધારો કર્યો છે. સૂત્રોએ આ માહિતી આપી છે. આ મુજબ હવે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના દરમાં 209 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ નવા દર આજથી જ અમલમાં આવી ગયા છે. 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની દિલ્હી છૂટક વેચાણ કિંમત આજથી 1731.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર હશે.
ગત સપ્ટેમ્બરના રોજ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ. 158નો જંગી ઘટાડો કર્યાના એક મહિના બાદ જ ફરી ભાવ વધારનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હીમાં 1 ઓક્ટોબરની એલપીજી સિલિન્ડરના ભાવ 209 રૂપિયા વધીને 1731.50 રૂપિયા થયા છે, જે અગાઉ 1,522 રૂપિયા હતા.
નોંધનિય છે કે, ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ અગાઉ ઓગસ્ટમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 99.75 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.
કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં આ વધારો એવા સમયે થયો છે જ્યારે નવરાત્રી અને દિવાળીના તહેવારો નજીક છે. ઓક્ટોબર મહિનામાં નવરાત્રી – દશેરા જેવા તહેવારો આવી રહ્યા છે અને આવતા મહિને દિવાળી પણ આવી રહી છે.