રાજકોટના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરવાનો મામલો : ટોળકીનો એક શખ્સ પકડાયો,10 હજાર કમિશનથી ભાડે આપ્યુ’તું ખાતું
રાજકોટના જૂના એરપોર્ટ રોડ પર પત્રકાર સોસાયટી નજીક આવેલી એક્જાનનગર સોસાયટીમાં `શબનમ’ નામના મકાનમાં રહેતા 76 વર્ષીય નિવૃત્ત શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરી 1.14 કરોડ પડાવી લેવાની ફરિયાદ નોંધાતાં જ પોલીસે આરોપીઓ સુધી પન્નો લંબાવવાનું શરૂ કર્યું છે ત્યારે આ ટોળકીના એક શખસને પકડી લેવાયા બાદ આજે શુક્રવારે વધુ આરોપીઓ પકડાય તેવી શક્યતા પોલીસ સૂત્રો સેવી રહ્યા છે.
સાયબર ક્રાઈમ પોલીસ મથકની ટીમે જેતપુરના સુજલ વિઠ્ઠલભાઈ લાખાણી નામના યુવકને પકડી પાડ્યો હતો. સુજલે સાયબર માફિયાઓને 10 હજાર રૂપિયા કમિશન મેળવી પોતાનું એકાઉન્ટ વાપરવા માટે આપ્યું હતું. ડિઝિટલ ફ્રોડની રકમના 1.14 કરોડ પૈકી પાંચેક લાખ રૂપિયા જેટલી રકમ સુજલના ખાતામાં જમા થઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. સુજલ કોઈ કામધંધો કરતો ન હોય આ પ્રકારે આવક રળતો હોવાનું પણ ખુલ્યું હતું.
આ ઉપરાંત ભાવનગર, બોટાદ સહિતના શહેરોમાં રહેતા લોકોએ પણ સાયબર માફિયાઓને મામૂલી કમિશનની લાલચમાં પોતાના એકાઉન્ટ ભાડે આપ્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે પોલીસે ત્યાં પણ દોડધામ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે કુરબાનભાઈ વલીજી બદામી નામના વૃદ્ધને ડિઝિટલ અરેસ્ટ કરી સાયબર માફિયાઓએ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નામે ધમકાવી કટકે કટકે 1.14 કરોડ જેવી માતબર રકમ પડાવી લીધી હતી. કુરબાનભાઈએ તેમની વિદેશમાં રહેતી પુત્રી પાસે દસ લાખ રૂપિયાની રકમની માંગણી કરતા પુત્રીને પણ શંકા ગઈ હતી અને તેણે પિતાને આટલી રકમ શા માટે જોઈએ છે તેવું પૂછતાં જ વૃદ્ધે સઘળી હકીકત જણાવી હતી જેના કારણે જ આ ડિઝિટલ ફ્રોડનો ભાંડાફોડ થયો હતો.
