અલ ફ્લાહ યુનિવર્સિટીના ભંડોળથી ચેરમેન સિદ્દીકીનો પરિવાર માલામાલ! લાલ કિલ્લા કાર વિસ્ફોટ કેસમાં નવા ધડાકા
10 નવેમ્બરે દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર વિસ્ફોટ કેસની તપાસ દરમિયાન ફરીદાબાદ સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટીના ચેરમેન જાવેદ અહમદ સિદ્દીકી સામે કરોડોની નાણાકીય ગેરરીતિઓના ગંભીર ખુલાસા થયા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની તપાસ મુજબ યુનિવર્સિટી તથા તેની સંલગ્ન શૈક્ષણિક-ચેરિટેબલ સંસ્થાઓનું ભંડોળ ચેરમેનના પરિવારજનો સંચાલિત કંપનીઓ અને ટ્રસ્ટોમાં ફેરવવામાં આવ્યું હતું.
EDના અધિકારીઓએ તપાસમાં ખુલાસો કર્યો છે કે અલ-ફલાહ યુનિવર્સિટી, અલ-ફલાહ ચેરિટેબલ ટ્રસ્ટ, અલ-ફલાહ સ્કૂલ ઓફ મેડિકલ સાયન્સિસ એન્ડ રિસર્ચ સેન્ટર સહિતની સંસ્થાઓ મારફતે ગોઠવેલી રીતે નાણાંની લેયિંરગ અને ઈન્ટિગે્રશન કરવામાં આવી હતી. યુનિવર્સિટીના મેડિકલ કોલેજ અને હોસ્પિટલ કોમ્પ્લેક્સ (ધૌજ, ફરીદાબાદ)નું બાંધકામ કારકુન ક્નસ્ટ્રક્શન એન્ડ ડેવલપર્સ નામની ભાગીદારી ફર્મને અપાયું હતું, જેમાં સિદ્દીકીના પુત્ર અને પુત્રી પાસે 49-49 ટકા હિસ્સો છે, જ્યારે બાકીનો હિસ્સો એક કર્મચારી પાસે દર્શાવવામાં આવ્યો હતો.
તે જ રીતે હોસ્ટેલ કેટિંરગના કોન્ટ્રાક્ટ અમલા એન્ટરપ્રાઇઝિસ LLPને અપાયા હતા, જેમાં ચેરમેનની પત્ની ઉસ્મા અખ્તાર અને પુત્રની મોટાભાગની ભાગીદારી છે. અગાઉ 2016 સુધી સિદ્દીકીના ભાઈની કંપની સ્ટાર ફૂડ્સ યુનિવર્સિટીને ખાદ્ય સામગ્રી પૂરી પાડતી હતી. EDનો આરોપ છે કે આ તમામ કંપનીઓ હકીકતમાં જાવેદ અહમદ સિદ્દીકીના નિયંત્રણમાં હતી અને આવા રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શનને આવકવેરા કે અન્ય કાનૂની રિટર્નમાં જાહેર કરવામાં આવ્યા નહોતા.
તપાસમાં વધુમાં સામે આવ્યું છે કે સિદ્દીકી સાથે સંકળાયેલી ટરબિયા એજ્યુકેશન ફાઉન્ડેશને દિલ્હી ના મદનપુર ખાદર વિસ્તારમાં જમીન ખરીદી હતી, જેના માટેના નાણાં યુનિવર્સિટી ભંડોળમાંથી ગેરકાયદેસર રીતે વાળવામાં આવ્યા હોવાનો સંદેહ છે. EDનું કહેવું છે કે સંસ્થાની માન્યતા અને કાનૂની સ્થિતિ અંગે ખોટી રજૂઆત કરીને 415 કરોડ રૂપિયાથી વધુની આવક જનરેટ કરવામાં આવી હતી. લાલ કિલ્લા વિસ્ફોટ કેસ બાદ અલ-ફલાહ યુનિવર્સિટી પર શંકા વધુ ગાઢ બની હતી, કારણ કે કેટલાક અતિરેકવાદી તબીબોએ આ કેમ્પસને પોતાની પ્રવૃત્તિઓ માટે આધાર બનાવ્યો હોવાનો આરોપ છે. EDએ પોતાની તપાસના તારણો આવકવેરા વિભાગ, નેશનલ મેડિકલ કમિશન અને દિલ્હી પોલીસ સાથે પણ વહેંચ્યા છે. સિદ્દીકીની ED દ્વારા 18 નવેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી.
બેવડી નાગરિકતા-વિદેશી વ્યવહારોની શંકા
EDની તપાસમાં સિદ્દીકીના પુત્ર અફહામ અહમદ અને પુત્રી અફિયા સિદ્દીકા અંગે બેવડી નાગરિકતાની શંકા ઉભી થઈ છે. યુકેમાં મે મહિનામાં નોંધાયેલી એનોબલ એજ્યુકેશન એન્ડ ટ્રેિંનગ લિમિટેડ કંપનીના દસ્તાવેજોમાં બંનેને બ્રિટિશ નાગરિક તરીકે દર્શાવવામાં આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે, જો કે બંને ભારતીય પાસપોર્ટ ધરાવે છે. બાદમાં આ કંપનીમાં એક યુકે આધારિત નજીકના સહયોગીની ભાગીદારી ઉમેરાઈ હતી, જેના રોલની તપાસ ચાલી રહી છે. આ સિવાય દુબઈમાં જ્વેલરી બિઝનેસ તેમજ સોનાં અને કોમોડિટી ટ્રેિંડગ સાથે જોડાયેલા ડિજિટલ પુરાવા પણ મળ્યા હોવાનું અધિકારીઓ કહે છે.
નેશનલ મેડિકલ કમિશન પ્રક્રિયામાં ગેરરીતિની શંકા
EDએ NMC સંબંધિત ગંભીર અનિયમિતતાઓની પણ આશંકા વ્યક્ત કરી છે. તપાસ મુજબ મેડિકલ કોલેજને મળતી મંજૂરીઓ, પીજી સીટ્સની મંજૂરી અથવા નકારી દેવાની અગાઉથી માહિતી મળતી હોવાની સંભાવના છે. નિરીક્ષણ દરમિયાન ઓન-પેપર અથવા ખોટા ડોક્ટરો અને દર્દીઓ બતાવીને ઇન્સ્પેક્શન પાસ કરાવવાની ગોઠવણ કરવામાં આવતી હોવાનું પણ પુરાવા સૂચવે છે. આ મામલે NMCને વિગતવાર માહિતી મોકલવામાં આવી છે.
