આજે આઠ રાજ્યોમાં ધરસભાની 30 બેઠકો માટે પેટાચૂંટણી યોજાશે
પશ્ચિમ બંગાળની છ બેઠકો પર ટીએમસીની કસોટી
દેશના આઠ રાજ્યોમાં વિવિધ કારણોસર ખાલી પડેલી ધારાસભાની 30 બેઠકો માટે આજે મતદાન યોજાશે.
આ પેટાચૂંટણીના પરિણામો એક પણ રાજ્યના સત્તાના સમીકરણોમાં પરિવર્તન નથી લાવવાના પરંતુ તે પ્રજાનો
મૂડ દર્શાવનારા બની રહેશે. ખાસ કરીને પશ્ચિમ બંગાળની છ બેઠકોના પરિણામો પર બધાની નજર રહેશે.
કોલકત્તાની આરજી કર મેડિકલ કોલેજમાં એક મહિલા તબિયત પર થયેલા દુષ્કર્મ અને હત્યાની ઘટના બાદ મમતા સરકાર ભિંસમાં આવી ગઈ છે. એ ઘટનાના વિરોધ રૂપે જુનિયર તબીબો લાંબો સમય સુધી હડતાલ ઉપર ઉતરી ગયા હતા. કોલકાતા સહિત પશ્ચિમ બંગાળના નાના-મોટા તમામ શહેરોમાં વિરોધ પ્રદર્શન થયું હતું. હજારો લાખો લોકોએ તેમાં ભાગ લીધો હતો.
મમતા સરકાર સામે અત્યાર સુધીમાં થયેલું આ સૌથી મોટું લોક આંદોલન હતું. તબીબો અને મહિલાઓને સલામતી પૂરી પાડવામાં મમતા સરકાર નિષ્ફળ ગઈ હોવાની લાગણી તીવ્ર બની હતી. સાથે જ ટીએમસી સરકારના કથિત ભ્રષ્ટાચારો પણ છાપરે ચડીને પોકારવા લાગ્યા હતા. દેખીતી રીતે જ મમતા બેનર્જી ની વ્યક્તિગત અને સમગ્રપણે ટીએમસી ની લોકપ્રિયતામાં ધરખમ ઘટાડો થયો હતો.
આવા સંજોગો વચ્ચે આજે પશ્ચિમ બંગાળની સીતાઈ, મદારીહાટ, નાઈહાટ, હરીચા, મેદીનીપુર અને તલડાંગર એમ છ બેઠકો પર મતદાન થવાનું છે. એ છ બેઠકોમાંથી ગત વિધાનસભાની ચૂંટણીમાં મદારીહાટ પર ભાજપને વિજય મળ્યો તેને બાદ કરતા બાકીની પાંચ બેઠકો પર ટી એમ સી નો વિજય થયો હતો. એ પાંચ બેઠકો જાળવી રાખવાનો મમતા સરકાર સામે પડકાર છે. હવે બદલાયેલા માહોલ વચ્ચે લોકો કોનું સમર્થન કરે છે તેના તરફ રાજકીય વિશ્લેષકોની મિટ મંડાઇ છે. જો મમતા સરકાર એ પાંચમાંથી કોઈ બેઠક ગુમાવશે તો તેના વળતા પાણી શરૂ થઈ ગયા હોવાનું સ્પષ્ટ થશે.
કયા રાજ્યમાં કેટલી બેઠક પર મતદાન
રાજસ્થાન: 7 બેઠક
ચાર પર કોંગ્રેસનો,બે પર ભાજપનો અને એક બેઠક પર
આરએલપીનો વિજય થયો હતો.
આસામ: 5 બેઠક
ભાજપને બે અને તેના સાથે પક્ષો એજીપી અને યુપીપીએલને એક એક બેઠક મળી હતી. એક બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો
બિહાર: ચાર બેઠક
બે બેઠક પર આરજેડી અને એક એક બેઠક પર સીપીઆઈ – એમ અને હિન્દુસ્તાન આવામી મોરચાનો વિજય થયો હતો.
કર્ણાટક: 3 બેઠક
ભાજપ ,કોંગ્રેસ અને જનતા દળ (એસ) ને એક એક બેઠક મળી હતી.
આ ઉપરાંત ગુજરાતની વાવ બેઠક ઉપરાંત સિક્કિમ ની બે અને મેઘાલયની એક બેઠક ઉપર પણ મતદાન થશે.