ઉત્તર ભારતમાં ઠંડીએ દીધી દસ્તક , ગુજરાત અને મધ્ય પ્રદેશમાં પણ તાપમાન ઘટ્યું
દિલ્હીમાં લોકોને થયો ઠંડીનો અહેસાસ : નવેમ્બરથી જોર વધશે : આજે દક્ષિણ અને પૂર્વના રાજ્યોમાં વરસાદની સંભાવના
દેશમાં ચોમાસાની વિદાય સાથે ઉત્તર ભારતમાં ઠંડીએ દસ્તક દીધી છે. ખાસ કરીને દિલ્હીમાં પણ સવાર-સાંજ ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. તેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ટૂંક સમયમાં જ દિલ્હીમાં ઠંડી પડી શકે છે.મધ્યપ્રદેશ અને ગુજરાતમાં પણ તાપમાનમાં ઘટાડો થયો છે. આગામી સમયમાં રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, અરબ સાગરમાં ઓછા દબાણનું ક્ષેત્ર બન્યું છે અને તેને લીધે રાજસ્થાનમાં હવાની દિશા દક્ષીણ-પશ્ચિમી ચોમાસાની છે પરંતુ નવેમ્બરમાં હવાની દિશા ઉત્તરી થઇ જશે ત્યારે ઠંડીનું પ્રમાણ વધશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઘણા રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનમાં પણ હવામાન બદલાઈ રહ્યું છે. અહીં દિવસ દરમિયાન તાપમાન વધી રહ્યું છે અને રાત્રે ઠંડી પડી રહી છે.
રાજધાની દિલ્હીના હવામાનની વાત કરીએ તો આજે હવામાન શુષ્ક રહેશે. આગામી 15 દિવસમાં અહીં વરસાદ નહીં પડે. જ્યારે નવેમ્બરના પહેલા અઠવાડિયાથી અહીં ઠંડી શરૂ થઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બિહાર અને ઝારખંડમાં કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં પણ ઠંડીએ દસ્તક આપી છે. હિમાલયના વિસ્તારમાં હિમવર્ષા થઈ શકે છે. તે જ સમયે, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં દબાણને કારણે દક્ષિણના રાજ્યોમાં વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 14 ઓક્ટોબરે કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આસામ, મેઘાલયમાં કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે.આંધ્રપ્રદેશ, રાયલસીમા, પુડુચેરી, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ વરસાદની સંભાવના છે.