માનવ ભૂલને કારણે તૂટી પડ્યું હતું COD બીપીન રાવતનું હેલિકોપ્ટર
વર્ષ 2021માં ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બીપીન રાવત, તેમના પત્ની અને એરફોર્સના ઉચ્ચ અધિકારીઓ સહિત 13 લોકોના મૃત્યુ માટે જવાબદાર હેલિકોપ્ટર દુર્ઘટના માટે માનવ ભૂલ કારણભૂત હોવાનું સંસદની સુરક્ષા સમિતિના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. લોકસભા સમક્ષ રજૂ કરાયેલ આ અહેવાલમાં અન્ય 34 વિમાની દુર્ઘટનાઓ અંગે પણ કારણો રજૂ કરવામાં આવ્યા છે.
તારીખ 8 ડિસેમ્બર 2021 ના રોજ તામિલનાડુના સુલુર એર બેઝ પરથી ઇન્ડિયન એરફોર્સનું રશિયન બનાવટનું MI 17 LS હેલિકોપ્ટર 11.48 વાગ્યે ઉપડ્યું હતું. એ હેલિકોપ્ટર 12.15 વાગ્યે તે વેલિંગ્ટન ગોલ્ફ કોર્સ ખાતે લેન્ડ થવાનું હતું. જોકે ઉડાન શરૂ કર્યાની 20 મિનિટ બાદ બપોરે 12.08 વાગ્યે સુરુર ખાતેના એર ટ્રાફિક કંટ્રોલે હેલિકોપ્ટર નો સંપર્ક ગુમાવી દીધો હતો. બાદમાં ગાઢ વાદળો વચ્ચે અદ્રશ્ય થયા બાદ આ હેલિકોપ્ટર અગનગોળો બની કુન્નુરની પહાડીમાં તૂટી પડ્યું હતું અને તેમાં બેઠેલા બધા મુસાફરોના મૃત્યુ થયા હતા.

એ ઘટના બાદ 2022 માં ઇન્ડિયન એરફોર્સ દ્વારા થયેલી તપાસમાં આ અકસ્માત માટે ખરાબ હવામાન તથા પાયલોટ દિશા ચૂકી ગયા હોવાના કારણો રજૂ કરવામાં આવ્યા હતા.તેમાં કોઈ ટેકનિકલ ખામી, બેદરકારી કે તોડફોડ ની સંભાવના ને નકારવામાં આવી હતી.
હવે સંસદની સુરક્ષા સમિતિએ રજૂ કરેલા અહેવાલમાં પણ ઇન્ડિયન એરફોર્સની તપાસમાં ખુલેલા એ કારણોને જ જવાબદાર ગણવામાં આવ્યા છે. સુરક્ષા સમિતિએ એ સાથે જ વર્ષ 2017 થી 2022 સુધીમાં થયેલી 34 વિમાની દુર્ઘટનાઓ અંગે પણ અહેવાલ રજૂ કર્યો હતો. એ અકસ્માતો માટે પણ એર ક્રુ ની માનવ ભૂલ, ટેકનિકલ ખામી તેમજ પક્ષીઓ અથવા અન્ય પદાર્થો અથડાવાના પરિબળો કારણભૂત હોવાનું કહેવામાં આવ્યું છે. કેટલીક દુર્ઘટનાઓની તપાસ હજુ પણ ચાલુ છે.
બીપીન રાવતના પત્ની અને એરફોર્સ ઉચ્ચ અધિકારીઓ ભોગ બન્યા હતા
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બીપીન રાવતનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત બનવાની ઘટનાએ દેશને સ્તબ્ધ કરી દીધો હતો. આ ઘટનામાં બીપીન રાવત ઉપરાંત તેમના પત્ની મધુલિકા રાજે, બીપીન રાવત ના ડિફેન્સ આસિસ્ટન્ટ બ્રિગેડિયર એલ એમ લીડર, લેફ્ટેનન્ટ કર્નલ
હરજીંદર સિંઘ, વિંગ કમાન્ડર પૃથ્વીપાલ સિંહ ચૌહાણ,
પાયલોટ સ્કોવડ્રન લીડર કુલદીપ સિંઘ, કો પાઇલોટ જુનિયર વોરંટ ઓફિસર રાણા પ્રતાપ દાસ, જુનિયર વોરંટ ઓફિસર આરાકાલ પ્રદીપ, હવાલદાર સતપાલ રાવ, નાયક ગુરુ સેવક સિંઘ, નાયક જીતેન્દ્રકુમાર તેમજ લાંચ નાયક વિવેકકુમાર અને બી સાઈ તેજા સહિત 13 લોકો માર્યા ગયા હતા.
