ચિરાગે પાસવાને વધાર્યું NDAનું ટેન્શન! બિહારમાં ચુંટણી જાહેર થયા બાદ રાજકીય ગરમી, જાણો ભાજપ-JDU કેટલી બેઠકો પર લડી શકે છે ચુંટણી
વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ બિહારમાં રાજકીય ગરમી વધી ગઈ છે. એનડીએમાં દિલ્હી સુધી બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ભાજપ અને લોજપા (રામવિલાસ) વચ્ચે મંગળવારે એક મોટી બેઠક યોજાઈ હતી. ધર્મેન્દ્ર પ્રધાન, વિનોદ તાવડે, મંગલ પાંડે, ચિરાગ પાસવાન અને અરુણ ભારતી હાજર રહ્યા હતા. સૂત્રો કહે છે કે લગભગ પચાસ મિનિટની બેઠક દરમિયાન લોજપા (રામવિલાસ) એ વધુ બેઠકોની માંગણી કરી હતી. જો કે એનડીએ દ્વારા બે કે ત્રણ દિવસમાં બેઠકોની ફાળવણી અંગેની જાહેરાત કરાશે તેમ પરતી સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાનમાં એનડીએમાં પણ ફોર્મ્યુલા નક્કી થઈ રહી છે જે મુજબ ભાજપ અને જનતા દળ યુ 205 બેઠકો પર લડી શકે છે અને સાથી પક્ષોને 38 સીટ આપી શકાય છે. જો કે ચિરાગ પાસવાને તો 45 થી 54 બેઠકો માંગી લીધી છે. જ્યારે ભાજપ 25 બેઠકો આપવા તૈયાર છે તેવી વાત બહાર આવી છે. હજુ વાતચીત ચાલુ જ રહેવાની છે. જિતનરામ માંઝીએ પણ મોઢું ફાડયું છે અને 15 બેઠકોની માંગ કરી છે.
આ પણ વાંચો :રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને દિવાળીની ભેટ : કેન્દ્રના ધોરણે જ ડી.એ.ચુકવાશે, મોંઘવારી ભથ્થામાં 3 થી 5 ટકાનો વધારો આપવાનો નિર્ણય
ચિરાગ પાસવાનની પાર્ટીએ માંગ કરી હતી કે2024ની લોકસભા ચૂંટણીમાં જીતેલી પાંચ બેઠકો અને 2020ની વિધાનસભા ચૂંટણીમાં લોજપાના પ્રદર્શનના આધારે લોજપા (રામવિલાસ) ને બેઠકો ફાળવવામાં આવે. વધુમાં, લોજપા (રામવિલાસ) દ્વારા જીતેલી પાંચ લોકસભા બેઠકોમાંથી પાર્ટીને ઓછામાં ઓછી બે વિધાનસભા બેઠકો મળવી જોઈએ.
આ ઉપરાંત, વરિષ્ઠ લોજપા (રામવિલાસ) નેતાઓ માટે બેઠકોની માંગ કરવામાં આવી હતી. ભાજપે ચિરાગ પાસવાનને જાણ કરી હતી કે તેમની માંગણીઓ પર પાર્ટીની અંદર ચર્ચા કરવામાં આવશે અને તેમને જાણ કરવામાં આવશે. આ બેઠક બાદ, બીજી બેઠક થઈ રહી છે. ધર્મેન્દ્ર પ્રધાન અને વિનોદ તાવડે ચિરાગ પાસવાનના નિવાસસ્થાને પહોંચી ગયા હતા.
આ પણ વાંચો :સાસણમાં સિંહદર્શન માટે ઓનલાઈન સફારી બુકિંગમાં 2 કરોડના કૌભાંડનો આરોપ! 5000ની પરમીટ 25,000માં વેંચાઈ
સૂત્રોના જણાવ્યા અનુસાર, એનડીએમાં બેઠકોની વહેંચણીની ગોઠવણને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે અને આગામી બે થી ત્રણ દિવસમાં તેની જાહેરાત કરવામાં આવશે. અત્યારે દિલ્હીથી બિહાર સુધી બેઠકોનો દોર ચાલી રહ્યો છે.
પ્રશાંત કિશોર સાથે ચિરાગ કરશે ગઠબંધન?
દરમિયાનમાં મગળવારે એવી ચર્ચા પણ સંભળાઈ રહી હતી કે બેઠકોની ફાળવણીથી નારાજ ચિરાગ પાસવાન પ્રશાંત કિશોર સાથે હાથ મિલાવી ગઠબંધન કરી શકે છે. આ મુજબના ક્યાસ લગાવાઈ રહ્યા છે. પ્રશાંત નવા નવા મેદાને પડ્યા છે અને એમને પણ મજબૂત ટેકાની જરૂર છે. જો કે આ બધી અટકળો જ છે.
