chess world cup 2025 : ભારતમાં રમાશે ચેસ વર્લ્ડકપ : વિશ્વનો નંબર 1 ખેલાડી મૈગ્નસ કાર્લસન સહિત 206 ખેલાડી ભાગ લેશે
ચેસની દુનિયાની સૌથી મોટી ટૂર્નામેન્ટ ચેસ વર્લ્ડકપ-2025ની યજમાની ભારત કરશે. ચેસ વર્લ્ડકપ-2025નું આયોજન 30 ઑક્ટોબરથી 27 નવેમ્બર સુધી થશે. આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશન (ફિડે)એ આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. જો કે આ માટે કયુ શહેર યજમાની કરશે તેની જાહેરાત કરાઈ નથી. આ ટૂર્નામેન્ટમાં દુનિયાભરના 206 ખેલાડી ભાગ લેવાના છે જેમાં વર્લ્ડ નંબર-1મૈગ્નસ કાર્લસનનું નામ પણ સામેલ છે.

ભારતને 23 વર્ષ બાદ ચેસ વર્લ્ડકપની યજમાની કરવાની તક મળી છે. અગાઉ 2002માં ચેસ વર્લ્ડકપનું આયોજન ભારતમાં થયું હતું. એ સમયે ભારતના દિગ્ગજ ચેસ ખેલાડી વિશ્વનાથન આનંદે વર્લ્ડકપ જીત્યો હતો. ભારત હવે ચેસની દુનિયામાં તાકાત વધારી રહ્યું છે. આ ટૂર્નામેન્ટમાં કાર્લસન ઉપરાંત ભારતનો સ્ટાર ખેલાડી ડી. ગુકેશ, રમેશબાબૂ પ્રજ્ઞાનાનંદ, અર્જુન એરિગેસી જેવા ખેલાડીઓ ભાગ લેશે. ટૂર્નામેન્ટ નોકઆઉટ ફોર્મેટમાં રમાશે.
આ પણ વાંચો : IND Vs ENG વચ્ચે આજથી ચોથી ટેસ્ટ શરૂ થશે : ભારત સિરીઝ બચાવવા તો ઇંગ્લેન્ડ જીતવા મેદાનમાં ઉતરશે
ટૂર્નામેન્ટના ટોપ-50 ખેલાડી પ્રથમ રાઉન્ડમાં નહીં રમે અને તેમને સીધી બીજા રાઉન્ડમાં જ એન્ટ્રી મળશે. અન્ય 156 ખેલાડી પ્રથમ રાઉન્ડમાં રમશે. ટૂર્નામેન્ટના ટોપ-3 ખેલાડી 2026ની કેન્ડીડેટસ ટૂર્નામેન્ટ માટે સીધા ક્વોલિફાય કરશે. ફીડેના સીઈઓએ કહ્યું કે અમે ભારતમાં વર્લ્ડકપના આયોજનને લઈને ઉત્સાહિત છીએ જે ચેસ પ્રત્યે ઉંડા મૂળિયા ધરાવે છે.
