ચંદ્રયાન-3 પહોંચ્યું ચંદ્રની સૌથી નજીક, હવે માત્ર 25 KM જ દૂર
ચંદ્રયાન-3નું બીજું અને ફાઈનલ ડિબૂસ્ટિંગ ઓપરેશન ગઈકાલે રાતે 1.50 વાગ્યે પૂર્ણ થયું હતું. આ ઓપરેશન પછી, ચંદ્રથી લેન્ડરનું લઘુતમ અંતર 25 કિમી અને મહત્તમ અંતર 134 કિમી છે. ડિબૂસ્ટિંગમાં, અવકાશયાનની ગતિ ધીમી થઈ જાય છે.
ઈસરોએ X (ટ્વિટર પર) પોસ્ટમાં જણાવ્યું કે હવે લેન્ડરની આંતરિક તપાસ થશે અને તે ઉતરાણ સ્થળ પર સૂર્યોદય થાય ત્યાં સુધી રાહ જોશે. 23 ઓગસ્ટે સાંજે 5:45 કલાકે લેન્ડરને સૌથી ઓછા અંતર એટલે કે 25 કિમીની ઊંચાઈથી સોફ્ટ લેન્ડ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
પ્રજ્ઞાન રોવર ચંદ્ર પર અશોક સ્તંભની છાપ છોડશે
ચંદ્રયાન-1 અને ચંદ્રયાન-2 મિશનના પ્રોજેક્ટ ડાયરેક્ટર એમ. અન્નાદુરાઈના જણાવ્યા અનુસાર, 23 ઓગસ્ટની સાંજે ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગની છેલ્લી 15-20 મિનિટ સૌથી ગંભીર છે. ત્યારબાદ લેન્ડરને 25 કિમીની ઊંચાઈથી ચંદ્રની સપાટી પર પહોંચવામાં 15થી 20 મિનિટનો સમય લાગશે.
આ પછી, છ પૈડાવાળું પ્રજ્ઞાન રોવર રેમ્પ દ્વારા વિક્રમ લેન્ડરથી બહાર આવશે અને ઇસરો તરફથી કમાન્ડ મળતાં જ ચંદ્રની સપાટી પર આગળ વધશે. આ દરમિયાન, ભારતના રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભ અને ISROનો લોગો તેનાં પૈડાં દ્વારા ચંદ્રની ધરતી પર પોતાની છાપ છોડશે.
લેન્ડરે ચંદ્રની તસવીરો લીધી હતી
અગાઉ SROએ 17 ઓગસ્ટે ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યૂલને લેન્ડર અને રોવરથી અલગ કરી દીધું હતું. અલગ થયા પછી લેન્ડર મોડ્યૂલે પ્રોપલ્શન મોડ્યૂલને કહ્યું – ‘થેક્સ ફોર ધ રાઈડ મેટ’.આ દરમિયાન લેન્ડર પર લગાવેલા કેમેરાએ પ્રોપલ્શન મોડ્યૂલના ફોટો સાથે ચંદ્રની તસવીરો લીધી હતી.
