જમ્મુ-કાશ્મીરમાં શીત લહેર શરૂ, તાપમાન માઇનસમાં પહોંચ્યું
શ્રીનગરમાં રાત્રે લઘુત્તમ તાપમાન માઈનસ 1.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું
કેરળ , તમિલનાડુ અને તેલંગાણામાં વરસાદની આગાહી
દેશમાં શિયાળાની શરૂઆતના તબક્કામાં જ કાશ્મીરમાં ઠંડીનું મોજું શરૂ થઈ ગયું છે. અહીં તાપમાન માઈનસ 3 ડિગ્રીની નજીક પહોંચી ગયું છે. તે જ સમયે, હજુ પણ કેટલાક રાજ્યો એવા છે જ્યાં વરસાદ પડી રહ્યો છે. આજે પશ્ચિમી વિક્ષેપના કારણે પર્વતીય રાજ્યોમાં હિમવર્ષા થઈ શકે છે.
નવીનતમ હવામાન અહેવાલ મુજબ, સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં તાપમાન માઈનસ થઈ ગયું છે. આ સિઝનનું સૌથી ઓછું તાપમાન શ્રીનગર શહેરમાં રાત્રિના સમયે નોંધાયું છે. ધુમ્મસ સવારના કલાકો દરમિયાન ખીણમાં છવાયેલો હતો, જેના કારણે શ્રીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટ પરના હવાઈ ટ્રાફિકમાં વિક્ષેપ પડ્યો હતો. તાપમાનમાં વધારાને કારણે ધુમ્મસ દૂર થઈ ગયું અને ફ્લાઈટ્સનું સામાન્ય સંચાલન ટૂંક સમયમાં શરૂ થયું. ખીણમાં વધતી જતી શીત લહેરની સ્થિતિને કારણે સવારે ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી.
અધિકારીઓએ જણાવ્યું કે, જમ્મુ અને કાશ્મીરની ઉનાળાની રાજધાની શ્રીનગરમાં રાત્રે લઘુત્તમ તાપમાન માઈનસ 1.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ સિઝનમાં અત્યાર સુધીનું સૌથી ઓછું તાપમાન છે. તેમણે કહ્યું કે પહેલગામ કાશ્મીરનું સૌથી ઠંડું સ્થળ હતું જ્યાં રાત્રે લઘુત્તમ તાપમાન માઈનસ 3.3 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું જ્યારે પુલવામામાં લઘુત્તમ તાપમાન માઈનસ 3.2 ડિગ્રી સેલ્સિયસ હતું.
કેરળમાં ભારે વરસાદ ચાલુ, 2 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
કેરળના ઘણા ભાગોમાં ભારે વરસાદ ચાલુ હોવાથી IMDએ બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું હતું. IMD એ ઇડુક્કી અને પથાનમથિટ્ટા જિલ્લામાં દિવસ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું હતું.
IMDની આગાહી અનુસાર, તમિલનાડુ પર ચક્રવાતી પરિભ્રમણને કારણે આગામી પાંચ દિવસ દરમિયાન કેરળમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. તેલંગાણામાં પણ આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.