માત્ર ૩૫૦ રૂપિયા માટે ક્રૂર રીતે હત્યા કરીને પછી ડાન્સ કર્યો
દિલ્હીમાં ૧૬ વર્ષના કિશોરનું રૂંવાડા ઉભા કરી દેતું કૃત્ય
ગુનાખોરીની રાજધાની તરીકે ઓળખાતા દિલ્હીમાં વધુ એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક 16 વર્ષીય કિશોરે બીજા 17 વર્ષીય યુવકના માથા, ગળા અને કાન પર 60થી વધુ વાર ચાકુથી ઘા કરી હત્યા કરી નાખતા હાહાકાર મચી ગયો છે. આ હત્યા તેણે માત્ર રૂ. 350 લૂંટવા માટે કરી હતી. આ દુર્ઘટના નોર્થ ઇસ્ટ દિલ્હીના વેલકમ વિસ્તારમાં બની હતી. આ હત્યા કરનાર યુવકની હરકતો CCTVમાં કેદ થઈ ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પહેલાં યુવકે ગળું દબાવ્યું, એ પછી તેના પર ચાકુથી વાર કર્યા. ત્યાર બાદ હત્યા કર્યા પછી તેણે ડેડ બોડી પાસે ડાન્સ કરવાનું શરૂ કર્યું. વિડિયોમાં યુવકે ના તો માત્ર આંખો પર વાર કર્યા, બલકે માથાને ધડથી અલગ કરવાના પ્રયાસ પણ કર્યા હતા. પોલીસે આ યુવકની ધરપકડ કરી છે. પોલીસે તેની ઓળખ જાહેર નથી કરી. પોલીસે જણાવ્યું હતું કે આ યુવક સ્કૂલનો ડ્રોપ આઉટ છે. જાફરાબાદનો રહેવાસી આ યુવક હત્યા કરી ત્યારે નશામાં ધૂત હતો.
પોલીસના જણાવ્યાનુસાર યુવકે મૃતકને લૂંટવાના પ્રયાસ કર્યા હતા. જ્યારે તેણે પાસે પડેલા પૈસા દેવાથી પણ ઇનકાર કર્યો, ત્યારે હત્યા કરનાર યુવકે ઝઘડો કરવાનું શરૂ કરી દીધું હતું. ઘાયલ યુવકને GTB હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પણ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. CCTV ફુટેજની મદદથી પોલીસ ખૂની સુધી પહોંચી હતી.
આ હત્યા કરનાર યુવકે લાશને ઘસેડી હતી. તેણ હત્યા બાદ પણ ચહેરા પર લાત મારી રહ્યો હતો. ચાકુ લઇને ડાન્સ કરી રહ્યો હતો. મૃતદેહને આરોપીએ 20થી 25 મીટર સુધી ઘસેડી હતી. આશ્ચર્ય એ વાતનું હતું કે આરોપી આ યુવકનું નામ સુધ્ધાં નહોતો જાણતો. તેનો ઇરાદો માત્ર તેને લૂંટવાનો હતો.