વિપક્ષોના વિરોધ વચ્ચે અંતે વકફએમેન્ડમેન્ટ બિલને કેબિનેટની મંજૂરી : 10 માર્ચથી શરૂ થનારા બજેટ સત્રમાં રજૂ કરાશે
વકફ બોર્ડ હેઠળની સંપત્તિઓની માલિકી નક્કી કરવા તેમ જ તેના સંચાલન સંદર્ભે સુધારાઓ સૂચવતા વકફ (એમેન્ડમેન્ટ ) બિલ ને કેબિનેટે મંજૂરી આપી દીધી હોવાનું વિશ્વાસપાત્ર સૂત્રોએ જણાવ્યું હતું. આ બિલનો ઉદેશ્ય વકફ સંપત્તિઓની નોંધણી સરળ બનાવવા નો તેમજ સંપત્તિઓના સંચાલન અને રક્ષણમાં સુધારા લાવવાનો હોવાનો સરકારનો દાવો છે.આ બિલ મુદે જબરું રાજકારણ ખેલાયું હતું.વિપક્ષો અને મુસ્લિમ નેતાઓએ સરકાર વકફ કાનૂનમાં હસ્તક્ષેપ કરવા માંગતી હોવાના આક્ષેપો કર્યા હતા.
સંસદમાં ભારે હોબાળા બાદ આ બિલ સંયુક્ત સંસદીય સમિતિને સોંપવામાં આવ્યું હતું.એ દરમિયાન તેમાં 44 સુધારા સૂચવવામાં આવ્યા હતા. જો કે વિપક્ષના સભ્યોએ સૂચવેલા એક પણ સુધારાનો સ્વીકાર કરવામાં આવ્યો ન હતો અને ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ ના સભ્યોએ સૂચવેલા 14 સુધારાનો આખરી મુસદ્દામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. સંસદીય સમિતિની બેઠકોમાં પણ અનેક વખત ધાંધલ ધમાલના દ્રશ્યો સર્જાયા હતા.
13 ફેબ્રુઆરીના રોજ સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા લોકસભા અને રાજ્યસભામાં આ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર બાદમાં 19 ફેબ્રુઆરીના રોજ મળેલી કેબિનેટ ની બેઠકમાં એ બિલ ને મંજૂરી આપી દેવામાં આવી હતી
સૂત્રોના જણાવ્યા અનુસાર આ બીલની જોગવાઈ અંતર્ગત વકફ બોર્ડમાં ઓછામાં ઓછા બે બિન મુસ્લિમ સભ્યોને સ્થાન મળે તેવી સંભાવના છે. નવા બિલને કારણે સંપત્તિની માલિકી નક્કી કરવામાં સરકારની ભૂમિકા મહત્વની બની રહેશે તેવી ધારણા છે.આ બિલ 10 માર્ચથી શરૂ થનારા બીજા બજેટ સત્ર દરમિયાન સાંસદના બન્ને ગૃહોમાં રજૂ કરવામાં આવશે.