ડાયરેક્ટર રામ ગોપાલ વર્મા સામે કેસ નોંધાયો : CM ચંદ્રબાબુ નાયડુ સાથે સંબંધિત છે કેસ, જાણો શું છે સમગ્ર મામલો
રામ ગોપાલ વર્મા ફરી એકવાર પોતાના નિવેદનને લીધે મુશ્કેલીમાં મુકાયા છે. હાલ તેઓ આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન. ચંદ્રબાબુ નાયડુ અને તેમના પુત્ર વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરી હતી. હવે આ મામલે ડાયરેક્ટર વિરુદ્ધ આઈટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
‘સત્યા’, ‘રંગીલા’ અને ‘કંપની’ જેવી યાદગાર ફિલ્મો બનાવનાર ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્મા આજકાલ પોતાની ફિલ્મો માટે ઓછા અને વિવાદોને કારણે વધુ ચર્ચામાં રહે છે. હવે રામ ગોપાલ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. આંધ્ર પ્રદેશ પોલીસે તેમની, મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ અને તેમના પરિવાર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અપમાનજનક સામગ્રી ફેલાવવા બદલ કેસ નોંધ્યો છે.
રામ ગોપાલ વર્મા પર આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ, તેમના પુત્ર નારા લોકેશ, ટીડીપી નેતાઓ અને જનસેના પાર્ટીના વડા અને નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણના મોર્ફ કરેલા ફોટા સોશિયલ મીડિયા પર શેર કરવાનો આરોપ છે.
આંધ્રપ્રદેશમાં રામ ગોપાલ વર્મા સામે કેસ
ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ ટીડીપી નેતા રામલિંગમે પ્રકાશમ જિલ્લાના મદ્દીપાડુ પોલીસ સ્ટેશનમાં રામ ગોપાલ વર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેઓનો આરોપ છે કે ફિલ્મ નિર્માતાએ સોશિયલ મીડિયા પર સીએમ નાયડુ, તેમના પુત્ર લોકેશ અને પુત્રવધૂ બ્રાહ્મણી સહિતના પરિવારને નિશાન બનાવીને અપમાનજનક સામગ્રી ફેલાવી હતી.
પોતાની ફરિયાદમાં રામલિંગમે આરોપ લગાવ્યો હતો કે વર્માની સોશિયલ મીડિયા પોસ્ટથી મુખ્યમંત્રી, તેમના નાયબ અને તેમના પરિવારની સમાજમાં બદનામી થાય છે. રવિવારે રાત્રે વર્મા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અપમાનજનક સામગ્રી પોસ્ટ અપલોડ કરવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
પ્રકાશમ પોલીસના એસપી એ.આર. દામોદરના જણાવ્યા અનુસાર આ કેસ આઈટી એક્ટ હેઠળ નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યું, ‘અમે રામ ગોપાલ વર્મા વિરુદ્ધ વર્તમાન મુખ્ય પ્રધાન, તેમના પરિવારના સભ્યો અને નાયબ મુખ્ય પ્રધાન વિરુદ્ધ અપમાનજનક રીતે ફોટોગ્રાફ્સ મોર્ફ કરવા બદલ માડીપાડુ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે.’
રામ ગોપાલ વર્માએ પણ નાયડુ પર વિવાદાસ્પદ ફિલ્મ બનાવી
રામ ગોપાલ વર્મા YSR કોંગ્રેસ પાર્ટીના નજીકના માનવામાં આવે છે અને તેઓ લાંબા સમયથી ચંદ્રાબાબુ નાયડુની ખુલ્લેઆમ ટીકા કરી રહ્યા છે. તેમની ફિલ્મ ‘લક્ષ્મીઝ એનટીઆર’ ટીડીપીના સ્થાપક અને પૂર્વ મુખ્યમંત્રી એનટી રામારાવના જીવન પર આધારિત હતી. આ ફિલ્મનું ફોકસ એનટીઆરના રોમાંસ અને લક્ષ્મી પાર્વતી સાથેના લગ્નની વાર્તા પર હતું.
ફિલ્મમાં, એનટીઆરના રાજકીય પતનમાં ચંદ્રબાબુની ભૂમિકાને વિવેચનાત્મક રીતે દર્શાવવામાં આવી હતી. વાર્તામાં 1995ની ઘટનાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો જ્યારે એનટીઆરના જમાઈ ચંદ્રાબાબુ નાયડુએ પાર્ટીમાં જૂથવાદ ઉભો કર્યો હતો, એનટીઆરને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા અને પોતે મુખ્ય પ્રધાન બન્યા હતા.