બજેટના હલવામાં કાજુ બદામની સાથે કેસર પણ હશે, પૂર્વ નાણામંત્રી જયંત સિન્હાનો દાવો
આજના બજેટમાં ભવિષ્યના ભારતની ઝલક દેખાશે
ઇન્કમટેક્સના સ્લેબમાં ફેરફારની આશાએ શેરબજારમાં ફૂલગુલાબી તેજી
મહિલાઓ ઉપર ઓળઘોળ થશે મહિલા નાણામંત્રી
નાણામંત્રી નિર્મલા સીતારામન શનિવારે ૧૧ વાગ્યે લોકસભામાં બજેટ રજૂ કરશે. આ બજેટ ઉપર કરોડો ભારતીયોની નજર છે. નિર્મલા સીતારામનનું આ આઠમું બજેટ હશે. આ પૂર્વે મોરારજી દેસાઈ ૧૦ વખત બજેટ રજુ કરી ચુક્યા છે. આ વખતનું બજેટ ભવિષ્યના વિકસિત ભારતની ઝલક દેખાડશે તેવું માનવામાં આવે છે. ખુદ વડાપ્રધાને કહ્યૂ હતું કે, બજેટ રીફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મક ઉપર કેન્દ્રિત હશે. બીજી તરફ પૂર્વ નાણામંત્રી જયંત સિન્હાએ એવો દાવો કર્યો હતો કે આ વખતનું બજેટ ઘણું સારું હશે.
બજેટ પૂર્વે થતી હલવા સેરેમની સંદર્ભે બોલતા જયંત સિન્હાએ કહ્યું હતું કે, બજેટના હલવામાં કાજુ બદામ અને કીસમીસ ઉપરાંત કેસર પણ હશે. વિપક્ષ ભલે રેવડી રેવડી કરે પરંતુ ભાજપની સરકાર દેશવાસીઓના લાભમાં યોજનાઓ આપશે.
આજના બજેટમાં મહિલાઓને સ્પર્શતી યોજનાઓ ઉપર પણ ફોકસ જોવા મળી શકે છે.
આ વખતે ઇન્કમટેક્સના સ્લેબમાં ફેરફાર થવાની પણ સંભાવના જોવા મળી રહી છે અને કદાચ તેથી જ બજેટ પૂર્વે શેરબજારમાં ફૂલગુલાબી તેજી જોવા મળી હતી. શુક્રવારે સેન્સેક્સ ૭૪૦ ઉછળ્યો હતો જયારે નિફ્ટીમાં પણ ૨૫૮ પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. સારા બજેટની આશાએ ૨૭ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી સુધીના સત્ર દરમિયાન સેન્સેકસમાં ૧૯૦૦ પોઈન્ટનો વધારો નોંધાયો છે અને રોકાણકારોની સંપતિમાં ૧૨.૪૮ લાખ કરોડનો વધારો થયો છે.
નાણામંત્રી આજે બજેટ રજૂ કરે તે પછી તા. ૩ ને ૪ એમ બે દિવસ રાષ્ટ્રપતિનાં ભાષણ ઉપર ચર્ચા થશે અને વડાપ્રધાન તા. ૪થીએ લોકસભામાં અને તા. ૬ઠ્ઠીએ રાજ્યસભામાં આભાર પ્રસ્તાવ ઉપર બોલશે.