કોલ્ડ્રીફ કફ સીરપમાં ભારોભાર ઝેરી રસાયણ : 23 બાળકોનાં મોત મામલે ડ્રગ ટેસ્ટિંગમાં ગંભીર બેદરકારી ખુલી
મધ્યપ્રદેશમાં 23 બાળકોનાં ઝેરી કફ સીરપને કારણે મૃત્યુ થયાં બાદ ભારતમાં દવાઓની ગુણવત્તા અને પરીક્ષણ પ્રક્રિયા ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. આ ઘટનાએ દેશભરમાં દવા ઉત્પાદન પ્રક્રિયા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG)ના તાજેતરના અહેવાલમાં તમિલનાડુમાં ડ્રગ ટેસ્ટિંગ અને નિરીક્ષણમાં ગંભીર ખામીઓ હોવાનું બહાર આવ્યું છે.
મધ્યપ્રદેશમાં બાળકોનાં મોતનું કારણ તમિલનાડુની સ્રેસન ફાર્માસ્યુટિકલ્સ દ્વારા ઉત્પાદિત ‘કોલ્ડ્રીફ’ કફ સીરપ હોવાનું જાણવા મળ્યું છે. તમિલનાડુના ડ્રગ કંટ્રોલ વિભાગની તપાસમાં આ સીરપમાં ડાયઇથિલીન ગ્લાયકોલ (DEG) નામનું ઝેરી રસાયણ મળી આવ્યું, જે પ્રિન્ટિંગ શાહી અને ગુંદર બનાવવામાં વપરાય છે. આ રસાયણ માનવ શરીર માટે અત્યંત હાનિકારક છે અને તે કિડની, લીવર અને નર્વસ સિસ્ટમને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.
તપાસમાં જાણવા મળ્યું કે, સ્રેસન ફાર્માના કાંચીપુરમ ખાતેના ઉત્પાદન એકમમાં આ સીરપમાં 46-48% DEGનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જ્યારે માન્ય મર્યાદા માત્ર 0.1% છે. આ ગંભીર ઉલ્લંઘન બાદ તમિલનાડુ ડ્રગ કંટ્રોલ ઓથોરિટીએ કંપનીનું ઉત્પાદન બંધ કરાવી તેના તમામ સ્ટોક પર રોક લગાવી અને લાઇસન્સ રદ કર્યું છે. કંપનીના માલિક રંગનાથન ગોવિંદનની પણ ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો :કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો કેમ નથી આપ્યો? કેન્દ્રને સુપ્રીમ કોર્ટનો સવાલ, જવાબ માટે 4 અઠવાડિયાનો આપ્યો સમય
CAGનો ચોંકાવનારો અહેવાલ
CAGના 2024ના ઓડિટમાં દવાઓની તપાસ અને નમૂના લેવાની પ્રક્રિયામાં મોટી ખામીઓ ઉજાગર થઈ છે. 2016-17માં તમિલનાડુમાં ડ્રગ નિરીક્ષણ માટે 1,00,800નું લક્ષ્ય હતું, પરંતુ માત્ર 66,331 નિરીક્ષણો થયા, એટલે કે 34% ઓછા પરીક્ષણ થયા હતા. 2020-21માં એ ખામી વધીને 38% થઈ, જ્યારે 62,358 નિરીક્ષણો જ થયા હતા. 2019-20મા તો સૌથી વધુ 40% ઓછા નમૂના લેવાયા હતા. આ ઉપરાંત, દવાઓના નમૂના લેવામાં પણ 2018-19 અને 2020-21 દરમિયાન 54%ની ઘટ જોવા મળી હતી. આવી બેદરકારી દવાઓની ગુણવત્તા અને સલામતીની ખાતરી આપવાની પ્રક્રિયાને નબળી પાડે છે, જેનું પરિણામ આવી દુ:ખદ ઘટનાઓમાં જોવા મળે છે.
આ પણ વાંચો :લોન ન ભરતાં કંપનીએ મોર્ફ કરેલા ન્યુડ ફોટો વાયરલ કર્યાઃ બદનામીના ડરથી યુવકે કર્યો આપઘાત, વાંચો સમગ્ર ઘટના
મોત માટે તામિલનાડુ સરકાર જ જવાબદાર: મધ્ય પ્રદેશનો આક્ષેપ
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે આ ઘટના માટે તમિલનાડુ સરકારને જવાબદાર ઠેરવી છે. તેમણે જણાવ્યું કે, આ મોત તમિલનાડુની ફેક્ટરીમાં ઉત્પાદન દરમિયાન થયેલી ખામીઓને કારણે થયાં છે. તમિલનાડુએ સમયસર તપાસ અને નમૂના લેવાની કામગીરી કરવી જોઈએ જે ન થયો હોવાને કારણે આ ઘટના બની છે.આ ઘટનાએ દેશભરમાં દવા નિયમન અને પરીક્ષણ પ્રક્રિયાની ખામીઓને ઉજાગર કરી છે. બાળકોનાં મોતની આ દુ:ખદ ઘટના સરકાર અને નિયામક સંસ્થાઓ માટે એક ચેતવણી છે કે, દવાઓની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે વધુ કડક અને પારદર્શી વ્યવસ્થા ઊભી કરવી જરૂરી છે.
