છત્તીસગઢ સરકારે આદિવાસી સંગઠનને પ્રતિબંધિત જાહેર કર્યું
વિકાસનો વિરોધ કરી ઉશ્કેરણી કરવાનો આક્ષેપ
સરકારના પગલાનો માનવ અધિકાર મંચ દ્વારા વિરોધ
છત્તીસગઢની ભાજપ સરકારે આદિવાસી હિતોના રક્ષણ માટે ચળવળ ચલાવતા ‘ મુલવાસી બચાવો મંચ ‘ નામના નાગરિક સંગઠન પર એક વર્ષ માટે પ્રતિબંધ લાદી દીધો હતો. આ સંગઠન માઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં ચાલતા વિકાસ કાર્યોમાં અડચણ ઊભી કરી લોકોને ઉશ્કેરતા હોવાનો સરકારે દાવો કર્યો હતો.
વિકાસ કામોના રક્ષણ માટે ઉભી કરાતી સુરક્ષા દળોની છાવણીઓનો પણ આ સંગઠન વિરોધ કરતું હોવાનો સરકારે આક્ષેપ કર્યો છે. આ સંગઠનને કારણે કાયદો વ્યવસ્થાની સ્થિતિ, જાહેર શાંતિ તેમ જ નાગરિકોની સલામતી સામે ખતરો સર્જાયો હોવાનો આક્ષેપ કરી સરકારે છત્તીસગઢ સ્પેશિયલ પબ્લિક સિક્યુરિટી એક્ટ 2005 નો અમલ કરી આ પ્રતિબંધ લાદ્યો હતો.
જો કે માનવ અધિકાર સંગઠનોએ સરકારના આ પ્રતિબંધને મનસ્વી ગણાવી ટીકા કરી હતી. સરકાર હથિયારધરી માઓ ઉગ્રવાદીઓ સાથે ચર્ચા કરી શકે છે પણ આદિવાસીઓના હિતોના રક્ષણ માટે ની:શસ્ત્ર શાંત આંદોલન ચલાવતા નાગરિકો સામે સીધો જ પ્રતિબંધનું શસ્ત્ર અજમાવે છે તેવો આક્ષેપ માનવ અધિકાર સંગઠનોએ કર્યો હતો.
પ્રતિબંધિત સંગઠનના નેતા સોની સોરીએ કહ્યું કે બસ્તારમાં ખનન અને સશસ્ત્ર દળોના કેમ્પ ઊભા કરવાનું સરકારે અટકાવ્યું હોત તો આ મંચ ઉભો કરવાની જરૂર જ ન પડી હોત. નોંધનીય છે કે એ અંગેના આંદોલન દરમિયાન સિલ્ગરમાં પોલીસ ગોળીબારમાં ચાર લોકોના મૃત્યુ થયા હતા. ત્યારથી આ સંગઠન દ્વારા શાંત આંદોલન ચાલુ છે.સરકારે અત્યાર સુધીમાં આ મંચના અનેક નેતાઓ સામે ખોટી ફરિયાદો નોંધી જેલમાં ગોંધી દીધા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.