કોમેડિયન કુણાલ કામરાએ RSSની મજાક કરતું ટી શર્ટ પહેરી અટકચાળો કર્યો : સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરતા વિવાદ
કોમેડિયન કુણાલ કામરાએ સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કર્યા બાદ ફરી એકવાર વિવાદ ઉભો કર્યો છે.તેમાં તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની મજાક ઉડાવતો ટી-શર્ટ પહેરેલો જોવા મળે છે. આ પોસ્ટ બદલ તેની સામે પોલીસ કાર્યવાહીની ભાજપે ચેતવણી આપી હતી.
આ અગાઉ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની ઠેકડી ઉડાવવા બદલ વિવાદમાં સપડાયેલા કુણાલ કામરાએ કરેલા આ નવા અટકચાળાને પગલે સંઘ પરિવાર અને ભાજપમાં ઘેરા રોષની લાગણી ફેલાઈ છે. કુણાલે પહેરેલા ટી – શર્ટમાં ભાજપના વૈચારિક માર્ગદર્શક RSS ના સંદર્ભ સાથે કૂતરાની છબી દર્શાવવામાં આવી હતી.
સોશિયલ મીડિયા પર એ તસ્વીર વાયરલ થયા બાદમહારાષ્ટ્રના મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ચંદ્રશેખર બાવનકુલેએ ઓનલાઇન વાંધાજનક સામગ્રી શેર કરનાર કોઈપણ વ્યક્તિ સામે અધિકારીઓ કાયદેસરની કાર્યવાહી કરશે તેમ જણાવ્યું હતું.
આ પણ વાંચો :બાકીવેરો ભરી દેજો નહીંતર જપ્તી! 154 કરોડ ભેગા કરવા રાજકોટ મનપા ઉંધામાથે,665ને મિલકત જપ્તીની નોટિસ
બીજી તરફ શિવસેનાના કેબિનેટ મંત્રી સંજય શિરસાટે કહ્યું કે આ કોમેડિયન અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેનું અપમાન કરી ચૂક્યો છે અને હવે તેની હિંમત એટલી બધી વધી ગઈ છે કે તે આરએસએસ જેવી સંસ્થા ની પણ મજાક ઉડાવે છે. તેમણે ઉમેર્યું કે સિંદે નું અપમાન કર્યું ત્યારે શિવસેનાએબરોબર બોધપાઠ પાઠ ભણાવ્યો હતો અને હવે ભાજપે પણ અમારું અનુકરણ કરવું જોઈએ.
નોંધનીય છે કે શિવસેનાના સભ્યોએ મુંબઈના ખાર વિસ્તારમાં હેબિટેટ કોમેડી ક્લબ તેમજ ક્લબ આવેલી હોટલમાં તોડફોડ કરી હતી. વિવાદમાં ઘેરાયા બાદ કુણાલ કામરા એ,કથિત રીતે RSSનો ઉલ્લેખ કરતો ફોટોગ્રાફ કોઈ કોમેડી ક્લબમાં ક્લિક ન કરવામાં આવ્યો હોવાનો બાલીશ બચાવ કર્યો હતો.
