દિલ્હીમાં 900 કરોડનું કોકેઇન જપ્ત : કુરિયર ઓફિસમાંથી પાર્સલ ઓસ્ટ્રેલિયા મોકલાય તે પહેલા પોલીસ ત્રાટકી
ગુજરાતમાં નાર્કોટીક કંટ્રોલ બ્યુરો, નેવી અને ગુજરાત એટીએસ ના સંયુક્ત ઓપરેશનમાં પોરબંદર નજીકથી ₹3500 કરોડની કિંમતનું 700 કિલો મેથામફેટેમાઇન ડ્રગ જપ્ત કરાયું તે જ દિવસે દિલ્હી એન સી બી દ્વારાદિલ્હીના નાંગલોઈ અને જનકપુરી વિસ્તારમાં કુરિયર ની ઓફિસો માંથી 900 કરોડની કિંમતનું 82.53 કિલોગ્રામ હાઈગ્રેડ કોકેઇન ઝડપી લેવાયું હતું. દિલ્હીમાં અત્યાર સુધીમાં ઝડપાયેલો કોકેનનો આ સૌથી મોટો જથ્થો છે.
એનસીબીના જણાવ્યા અનુસાર આ અગાઉ માર્ચ અને ઓગસ્ટ મહિનામાં ડ્રગ કાર્ટેલ પર પાડવામાં આવેલા દરોડા બાદ વિવિધ એજન્સીઓ ચાપતી નજર રાખીને બેઠી હતી. ચોક્કસ ઇન્ટેલિજન્સ માહિતીના આધારેએનસીબી ની ટીમ કુરિયર ઓફિસ પર ત્રાટકી હતી અને આ જતો જપ્ત કર્યો હતો. કોકેન ઓસ્ટ્રેલિયા મોકલવાનું હોવાનું ખુલ્યું હતું. કોકેનની આ હેરાફેરી ના સુત્રધારો વિદેશમાં હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક સ્તરે હવાલા ઓપરેટરો કામ કરે છે. આ ઘટના બારામાં દિલ્હી અને સોનીપતના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત અને દિલ્હીમાં પોલીસે એક જ દિવસ કરેલી આ કાર્યવાહી બદલ ગૃહ મંત્રી અમિત શાહે વિવિધ એજન્સીઓને અભિનંદન પાઠવ્યા હતા.