મેયરના નામે ગાંઠિયા-ચીપ્સની ઉઘરાણી! સંજલાને પકડવા માટે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પાસે ‘સંજય દૃષ્ટિ’જ નથી,વાંચો કાનાફૂસી
મેયરને કોઈ પણ શહેર હોય ત્યાંના પ્રથમ નાગરિક ગણવામાં આવે છે. આ સ્થાન અત્યંત મોભાદાર તેમજ જવાબદારીભર્યું હોય છે. મેયર પ્રત્યે શહેરીજનોને અપેક્ષા પણ એટલી જ રહેતી હોય છે. હાલ રાજકોટના મેયર તરીકે નયનાબેન પેઢડિયા કાર્યરત છે જેઓ શિક્ષક તરીકે પણ કાર્યરત રહી ચૂક્યા હોવાથી શિસ્તના ખૂબ જ આગ્રહી છે. અમુક કિસ્સાને બાદ કરતા હજુ સુધી તેઓ કોઈ જ પ્રકારના વિવાદમાં સપડાયા નથી એ વાત પણ સર્વવિદિત છે. રાજકોટ સહિત રાજ્ય આખામાં પોલીસ સહિતના નકલી અધિકારીઓ પૈસા ઉપરાંત વસ્તુ સહિતની `ઉઘરાણી’ કરી આવ્યાનું પોલીસ ચોપડે નોંધાયું છે ત્યારે મેયરને પણ આવો જ એક કડવો અનુભવ થઈ ચૂક્યો છે. વાત જાણે એમ છે કે મેયર નયનાબેન અને તેમના પતિ વિનુભાઈ પેઢડિયા સજોડે ઘણી વખત જ્યુબિલિ રોડ પર આવેલી ચાની હોટેલ કે જેને રાધે હોટેલની બાજુમાં જ કાર્યરત જોકર ગાંઠિયામાં ગાંઠિયા-ચીપ્સ ખાવા માટે જાય છે. આ વાત એક `કારીગર’ (ગાંઠિયાની દુકાનમાં કામ કરતો કોઈ માણસ નહીં પરંતુ સરળ શબ્દમાં કહીએ તો ગઠિયો)ના ધ્યાન પર આવી ગઈ હતી. તેણે એક વખત નયનાબેન અને વિનુભાઈને ગાંઠિયા ખાતાં જોઈ લીધાં હતા. બસ, પછી શું ? આ `કારીગર’ જોકર ગાંઠિયામાં જઈ ચડ્યો અને દુકાનદાર પાસે જઈને કહ્યું કે મેયરે ગાંઠિયા અને ચીપ્સ મંગાવ્યા છે, પેક કરી આપો ! દુકાનદાર પણ પેકિંગ કરવા લાગ્યો હતો પરંતુ જાણે કે તેને સૂઝી આવ્યું હોય તેમ સીધો મેયરને ફોન કરીને પૂછી લીધું કે બહેન, વધારે ગાંઠિયા કે ચીપ્સ જોઈતા નથી ને ? આ સાંભળી મેયર પણ ચોંકી ઉઠ્યા હતા કેમ કે તેણે ગાંઠિયા-ચીપ્સ મંગાવ્યા જ ન્હોતા ! જો કે દુકાને જઈ ચડેલા `કારીગર’ના ધ્યાને આ મુદ્દો આવી જતાં તે ત્યાંથી રફુચક્કર પણ થઈ ગયો હતો.
સંજલાને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચ પાસે `સંજય દૃષ્ટિ’ જ નથી !
ભલભલા ગુનેગારને પકડીને ભોંભીતર કરી દેનારી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને હાલ `પાણીદાર બ્રાન્ચ’ તરીકે ઓળખવામાં આવે છે. પાછલા થોડા દિવસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે રાત-દિવસ એક કરીને માથું ઉંચકી રહેલી બે ગેંગના 38 સભ્યોને ગુજસીટોક હેઠળ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ કામગીરી ખરેખર બિરદાવવાને લાયક છે પરંતુ `સોનાની થાળીમાં લોઢાની મેખ’ સમાન એક નિષ્ફળતા અત્યારે અગાઉની કામગીરી ઉપર પાણીઢોળ કરી રહી છે. પેંડા ગેંગને પકડીને પાંજરે પૂરી દેવામાં આવી છે અને તેની હરિફ મુરઘા ગેંગના 21 પણ અત્યારે જેલમાં પૂરાયેલા છે પરંતુ મુરઘા ગેંગનો મુખ્ય `લીડર’ સમીર ઉર્ફે સંજલો જાવિદભાઈ જુણેજા છેલ્લા પોણા બે મહિનાથી પોલીસને ચકમો આપી રહ્યો છે. સમીર ઉર્ફે સંજલા સામે 29 ઑક્ટોબરે જ ગુનો નોંધાઈ ચૂક્યો છે. આજે 22 ડિસેમ્બર છે ત્યારે બે મહિના પૂરા થવા આવ્યા છતા સંજલો હજુ ક્રાઈમ બ્રાન્ચ કે અન્ય પોલીસના હાથે ચડ્યો નથી ત્યારે શું ક્રાઈમ બ્રાન્ચ પાસે સંજલાને પકડવા માટેની `સંજય દૃષ્ટિ’ જ નહીં હોય કે પછી સંજલો બ્રાન્ચ ઉપર ભારે પડી રહ્યો હશે ? આ અંગે અધિકારીઓને જ્યારે પણ પૂછવામાં આવે ત્યારે એવો જ જવાબ મળે છે કે `થોડા સમય પહેલાં જ લોકેશન મળી ગયું હતું અને ટીમ નજીક પહોંચી પણ ગઈ હતી પરંતુ છેલ્લી ઘડીએ સંજલો ત્યાંથી નીકળી ગયો !’ ભલે પોલીસ ભગવાન નથી પરંતુ એક ગુનેગાર આટલા દિવસોથી ફરાર રહે તે બ્રાન્ચનું નેટવર્ક નબળું હોવાની ગવાહી નથી પૂરતો ?
શહેરી વિકાસ વિભાગની VC હોય એટલે રાજકોટે સાંભળવાનું જ !!
તમે પોલીસ, મહાપાલિકા, કલેક્ટર સહિતની કોઈ પણ કચેરીમાં ચાલ્યા જાવ, ત્યાં સપ્તાહમાં બે કે ત્રણ વખત તમને એવા શબ્દો સાંભળવા મળશે જ કે સાહેબ અત્યારે વીસી (વિડિયો કોન્ફરન્સ)માં વ્યસ્ત છે ! ખેર, સાહેબ સાચે જ વ્યસ્ત હોય છે કે પછી અરજદારને તગેડી મુકવાનો કીમિયો અખત્યાર કરાતો હોય છે તો સાહેબ અને તેના નીચેના અધિકારીઓ-કર્મચારીઓ જાણતા હશે. જો કે વાસ્તવમાં દર સપ્તાહે શહેરી વિકાસ વિભાગના સચિવ (હાલ આ પદે એમ.થેન્નારાસન કાર્યરત છે) દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દરેક મહાપાલિકાના કમિશનર અને જો કમિશનર હાજર ન હોય તો ડેપ્યુટી કમિશનર અથવા તેમના સમકક્ષ અધિકારીઓ સાથે શહેરની સુવિધા, દુવિધા, મુશ્કેલી સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવે છે. જો કે જ્યારે જ્યારે આ પ્રકારની વીડિયો કોન્ફરન્સ હોય ત્યારે રાજકોટ વતી તેમાં હાજર અધિકારીઓએ સાંભળવાનું જ આવતું હોવાની `કાનાફૂસી’ મહાપાલિકાની કચેરીમાં સાંભળવા મળી રહી છે. અન્ય શહેરોની તુલનાએ રાજકોટે વધુ સાંભળવું પડે છે. શહેરી વિકાસ સચિવ દ્વારા `તમારા રાજકોટમાં ફલાણી સમસ્યા છે, ઢીકણી સમસ્યા છે, ઉકેલ ક્યારે, કેવી રીતે આવશે’ તેવા ઠપકા સ્વરૂપે સવાલ પૂછવામાં આવે છે ત્યારે પાછલી અમુક વીસી દરમિયાન અધિકારીઓ પાસે માત્ર માથું હલાવીને `જી, સર’ સિવાયનો પ્રત્યુત્તર આપવા સિવાય બીજો કોઈ રસ્તો રહેતો ન હોવાનું સાંભળવા મળ્યું હતું. એક વાત એવી પણ છે કે અગાઉના અધિકારીઓ ટટ્ટાર બનીને સચિવને તર્ક સાથે જવાબ આપતા અને તેમનો જવાબ માન્ય પણ રહેતો પરંતુ હાલ એવો સમય રહ્યો નથી !!
આ પણ વાંચો :ટ્રમ્પના ફોટા વાળી 16 એપસ્ટેઇન ફાઇલો US સરકારની વેબસાઇટ પરથી ગાયબ: જસ્ટિસ ડિપાર્ટમેન્ટની પારદર્શિતા સામે પ્રશ્નાર્થ
વાયબ્રન્ટથી રાજકોટને બીજુ કાંઈ મળે કે ન મળે, રસ્તા સારા મળી ગયા…!
રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે આગામી 10થી 13 જાન્યુઆરી દરમિયાન વાયબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન થવાનું છે અને તેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિતના દિગ્ગજ નેતાઓ ઉપરાંત દેશના ટોચના ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેવાના છે. આ પ્રકારની સમિટ દર વર્ષે મળે છે અને તેમાં લાખો કરોડો રૂપિયાના એમ.ઓ.યુ. થાય છે પરંતુ બાદમાં આ એમ.ઓ.યુ.ની સ્થિતિ શું હોય છે તે હજુ સુધી જાણી શકાયું નથી ! જો કે રાજકોટમાં પહેલીવાર આ પ્રકારનું સમિટ મળતું હોવાથી તંત્ર આખું `કસરત’ કરવા લાગ્યું છે. આ સમિટ રાજકોટમાં મળવાનું છે તેવી જાહેરાત થઈ કે તુરંત જ રાજકોટના લોકો કહેવા લાગ્યા હતા કે ભાઈસા’બ વાયબ્રન્ટ રાજકોટથી અમને શું મળી જશે ? જો કે જાહેરાત થતાની સાથે જ મહાપાલિકાના `કામઢા’ ઈજનેરો રસ્તાને નવોઢાની જેમ શણગારવા લાગ્યા હોવાથી આ દૃશ્ય જોઈને લોકો કહેવા લાગ્યા હતા કે વાયબ્રન્ટથી રાજકોટને બીજુ કાંઈ મળે કે ન મળે, રસ્તા સારા થઈ ગયા…! જ્યાં આ સમિટ મળવાનું છે ત્યાંના રસ્તા તો હાડપિંજરમાંથી હ્યુસ્ટપુષ્ટ થઈ ગયા છે સાથે સાથે શહેરના અન્ય વિસ્તારોના રસ્તા પણ ચમકદાર થવા લાગ્યા છે. જો કે અધિકારીઓ-પદાધિકારીઓ એવો બચાવ પણ કરી રહ્યા છે કે વાયબ્રન્ટ છે એટલે નહીં પરંતુ રસ્તા નવા બનાવવાનું પ્લાનિંગ તો અમારું અગાઉથી જ થઈ ગયું હતું ! જો કે પદાધિકારીઓ એ કહેવાનું માંડી વાળે છે કે નજીકના મહિનાઓમાં મહાપાલિકાની ચૂંટણી આવી રહી હોવાથી લોકો રસ્તાનો `ખાર’ મતપેટી ઉપર ન ઉતારે એટલા માટે રસ્તા સરખા કરાવી રહ્યા છીએ !
આ પણ વાંચો :સંરક્ષણ મંત્રાલયના લેફ્ટનન્ટ કર્નલ 3 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા: CBIની દિલ્હીમાં મોટી કાર્યવાહી,અધિકારીના પત્ની પણ ફસાયા
બસ, બે કે ત્રણ દિવસઃ ક્રાઈમ બ્રાન્ચ-સાયબર ક્રાઈમમાં થઈ રહ્યા છે ફેરફાર
રાજકોટનું કોઈ પણ પોલીસ મથકનો સ્ટાફ લઈ લ્યો, તેમને ક્રાઈમ બ્રાન્ચ કે સાયબર ક્રાઈમ અથવા તો એસઓજી જેવી બ્રાન્ચમાં જવાની તાલાવેલી કાયમ રહેતી હોય છે. અમુક સ્ટાફ પોતાના મજબૂત છેડાનો ઉપયોગ કરીને બ્રાન્ચમાં જગ્યા મેળવી લે છે તો અમુક સ્ટાફ `મેરીટ’ ઉપર પસંદગી પામે છે. હવે ફરી ક્રાઈમ, સાયબર, એસઓજી સહિતની બ્રાન્ચમાં બદલીનો ગંજીપો ચીપાવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. બે કે ત્રણ દિવસની અંદર જ બદલીનો લીથો બહાર પડવાનું નિશ્ચિત છે. આ પહેલાં ક્રાઈમ બ્રાન્ચમાં તો અમુક ફેરફાર થઈ પણ ચૂક્યા છે. આ ફેરફાર ટીમની અદલા-બદલીના થવા પામ્યા છે. વળી, સાયબર ક્રાઈમના પીઆઈ પી.આર.ડોબરિયા આર્થિક ગુના નિવારણ શાખા (ઈઓડબલ્યુ)ના સેક્નડ પીઆઈ તરીકે પણ બિરાજમાન થઈ ચૂક્યા છે.
