ભાઈ-બહેનના સબંધને લાગ્યું લાંછન : લગ્નની લાલચ આપી પિતરાઈ ભાઈએ જ બહેન પર આચર્યું દુષ્કર્મ
રાજકોટની સેન્ટ્રલ જેલ પાછળ આવેલા નકલંકપરા-14માં રહેતી યુવતી ઉપર તેના જ સગા મોટાબાપુના પુત્રએ શારીરિક સંબંધ બાંધી તરછોડી દેતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
આ અંગે 25 વર્ષીય યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેના મોટાબાપુ કે જે ભાવનગરના મહુવામાં રહે છે તેની સાથે આઠ વર્ષથી બોલવાનો વ્યવહાર નથી. જો કે યુવતી જ્યાં રહે છે ત્યાં મોટાબાપુના સગાસંબંધીઓ રહેતા હોય તેમને ત્યાં મોટાબાપુનો પુત્ર વારંવાર આવતો હોય તેની સાથે યુવતીની વાતચીત થતી હતી. દરમિયાન છેલ્લા ચારેક મહિનાથી બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાતાં આરોપીએ યુવતીને મોબાઈલ ફોન લઈ આપ્યો હતો જેના ઉપર બન્ને વાતચીત કરતા હતા.
દરમિયાન ગત 4 એપ્રિલે સવારે 10 વાગ્યે યુવતી ઉપર તેના પ્રેમીનો ફોન આવ્યા બાદ બન્ને વચ્ચે મુલાકાત થઈ હતી અને ત્યાંથી પારેવડી ચોકમાં પહોંચ્યા હતા. અહીંથી બન્ને અમદાવાદ અને ત્યાંથી મુંબઈ ગયા હતા જ્યાં બે દિવસ ફર્યા હતા. ત્યાંથી બસમાં બેસી ભાવનગર આવ્યા બાદ દસેક દિવસ સુધી ત્યાં રોકાયા હતા. ત્યાંથી આરોપી ફરિયાદી યુવતીને જૂનાગઢ તેના મામાના ઘેર લઈ ગયો હતો જ્યાં મામાએ બન્નેને રાખવાનો ઈનકાર કરતાં આરોપીએ મામાના હાથ-પગ પકડી લેતાં મામાએ રોકાવા દીધા હતા.
મામાના ઘેર જૂનાગઢ દસ દિવસ સુધી રોકાયા બાદ બન્ને યુવતીને આરોપી સુરત લઈ ગયો હતો અને ત્યાં આઠેક દિવસ ફર્યા બાદ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારપછી વિશાલે `આપણે સંબંધ પ્રમાણે લગ્ન કરી શકીશું નહીં પરંતુ તું મારી સાથે રહે’ એવું કહેતાં યુવતીએ ઘેર જવાનું કહ્યું હતું જેથી આરોપી તેને પોતાના પિતાજી અને યુવતીના મોટાબાપુના ઘેર મહુવા લઈ ગયો હતો ત્યાં દસ દિવસ રોક્યા બાદ મહુવાથી જૂનાગઢ તેમજ વેરાવળ આસપાસના ગામડામાં લઈ ગયા બાદ 2 જૂને બપોરે ચાર વાગ્યે જામનગર રોડ પર સાંઢિયા પુલ પાસે મુકીને ચાલ્યો ગયો હતો. યુવતીએ તફોન પર લગ્ન કરવાની વાત કરતાં આરોપીએ તેને ગાળો આપી પિતાની જાનથી મારી નાખવાની ધમકી પણ આપતાં આખરે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.