શું રમતગમત મંત્રાલય રોકી શકે છે ભારત-પાકિસ્તાનની મેચ ? જાણો શું છે એશિયા કપ વિવાદ, કોણ લેશે અંતિમ નિર્ણય?
એશિયન ક્રિકેટ કાઉન્સીલ (ACC) એ એશિયા કપના કાર્યક્રમનું એલાન કર્યા બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે ભારત-પાકિસ્તાન વચ્ચે સપ્ટેમ્બરમાં રમાનારી આ ટૂર્નામેન્ટમાં મુકાબલો થશે. જેવો કાર્યક્રમ જાહેર થયો કે ભારતમાં BCCIની જોરદાર ટીકા શરૂ થઈ ગઈ હતી. લોકો બોર્ડ ઉપર આગબબૂલા થઈ ગયા છે અને સોશ્યલ મીડિયા પર ભડાશ ઠાલવી રહ્યા છે.

ભારતમાં BCCIની જોરદાર ટીકા
આ વિરોધનું કારણ 22 એપ્રિલે પહલગામ પર થયેલા આતંકી હુમલો છે જેમાં 26 લોકોના જીવ ચાલ્યા ગયા હતા. ત્યારબાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું. ત્યારથી જ પાકિસ્તાનનો દરેક મોરચે બહિષ્કાર કરવાની વાતો શરૂ કરવામાં આવી હતી. દરમિયાન એવા અહેવાલો પણ વહેતા થયા હતા કે ભારત એશિયા કપમાંથી હટી શકે છે કેમ કે આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન પણ ભાગ લેવાનું છે. જો કે હવે બધું ઉલટું થયું છે અને ભારત પણ એશિયા કપમાં તો ભાગ લેશે જ સાથે સાથે પાકિસ્તાન સામે રમશે પણ !! પરંતુ આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ભારત સરકાર કે રમતગમત મંત્રાલય આ મેચ રોકી શકે છે?

રમતગમત મંત્રાલય સીધી દખલ કરી શકતું નથી
હકીકતમાં, આ વર્ષે એપ્રિલમાં, પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 26 લોકોની હત્યા કરી હતી. આ દુ:ખદ ઘટના પછી, ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી તણાવ પણ વધ્યો હતો. આવા વાતાવરણમાં, ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ પર પ્રશ્નો ઉભા થાય તે સ્વાભાવિક છે. પરંતુ સત્ય એ છે કે રમતગમત મંત્રાલય આમાં સીધી દખલ કરી શકતું નથી.
BCCI રમતગમત મંત્રાલયના સીધા નિયંત્રણ હેઠળ આવતું નથી
રમતગમત મંત્રાલયના એક સૂત્રએ સમાચાર એજન્સી PTIને જણાવ્યું હતું કે, “હાલમાં, BCCI (ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ) રમતગમત મંત્રાલયના સીધા નિયંત્રણ હેઠળ આવતું નથી કારણ કે ‘નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ’ હજુ સુધી પસાર થયું નથી. તેથી, મંત્રાલયની કોઈ સત્તાવાર ભૂમિકા નથી, પરંતુ અમે જોઈશું કે BCCI જાહેર લાગણીઓ પર કેવી પ્રતિક્રિયા આપે છે.”
આ પણ વાંચો : 5 વર્ષની ઉંમરે ચેસ રમવાનું શરૂ કર્યું’ને આજે બની ચેસ વર્લ્ડકપમાં ચેમ્પિયન : 19 વર્ષીય દિવ્યા દેશમુખે રચ્યો ઇતિહાસ
આનો સ્પષ્ટ અર્થ એ છે કે BCCI એક સ્વાયત્ત સંસ્થા છે અને સરકારના હસ્તક્ષેપ વિના પોતાના નિર્ણયો લેવા માટે સ્વતંત્ર છે. જો કે, જો દેશભરમાં વિરોધની લાગણી વધે છે, તો BCCIપર ચોક્કસપણે પરોક્ષ દબાણ આવી શકે છે.
આ ટુર્નામેન્ટ યુએઈમાં યોજાવાની છે
એશિયા કપ 9 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર દરમિયાન યુએઈમાં યોજાવાનો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 14 સપ્ટેમ્બરે રમાશે. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. આ ટુર્નામેન્ટ ટી20 ફોર્મેટમાં રમાશે, જે આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2026 ની તૈયારીઓના ભાગ રૂપે નક્કી કરવામાં આવ્યું છે.
4 ટીમોને અલગ અલગ ગ્રુપમાં રાખવામાં આવી છે. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. ગ્રુપ A માં ભારત, પાકિસ્તાન, યુએઈ અને ઓમાન છે જ્યારે ગ્રુપ B માં શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને હોંગકોંગ છે.