જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટ્યું: 60ના મોત,ભયાનક પૂરમાં લોકો તણાયાઃ 130થી વધુ લોકો ઘાયલ,21 મૃતદેહોની ઓળખ થઈ
ઉત્તર કાશીના ધરાલીમાં મહાભયાનક આપત્તી આવ્યા બાદ ગુરૂવારે જમ્મુ કાશ્મીરમાં પણ ગમખ્વાર હોનારત થઈ હતી. કિશ્તવાડ જિલ્લાના પુકુર પાસે આભ ફાટતા વિનાશક દૃશ્યો સર્જાયા હતા અને મહાભયાનક પૂરમાં 60 લોકોના મૃત્યુ થઈ ગયા હતા અને 130થી વધુ લોકો ઘાયલ થયા હતા જેમાંથી કેટલાકની હાલત ગંભીર ગણાવવામાં આવી હતી. ભારે વરસાદ બાદ વાદળ ફાટતા અનેક વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. સીઆઈએસએફના બે જવાનો પણ મૃત્યુ પામ્યા હતા. આ હોનારતમાં 220થી વધુ લોકો લાપત્તા થઈ ગયા હતા અને તેમને શોધવા માટે યુધ્ધના ધોરણે બચાવ રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી. એનડીઆરએફની ટૂકડીઓ પહોંચી ગઈ હતી અને લોકોને બચાવવાની કામગીરી શરૂ કરી હતી. 21 મૃતદેહોની ઓળખ થઈ છે. અત્યાર સુધીમાં 167 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જેમાંથી 38 લોકોની હાલત ગંભીર છે. સીએમ અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે 100થી વધુ લોકો હજુ પણ ગુમ હોવાનું જાણવા મળે છે.

સત્તાવાર અહેવાલોમાં જણાવાયા મુજબ કિશ્તવાડ જિલ્લાના ચીસોતી ગામમાં મચેલ માતાના મંદિર પાસે ધાર્મિક યાત્રા યોજાઈ હતી અને તેમાં સેંકડો ભાવિકો જોડાયા હતા અને હજારો લોકો એકત્ર થયા હતા. આ દરમિયાન જ વાદળ ફાટતા ભયાનક પૂર આવી ગયું હતું અને ગમખ્વાર દૂર્ઘટના સર્જાઈ ગઈ હતી. જે 100થી વધુ લોકો ઘાયલ છે તેમાંથી પણ કેટલાકની હાલત ગંભીર છે માટે મૃત્યુઆંક વધવાની પણ સંભાવના છે. એનડીઆરએફની ટીમ દ્વારા 167 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને બચાવ રાહત કામગીરી સતત ચાલુ જ રાખવામાં આવી હતી. તમામ વરિષ્ઠ અધિકારીઓ અને એલ.જી. સિંહા પણ હરક્તમાં આવી ગયા હતા અને તંત્રવાહકોને જરૂરી સૂચનાઓ આપી હતી.

વડાપ્રધાન મોદીએ ઉંડા દુઃખની લાગણી વ્યક્ત કરી
જમ્મુ કાશ્મીરના કિશ્મવાડમાં સર્જાયેલી ભયાનક હોનારત અંગેની માહિતી મળતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી અને એમણે કહ્યું હતું કે, પીડિતો પ્રત્યે મારી સંવેદના છે. કેન્દ્ર સરકાર આ દુઃખની ઘડીમાં દરેક સંભવ મદદ કરવા માટે તૈયાર છે. અસરગ્રસ્તોને કોઈ તકલીફ પડવા દેવાશે નહીં.
આ પણ વાંચો : લાલ કિલ્લા પરથી મોદીની સિંદુરી ગર્જના : PMએ સતત 12મી વખત તિરંગો લહેરાવ્યો,સૌથી લાંબા ભાષણનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો
ગૃહમંત્રી અમિત શાહે ઉમર અબ્દુલ્લા સાથે વાત કરી
આ હોનારતની જાણ થતાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તુરંત જ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા સાથે ફોન પર વાત કરી હતી અને આ સમગ્ર દૂર્ઘટના કેવી રીતે બની છે અને શું સ્થિતિ છે તે બારામાં માહિતી મેળવી હતી અને એવી ખાતરી આપી હતી કે, દરેક સંભવ મદદ પહોંચાડવામાં આવશે. પીડિતો પ્રત્યે ઉંડી સંવેદના છે.
