ઉત્તર ભારતમાં ઠંડીનો ચમકારો! દિલ્હી-રાજસ્થાનમાં લોકો થથર્યા
કાશ્મીરમાં હિમવર્ષાનો મહોલ, શ્રીનગરમાં તાપમાન શૂન્યથી નીચે, ઠંડીનો પ્રભાવ વધ્યો
ઉત્તરભારતના રાજ્યોમાં ઠંડીએ પોતાનો ચમકારો દેખાડવાની શરૂઆત કરી દીધી છે. અહી અનેક રાજ્યોના વાતાવરણમાં ઝડપભેર ફેરફાર આવી રહ્યો છે અને સવારે ધ્રુજારી આપી દે તેવી ઠંડીની શરૂઆત થઇ ગઇ છે. સૌથી વધુ રાજધાની દિલ્હીમાં ઠંડી અનુભવાઇ રહી છે. નવી દિલ્હીમાં શુક્રવારે સવારે ધુમ્મસ હતી અને લઘુત્તમ તાપમાન 11.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. માત્ર દિલ્હી જ નહીં પણ સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનું જોર દિવસેને દિવસે વધી રહ્યું છે.
દિલ્હીમાં સવારે ધુમ્મસનું વાતાવરણ જોવા મળ્યું હતું અને લઘુત્તમ તાપમાન 11.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. બીજી તરફ હવાની ગુણવત્તા ‘ખૂબ જ નબળી’ શ્રેણીમાં રહી હતી અને AQI 393 નોંધાયો હતો.
રાજસ્થાનમાં પણ ઠંડીનો પ્રભાવ વધતો જઈ રહ્યો છે. માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન 5.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સીકર અને ફતેહપુરમાં પણ ઠંડી ઘણી વધી છે, જ્યાં તાપમાન 6.7°C અને 7.0°C હતું. અજમેરમાં 4.6 ડિગ્રી, ભીલવાડામાં 1.5, કોટામાં 3.5, સીકરમાં 3, ફલોદીમાં 3.8, જોધપુરમાં 0.6, ચુરુ અને ગંગાનગરમાં 0.9 ડિગ્રી તાપમાન ઘટ્યું હતું. આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થશે અને શિયાળાની અસર વધશે.
કાશ્મીરમાં હિમવર્ષાથી ઠંડીમાં વધારો થયો છે. શ્રીનગર અને અન્ય વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે ગગડ્યું છે. કાશ્મીરમાં લઘુત્તમ તાપમાન -10.92°C હતું. પવનની ગતિ 44 કિમી પ્રતિ કલાક હતી અને ભેજ 44% હતો. હવામાન વિભાગે જણાવ્યું છે કે આ ઠંડી 23 નવેમ્બરે પણ યથાવત રહેશે અને 24 નવેમ્બરે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ અથવા બરફ પડી શકે છે.