હા, દિલ્હી હાઈકોર્ટના જજના ઘરેથી રોકડ રકમ મળી હતી: રિપોર્ટમાં ધડાકો
જો કે, પોતે કાંઈ ન જાણતા હોવાનો જસ્ટિસ વર્માનો બચાવ
દિલ્હી હાઈકોર્ટના જસ્ટીસ યશવંત વર્માના નિવાસ્થાને તારીખ 14 માર્ચની રાત્રે લાગેલી આગ ઠરવાની કાર્યવાહી દરમિયાન રોકડ રકમ મળી હોવાની
વાતને હવે સત્તાવાર સમર્થન મળ્યું છે. આ ઘટના અંગે દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દેવેન્દ્ર ઉપાધ્યાયે
પ્રાથમિક તપાસ કર્યા બાદ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સંજીવ ખન્નાને ત્રણ ફોટા અને એક વિડીયો સાથે મોકલેલા રિપોર્ટમાં ચલણી નોટો મળ્યો હોવાનું સ્પષ્ટ થયું હતું. જોકે જસ્ટિસ વર્માએ આ અંગે પોતે કાંઈ ન જાણતા હોવાનો, કથિત રીતે મળેલી રોકડ રકમ તેમની ન હોવાનો અને રોકડ રકમ મળી હોવા અંગે તેમના પરિવારજનો કે સ્ટાફને કોઈએ જે તે સમયે જાણ ન કર્યો હોવાનો ખુલાસો કર્યો હતો.
સમગ્ર દેશમાં ભારે ચર્ચા જગાવનાર આ ઘટનાની તપાસ કરવા માટે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સંજીવ ખન્નાએ દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દેવેન્દ્ર ઉપાધ્યાયને સૂચના આપી હતી અને ત્યારબાદ એક અસાધારણ પગલાં તરીકે, પારદર્શિતા દાખવવા તેમજ ન્યાયતંત્રની વિશ્વસનીયતા કાયમ રાખવાના હેતુથી જસ્ટિસ ઉપાધ્યાયે આપેલો સંપૂર્ણ અહેવાલ ફોટા, વિડિયો તથા તમામ પત્ર વ્યવહાર સાથે સુપ્રીમ કોર્ટની વેબસાઈટ ઉપર જાહેર જનતા માટે અપલોડ કરવામાં આવ્યો હતો.
દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ના રિપોર્ટમાં અનેક ખુલાસા કરવામાં આવ્યા હતા. એ રિપોર્ટ મળ્યા બાદ,
જસ્ટિસ યશવંત વર્મને કોઈ પણ પ્રકારની ન્યાયિક કામગીરી ન આપવા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એ આદેશ કર્યો હતો.
ત્રણ સભ્યોની તપાસ સમિતિ
જસ્ટિસ વર્મા ના ઘરેથી રોકડ રકમ મળવાનું પ્રકરણ
અતિ ગંભીર બની ગયું છે. ન્યાયતંત્રની વિશ્વસનીયતા જોખમમાં મુકાઈ ગઈ છે. એ સંજોગોમાં સમગ્ર ઘટનાની તપાસ કરવા માટે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સીલ નાગુ, હરિયાણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ જીએસ સાંધાવાલીયા અને કર્ણાટક હાઇકોર્ટના જસ્ટિસ અનુ શિવરામણની ત્રણ સભ્યોની સમિતિ ની નિમણૂક કરી છે.
” મહાત્મા ગાંધીજી બળી ગયા ” વીડિયોમાં ચલણી નોટો નજરે પડી
દિલ્હીના પોલીસ કમિશનર સંજય અરોરાએ દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ દેવેન્દ્ર ઉપાધ્યાયને
ઘટના સ્થળના ફોટા તેમજ આગ બુઝાવવાની કામગીરી દરમિયાન લેવાયેલ વિડિયો સુપ્રત કર્યો હતો.
એ વીડિયોમાં કોથળીમાં ભરેલી ચલણી નોટો સ્પષ્ટપણે નજરે પડે છે. એ કામગીરી દરમ્યાન એક વ્યક્તિ ” મહાત્મા ગાંધીજી બળી ગયા” એવું બોલતા સંભળાય છે. ચલણી નોટ પર ગાંધીજીનું ચિત્ર હોવાના સંદર્ભમાં એ વાક્ય બોલાયું હતું.