‘કોલ્ડવેવ’ગાયબ : શિયાળાના વિદાય જેવી મિશ્ર ઋતુનો અનુભવ
આ વખતે ગુજરાતમાં શિયાળો પ્રમાણમાં ગરમ રહ્યો છે.અત્યારે જાન્યુઆરી ચાલી રહ્યો છે અને આ મહિનાના અંત ભાગમાં તો શિયાળો વિદાય થઈ રહ્યો હોય એમ મિશ્ર ઋતુનો લોકો અનુભવ કરી રહ્યા છે.હવામાન ખાતાએ તો ત્યાં સુધી કહ્યું છે કે, આ વખતે ગુજરાતે કોલ્ડવેવનો અનુભવ કર્યો જ નથી.

ગુજરાતના હવામાન વિભાગના ડિરેક્ટર અશોક કુમાર દાસે પુષ્ટિ આપી હતી કે નવેમ્બરથી જાન્યુઆરી સુધી આ શિયાળામાં રાજ્યમાં કોઈ કોલ્ડ વેવ નોંધાયો નથી.
છેલ્લા થોડા દિવસથી ગુજરાતમાં તાપમાનમાં વધારો નોંધાઇ રહ્યો છે. ગુજરાતમાં વહેલી સવારે થોડી ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે.બીજી બાજુ હવામાન વિભાગે ગુજરાતમાં ઠંડી અને ગરમીની મિશ્ર ઋતુ વચ્ચે કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે.
આઈએમડીના અહેવાલ મુજબ ગુજરાતમાં આ શિયાળામાં એક પણ વાર કોલ્ડ વેવની અસર જોવા મળી નથી, જ્યારે સામાન્ય રીતે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છેલ્લા કેટલાક વર્ષોથી દર વર્ષે એક કે બે વાર કોલ્ડ વેવની અસર જોવા મળતી હોય છે. કાલે ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન અમરેલીમાં 13.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, અને સૌથી વધુ તાપમાન રાજકોટમાં 34.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ગુજરાત આઈએમડીના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે નવેમ્બરથી જાન્યુઆરી સુધી આ વખતે રાજ્યમાં કોઈ કોલ્ડ વેવની અસર નોંધાઈ નથી.
આઇએમડી પરિમાણો અનુસાર, મેદાની વિસ્તારમાં શીત લહેરની સ્થિતિ ત્યારે નોંધાય છે જ્યારે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ કે તેથી ઓછું હોય અને તે સામાન્ય લઘુત્તમ તાપમાન કરતાં 4.5 ડિગ્રી થી 6.4 ડિગ્રી ઓછું હોય. જો તે 6.4 ડિગ્રીથી વધુ હોય, તો તેને તીવ્ર શીત લહેર એટલે કે કોલ્ડ વેવ તરીકે ઓળખવામાં આવે છે.માત્ર કચ્છના નલિયામાં સતત ઓછું તાપમાન 10 ઔંશ સેલ્સિયસથી નીચે જોવા મળ્યું છે.
વરિષ્ઠ હવામાન વિભાગના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આ વર્ષે જાન્યુઆરી અને સમગ્ર શિયાળામાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ જેવી અનેક ઘટનાઓનો અનુભવ થયો હતો. ગુજરાતમાં પરંપરાગત રીતે શિયાળાના મહિનાઓમાં નીચા તાપમાનનો અનુભવ થાય છે, પવનની દિશા ઉત્તરથી ઉત્તરપશ્ચિમ તરફ હોય છે, જેના કારણે હિમાલયથી ઠંડા પવનો આવે છે. જો કે, વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે રાજ્યમાં સામાન્ય કરતાં વધુ ગરમ તાપમાન નોંધાયું હતું.
“જ્યારે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ની અસર પંજાબથી રાજસ્થાન સુધી અનુભવાઈ, ત્યારે તેણે પવનની દિશા બદલી નાખી. આમ, આ વખતે રાજ્ય માટે ઠંડા દિવસોનો સમયગાળો પ્રમાણમાં ઓછો હતો. હકીકતમાં, જાન્યુઆરી માટે IMD દ્વારા કરવામાં આવેલા પ્રારંભિક અંદાજમાં ગુજરાત સહિત અનેક પ્રદેશોમાં સામાન્ય કરતાં વધુ તાપમાન સૂચવવામાં આવ્યું હતું,”