આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ: જાણો ઘટ્ટ સ્થાપનાના મુહૂર્ત, માતાજીની પૂજા-ભોગની સંપૂર્ણ માહિતી
ફાગણ વદ અમાસ ને ગુરુવાર તારીખ 19 માર્ચ ના દિવસે સવારના 6:54 કલાક સુધી અમાસ તિથી છે, ત્યારબાદ આખો દિવસ અને રાત્રી એકમ તિથી છે. શુક્રવારે બીજ તિથી છે. નિયમ મુજબ દરેક પંચાંગ પ્રમાણે ગુરુવારે આખો દિવસ એકમ તિથી હોતા આ વર્ષે 19 માર્ચ ને ગુરુવારથી ચૈત્ર નવરાત્રી ગણાશે.
ગુરુવારથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ માતાજી પાલખી ઉપર સવાર થઈને પધારશે, જેથી આરોગ્યનો ખ્યાલ રાખવો અને મોંઘવારીમાં વધારો થાય તે દર્શાવે છે. જ્યારે શુક્રવારે નવરાત્રી પૂરી થતા હોવાથી નવદુર્ગા માતાજી હાથી ઉપર વિદાય લેશે, જે વરસાદ સારો પડે અને ધાન્ય સારું પાકે તેવું દર્શાવે છે.
વર્ષમાં ચાર નવરાત્રી આવે છે જેમાં ચૈત્ર નવરાત્રી અને આસો નવરાત્રી શ્રેષ્ઠ માનવામાં આવે છે. 19 માર્ચ ચૈત્ર શુદ એકમને ગુરુવારના દિવસેથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થશે, જ્યારે 27 માર્ચને શુક્રવારે ચૈત્ર નવરાત્રીની પૂર્ણાહુતી થશે.
તારીખ 23 માર્ચ સોમવારે શ્રી પંચમી છે, આથી આ દિવસે માતા લક્ષ્મીજીની પૂજા અને શ્રી યંત્રની પૂજા કરવી ઉત્તમ રહેશે. 26 માર્ચને ગુરુવારે દુર્ગાષ્ટમી છે, આ દિવસે પણ કુળદેવીની પૂજા અને માતા નવદુર્ગાની પૂજા કરવી જ ઉત્તમ ફળ આપનાર બનશે.
આ વર્ષે રામનવમી પણ 26 માર્ચને ગુરુવારે
ચૈત્ર નવરાત્રી દરમિયાન રામચરિત્ર માનસનો પાઠ કરવો, સુંદરકાંડનો પાઠ કરવો, હનુમાન ચાલીસાનો પાઠ કરવો પણ ઉત્તમ ગણાય છે. ચૈત્ર નવરાત્રીને રામ ભગવાનના નોરતા ગણવામાં આવે છે.
તે ઉપરાંત કુળદેવીની પૂજા કરવી, કુળદેવીના જપ કરવા, ગુરુ મંત્રની માળા કરવી અને મંત્રનો જપ કરવો પણ ઉત્તમ ફળ આપનાર બને છે. ચૈત્ર નવરાત્રી દરમિયાન નવર્ણ મંત્રના જપ કરવો પણ ઉત્તમ ફળ આપનાર ગણાય છે.
ચૈત્ર નવરાત્રી દરમિયાન દરરોજ માતાજીની પૂજા કરી વિવિધ ભોગ ધરાવી શકાય
- ગુરુવારે પહેલું નોરતું: શૈલપુત્રીની પૂજા, ખીર તથા પૂરીનો ભોગ લગાવી શકાય.
- શુક્રવારે બીજું નોરતું: બ્રહ્મચારિણી માતાની પૂજા – દૂધના પેંડાની મીઠાઈ ધરવી.
- શનિવારે ત્રીજું નોરતું: ચંદ્રપંટાની પૂજા, શ્રીફળ અને તેમાંથી બનાવેલી વાનગી ધરવી.
- રવિવારે ચોથું નોરતું: કુષ્માંડા માતાજીની આરાધના, સાકરવાળું મીઠું અને દૂધ ધરવું.
- સોમવારે પાંચમું નોરતું: સ્કંદ માતાની પૂજા અને તલની વાનગી ધરાવવી.
- મંગળવારે છઠ્ઠું નોરતું: કાત્યાયની માતાજીની પૂજા – ખીર અને પૂરી, મીઠું અને દૂધ ધરવું.
- બુધવારે સાતમું નોરતું: કાલરાત્રિની આરાધના કરવી અને સાકરની પ્રસાદી પરવી.
- ગુરુવારે આઠમું નોરતું: મહાગૌરીની પૂજા કરી ખીર તથા પુરીનો ભોગ લગાવી શકાય.
- શુક્રવારે નવમું નોરતું: સિદ્ધિદાત્રી માતાજીની પૂજા કરવી અને પંચામૃતનો ભોગ લગાવવો.
ચૈત્ર નવરાત્રીમાં ઘટ્ટ સ્થાપનાના મુહૂર્તની યાદી
19 માર્ચ ગુરુવારે દિવસના શુભ ચોઘડિયા:
- શુભ 6:53 થી 8:24
- ચલ 11:24 થી 12:55
- લાભ 11:55 થી 2:45
- અમૃત બપોરે 2:25 થી 3:55
- શુભ સાંજે 5:26 થી 6:56
- બપોરે અભિજીત મુહૂર્ત 12:31 થી 1:19
ઘટ્ટ સ્થાપના સવારે કરવી ઉત્તમ રહે છે.
શાસ્ત્રી રાજદીપ જોષી (વેદાંત રત્ન)
