અહો આશ્ચર્યમ !! ચીનના સાડા ત્રણ કરોડ ‘વાંઢાઓ’ : જાણો ‘લેફ્ટ-ઓવર મેન’ એટલે શું ??
ચીનમાં તેમના 30 અને 40 ની ઉંમરે પહોંચેલા આશરે 35 મિલિયન એટલેકે સાડા ત્રણ કરોડ સિંગલ પુરુષો તે દેશ માટે એક અનોખી સમસ્યા બની ગયા છે. આવા પુરુષો માટે એક શબ્દ વાપરવામાં આવે છે – લેફ્ટ ઓવર પુરુષો. લેફટ ઓવર એટલે વધેલું – ઘટેલું, બાકી બચેલું. ક્રૂર શબ્દ છે પણ વાસ્તવિકતા આ જ છે. આ પુરુષો પોતાનું ઘર વસાવી શક્યા નથી. આ સ્થિતિ મુખ્યત્વે દેશની માત્ર એક બાળકની નીતિ અને પુત્ર માટેનો આગ્રહ – આ નિયમોને કારણે થઈ છે. આ અવિચારી પગલાંને કારણે આખા દેશમાં લિંગ અસંતુલન થયું છે. ચાઈનામાં હવે સ્ત્રીઓ કરતાં પુરુષો વધુ છે. જેના કારણે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ઘણા પુરુષોને લગ્ન કરવામાં મુશ્કેલી પડી રહી છે.
ઝિયામેન યુનિવર્સિટીના ચાઇનીઝ પ્રોફેસર ડીંગ ચાંગફાએ આ રાષ્ટ્રીય સમસ્યાના ઉકેલ તરીકે આંતરરાષ્ટ્રીય લગ્નનું સૂચન કર્યું. ચીનના બાકી રહી ગયેલા પુરૂષોને રશિયા, વિયેતનામ અને કંબોડિયા જેવા અન્ય દેશોની મહિલાઓ સાથે લગ્ન કરવાનું વિચારવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમના વિચારે ઓનલાઈન ચર્ચા જગાવી, કારણ કે કેટલાકને લાગ્યું કે દુલ્હનની “આયાત” કરવાથી ગેરસમજ થઈ શકે છે એટલે કે બે દેશો વચ્ચેના સુમેળભર્યા સંબંધો ખોરવાઈ શકે છે. બીજી એક શક્યતા શોષણની પણ છે. ચીન આમ તો સામ્યવાદી વિચારસરણી વાળો એગ્રેસિવ દેશ છે. વળી બીજા દેશની કન્યા સાથે ચાઇનીઝ પુરુષના લગ્ન થાય તો ભાષાનો જે અવરોધ નડે તેનું શું? કોઈ બીજા દેશની કન્યાને તેનો દેશ છોડવો ગમે? ચાઇના કંઈ અમેરીકા નથી કે કોઈને પોતાનો દેશ છોડીને એ દેશમાં રહેવા જવાનું સપનું હોય.
આ મેરેજ ચેલેન્જ પાછળ ઘણા કારણો છે. ગ્રામીણ વિસ્તારોમાં યુવાનો ભયંકર રીતે આર્થિક સંઘર્ષ કરી રહ્યા છે. ઘણાં એટલા માટે પણ લગ્ન નથી કરતા કારણ કે લગ્ન પ્રસંગની મોટો ખર્ચો આવે. ચાઈનામાં લગ્ન માટે કન્યાની કિંમત પણ બોલાતી હોય છે અને કન્યા માટે ઘર ખરીદવું પડે છે. કન્યા પક્ષનાં લોકોને એ ખાતરી આપવી પડે છે કે પુરુષ નાણાકીય સ્થિરતા ધરાવે છે. આ અપેક્ષાઓ ઓછી આવક ધરાવતા પુરુષો માટે લગ્નને મુશ્કેલ નહીં પણ અશક્ય બનાવે છે. આંતરરાષ્ટ્રીય લગ્ન એક વિકલ્પ બની શકે એવું અમુક ચાઇનીઝ તજજ્ઞોને લાગે છે પણ તે વ્યવહારિક નિરાકરણ નથી. ચાઇનાની આ સ્થિતિનું જવાબદાર તે પોતે છે. ચાઇનાના નિયમો જડ અને ક્યારેક અમાનવીય પણ હોય છે. કોરોના ફેલાવનાર આ દેશને હવે પોતાનું વજન ભારે પડી રહ્યું છે. જાતે ઊભી કરેલી સમસ્યાના સમાધાન માટે બીજો કોઈ દેશ વહારે આવે નહી. આ સમસ્યા પૈસાથી પણ ઉકેલી શકાય એમ નથી.