રાજકોટમાં ભક્તિનગર સર્કલ નજીક રેસ્ટોરન્ટમાં CGSTના દરોડા: વિદેશી દારૂની બોટલો મળી,તપાસ દરમિયાન તડાફડી થયાની ચર્ચા
લગ્નસરાની સિઝનમાં કેટરિંગ, પાર્ટી ફંક્શનોમાં મોટાપાયે ટેક્સચોરીમાં આધુ પાછુ થતું હોવાના પગલે રાજકોટમાં CGSTની ટીમે ભક્તિનગર સર્કલ ઓમ રેસ્ટોરન્ટમાં બે યુનિટમાં દરોડા પાડયા હતા. ચેકિંગ દરમિયાન ટેક્સચોરી તો કેટલી થઈ કે નીકળશે તે તો તપાસમાં ખૂલશે એ પૂર્વે તો રેસ્ટોરન્ટમાંથી વિદેશી દારૂની મોંઘીદાટ બોટલો મળી આવતા રેસ્ટોરા માલિક સામે ગુનો નોંધાયો છે. રેસ્ટોરામાં CGST ટીમ સાથે અફરાતફરી પણ કરાઈ હોવાની વાતે ચર્ચા જગાવી હતી. જો કે માર માર્યા કે આવી કોઈ ફરિયાદ નોંધાઈ નથી.
80 ફૂટ રોડ પર ભક્તિનગર સર્કલ પાસે મેઘાણી રંગભવન નજીક આવેલા ઓમ રેસ્ટોરામાં ગઈકાલે CGSTની ટીમે સર્ચ હાથ ધર્યું હતું. એ દરમિયાન રેસ્ટોરામાંથી મોંઘી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવતા CGST ટીમના સુપ્રિટેન્ડેન્ટ અંકિતકુમાર
દ્વારા ઓમ રેસ્ટોરન્ટમાં વિદેશી દારૂ હોવાની ફોન દ્વારા જાણ ભક્તિનગર પોલીસ મથકમાં કરાઈ હતી જેને લઈને પીએસઆઈ જે.જે. ગોહિલ તથા સ્ટાફ રેસ્ટોરન્ટ પર દોડી ગયો હતો. રેસ્ટોરન્ટમાંથી મોંઘીદાટ ત્રણ બોટલ મળી આવતા કબજે લેવાઈ હતી. રેસ્ટોરન્ટના માલિક વલ્લભભાઈ જીવરાજભા, તારપરા સ્થળ પર હાજર ન મળતા પોલીસે દારૂની બોટલો કબજે લઈ વલ્લભ ઉપરાંત તપાસમાં ખૂલે તેની સામે ગુનો નોંધ્યો છે. દારૂની બોટલો સ્થળ પર હાજર CGSTના અધિકારીઓની રૂબરૂમાં સીલ કરવામાં આવી હતી. રેઈડ સંદર્ભે CGSTના સૂત્રોના જણાવ્યા મુજબ ઓમ રેસ્ટોરન્ટમાં જમવા આવતા કસ્ટમર્સ પૈકીનાઓના બીલ ઓછા બનાવવા ન બનાવવા કે આવી રીતે ગડબડ કરવી ઉપરાંત ઓમ રેસ્ટોરન્ટ સંચાલકોનું આઉટડોર કેટરિંગ, પાર્ટી, ફંક્શનોનું પણ મોટુ ટર્નઓવર છે. લાખો રૂપિયાના આઉટડોર કેટરિંગ, ફંક્શનોના તો કોઈ હર હિસાબ જેવું જ નહોતું. છેલ્લા પાંચેક વર્ષ દરમિયાન આ પેઢી દ્વારા કરાયેલા વ્યવસાયિક ટર્નઓવરનો આંકડો કરોડો જેવો થતો હોવાની CGST વિભાગને આંશકા હોવા આધારે તપાસ ચલાવાઈ રહી છે.
ઓમ રેસ્ટોરન્ટના ભક્તિનગર સ્થિત ઉપરાંત અન્ય એક યુનિટ પર પણ સર્ચ હાથ ધરાયું છે. તપાસમાં બહું મોટા આંકમાં ટેક્સચોરી નીકળી શકે તેવી પણ આંતરિક વાત છે. રેસ્ટોરામાં સર્ચ દરમિયાન અંદર સંચાલકો કે રેસ્ટોરાના કોઈ વ્યક્તિઓ દ્વારા CGSTના અધિકારી ટીમ સાથે હાથાપાઈ કર્યા કે ફડાકા ઝીંકી લીધાની વાતો ચાલી છે. જો કે આ બાબતે CGSTના અધિકારીગણ દ્વારા નો-કોમેન્ટ કહી દેવાયું ઉપરાંત આ બાબતે રેસ્ટોરા સંચાલક કે કોઈ જવાબદારો સામે ફરજ રૂકાવટ, મારામારી કે આવો કોઈ ગુનો હજુ સુધી પોલીસ મથકે નોંધાયો નથી જેથી મારામારી થયાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
મારામારી નહીં, બોલાચાલી કરીને રેસ્ટોરા માલિક ચાલ્યા ગયાનું કથન
ઓમ રેસ્ટોરન્ટમાં સીજીએસટી ટીમ ચેકિંગમાં ગઈ તો તેમની સાથે મારામારી થઈ હતી. ફડાકા ઝીંકી દઈ બાનમાં લેવાનો પ્રયાસ થયાની ભારે ચર્ચા ચાલી છે જે સંદર્ભે ઓનપેપર મારામારીનો ગુનો નોંધાયેલો નથી. જો કે રેસ્ટોરા માલિક વલ્લભ જીવરાજભાઈ તારપરા સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો તેમાં ઉલ્લેખ કરાયો છે કે, રેસ્ટોરન્ટમાં જીએસટી રેઈડની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે રેસ્ટોરન્ટના માલિક વલ્લભ તારપરા બોલાચાલી કરી જતા રહેલા એટલે કે રેઈડ દરમિયાન આવું કાંઈક બન્યું તો હતું. જીએસટી અધિકારી દ્વારા રેસ્ટોરન્ટના જીએસટી નંબર મેળવવા જીએસટી વિભાગમાં રજૂ કરેલા પાર્ટનરશિપ ડીડની નકલ તથા સીઝર મેમો પોલીસને આપવામાં આવ્યા હતા. પોલીસે ચાર બોટલ દારૂ કબજે લીધો હતો.
