બજેટમાં ગરીબ, યુવા, અન્નદાતા અને નારી કેન્દ્રસ્થાને : સર્વાંગી સામાજિક અને આર્થિક વિકાસનું લક્ષ્ય
નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે રજૂ કરેલા કેન્દ્રીય બજેટમાં સમાજના તમામ વર્ગના સામાજિક અને આર્થિક વિકાસને ધ્યાનમાં રાખવામાંઆવ્યું હતું. બજેટ મુખ્યત્વે વિકાસમાં તેજી, સુરક્ષિત સમાવેશી વૃદ્ધિ, ખાનગી ક્ષેત્રે રોકાણને પ્રોત્સાહન, ઘરેલુ ખર્ચમાં વૃદ્ધિ તેમજ ઉભરી રહેલા મધ્યમ વર્ગની ખર્ચ શક્તિમાં વધારો કરવાના પાંચ ઉદ્દેશ કેન્દ્રીત હતું. નાણામંત્રીએGYAN એટલે કે ગરીબ,યુવા,અન્નદાતા અને નારી માટે વિકાસની તકો ઊભી કરનારુ બજેટ આપવાનો પ્રયાસ કર્યો હતો. બજેટમાં 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ઉપર કરમુક્તિ આપી મધ્યમ વર્ગને ખુશ કરી દીધો હતો. બજેટના 27.66 ટકા જેટલી રકમ મૂડી ખર્ચ માટે ફાળવી નાણામંત્રીએ આંતર માળખાકીય સુવિધાઓ વધારવાને પ્રાધાન્ય આપ્યું હતું.
નાણામંત્રીએ વર્ષ 2025 – 26 માં રાજકોષીય ખાધ 4.8% રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો અને વર્ષ 2026 – 27 સુધીમાં એ ખાધ ૪.૪ ટકા સુધી લઈ જવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું. સરકારને સીધાટેક્સ મારફતે અંદાજે ₹25.73 લાખ કરોડની આવક થવાની આશા છે. આમાં આવક વેરો, કોર્પોરેટ વેરો, અને જીએસટી જેવા વિવિધ સ્ત્રોતોનો સમાવેશ થાય છે.એ ઉપરાંત નોન-ટેક્સ રેવન્યૂ, જેમ કે ડિવિડન્ડ, વિદેશી સહાય, અને સરકારી ઉપક્રમોના નફાથી પણ આવક થશે. નિર્મલા સીતારામને સૌથી ટૂંકું માત્ર 75 મિનિટ નું ભાષણ કર્યું હતું. તેમણે સંરક્ષણ, કૃષિ, આરોગ્ય, રેલવે વીજળી, શિક્ષણ અને લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો માટે મહત્વની જાહેરાતો કરી હતી.
બજેટમાં એમએસએમઈ સેક્ટર માટે મોટી જાહેરાત કરવામાં આવી હતી. પ્રથમ વખત બિઝનેસ કરતાં લોકોને 2 કરોડ રૂપિયાની ટર્મ લોન આપવામાં આવશે. જે અંતર્ગત 5 લાખ મહિલાઓ અને અનુસૂચિત જાતિ-જનજાતિને આવરી લેવામાં આવશે.
આ ઉપરાંત સુક્ષ્મ ઉદ્યોગો માટે કસ્ટમાઇઝ્ડ ક્રેડિટ કાર્ડ જાહેર કરવામાં આવશે. જેની મર્યાદા પાંચ લાખ રૂપિયા હશે. પ્રથમ વર્ષે આવા 10 લાખ કાર્ડ આપવામાં આવશે. એમએસએમઈની સંખ્યા એક કરોડ છે અને તેમાં 5.7 કરોડ લોકો જોડાયેલા છે. જે ભારતને વિશ્વમાં મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં મદદ કરશે. MSME માટે ક્રેડિટ ગેરંટી કવર વધારવામાં આવશે. MSME વર્ગીકરણ માટે રોકાણની મર્યાદા 2.5 ગણી વધારવામાં આવશે. ઉપરાંત ટર્નઓવર મર્યાદા બે ગણી કરાશે.MSME માટે લોન 5 કરોડ રૂપિયાથી વધારીને 10 કરોડ રૂપિયા કરવામાં આવી હતી. નાણામંત્રીએ અર્થવ્યવસ્થામાં સ્થિરતા અને વિકાસને પ્રોત્સાહન મળે તે માટે સરકારની આવક અને ખર્ચનું સંકલન જાળવવાનો પ્રયાસ કર્યો હતો.
મહત્વની ફાળવણી
હેલ્થ કેર : 98,311 કરોડ
આયુષ્યમાન ભારત: 42 સો કરોડ
ડિફેન્સ : 6.81 લાખ કરોડ
મૂડી ખર્ચ: 1.72 લાખ કરોડ
કૃષિ: 1.52 લાખ કરોડ
મેરી ટાઈમ: 25000 કરોડ
એ આઇ: 500 કરોડ
શિક્ષણ: 50077.95 કરોડ
રેલ્વે : 2.55 લાખ કરોડ