મહારાષ્ટ્રમાં હોર્સ ટ્રેડિંગની સંભાવના બન્ને ગઠબંધનોએ શસ્ત્રો સજાવ્યા
ધારાસભ્યોને સલામત સ્થળે ખસેડવા હોટેલો બુક કરી દેવાઈ, હેલિકોપ્ટરો તૈયાર: બેઠકોનો ધમધમાટ
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો 23 મી તારીખે જાહેર થાય તે પહેલાં શુક્રવારે બન્ને ગઠબંધનોના ટોચના નેતાઓ વચ્ચે આગામી રણનીતિ નક્કી કરવા માટે બેઠકોનો દૌર ચાલ્યો હતો.
મતદાન પૂર્ણ થયા બાદ જાહેર થયેલા મોટાભાગના એકઝિટ પોલમાં ભાજપ,શિવસેના ( શિંદે ) અને એનસીપી ( અજીત પવાર)ના ગઠબંધન મહાયુતીને સ્પષ્ટ અને પ્રતિતીજનક બહુમતી મળવાની સંભાવના દર્શાવવામાં આવી છે પણ તાજેતરની ચૂંટણીઓમાં થયેલા એક્ઝિટ પોલના રકાસ બાદ એક પણ પક્ષ કોઈ તક લેવા માંગતો નથી.કોંગ્રેસ, એનસીપી ( શરદ પવાર ) અને શિવસેના (ઠાકરે )ના ગઠબંધન મહા વિકાસ અઘાડીએ પણ એકઝિટ પોલના તારણોને ફગાવી દઈ સ્પષ્ટ બહુમતી મળવાનો દાવો કર્યો હતો. ટુંકમાં બન્ને ગઠબંધનો વિજય નો દાવો તો કરી રહ્યા છે પણ સાથે જ આ અત્યંત જટીલ ચૂંટણીમાં કાંઈ પણ બની શકે છે તેવું અંદરખાને સ્વીકારે છે.
મહારાષ્ટ્ર વિધાનસભામાં સાદી બહુમતી માટે 145 બેઠકોની જરૂર પડે છે.જો કોઈ પણ ગઠબંધન એ જાદુઈ આંક સુધી પહોંચી ન શકે અને અપક્ષો કે અન્ય નાના પક્ષોના ટેકાની જરૂર પડે તો તેવા સંજોગોમાં મહારાષ્ટ્રમાં હૉર્સ ટ્રેડિંગ થવાની શક્યતા રાજકીય વિશ્લેષકો વ્યક્ત કરી રહ્યા છે.અને એટલે જ એ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા બન્ને ગઠબંધનોએ પૂર્વ તૈયારી કરી લીધી હતી.સૂત્રોના જણાવ્યા અનુસાર પોતાના પક્ષના, ગઠબંધનના અને અપક્ષ કે અન્ય પક્ષોના વિજેતા ઉમેદવારોને હરીફ છાવણી થી બચાવવા માટે મોટાપાયે હોટેલોનું બુકિંગ કરી દેવાયું છે.ટોચના નેતાઓ માટે હેલિકોપ્ટરો પણ બુક કરી દેવાયા છે.બધા વિજેતા ધારાસભ્યોને એક સાથે રાખવા માટે આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.
એ પૂર્વે શુક્રવારે મુંબઈની એક હોટલમાં કોંગી નેતા બાલાસાહેબ થોરાટ, એનસીપી (શરદ પવારના) નેતા જયંત પાટીલ અને શિવસેના( ઠાકરે)ના નેતા સંજય રાઉત વચ્ચે બે કલાક બેઠક ચાલી હતી. બાદમાં બધા નેતાઓ અલગ અલગ રીતે શરદ પાવર તથા ઉદ્ધવ ઠાકરેને પણ મળ્યા હતા.
ભાજપે અપક્ષોને સાથે રાખવાનો મમરો મૂક્યો
ભાજપે તો ‘ ત્રીજા પરિબળ ‘ નો સહકાર લેવાની ગર્ભિત જાહેરાત પણ કરી દીધી હતી.મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેએ શુક્રવારે કહ્યું કે એકલા ભાજપને 105 બેઠકો મળશે.શિવસેના અને એનસીપીના ઉમેદવારો પણ મોટી સંખ્યામાં વિજયી બનશે અને એ સંજોગોમાં મહાયુતી ને સ્પષ્ટ બહુમતી મળશે તે નક્કી છે.બાદમાં તેમણે કહ્યું કે સરકાર રચવા માટે જરૂર નહી હોય તો પણ ભાજપ અપક્ષોને સાથે રાખીને ચાલશે. તેમણે કહ્યું કે અપક્ષો પોતાના મતક્ષેત્ર ના વિકાસ માટે હંમેશા સતાધારી પક્ષને ટેકો આપતા રહ્યા છે. રાજકીય સૂત્રો નું સાચું માનીએ તો ભાજપે અપક્ષ અને અન્ય પક્ષના સંભવિત વિજેતા ઉમેદવારો સાથે સંપર્ક સ્થાપી પણ દીધો હતી.
વિપક્ષોને ભાજપના ‘ ઓપરેશન લોટસ ‘ ની આશંકા
કોંગ્રેસના ભૂતપૂર્વ રાજ્ય પ્રમુખ બાલા સાહેબ થોરાટે એક્ઝિટ પોલના પરિણામો ઉપર બહુ ધ્યાન ન આપવા સલાહ આપી હતી. તેમણે મહા વિકાસ અઘાડીને સ્પષ્ટ બહુમતી મળશે તેવો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે અપક્ષો કે અન્ય પક્ષનો ટેકો લેવાની જરૂર ઊભી થશે તેવું અમને લાગતું નથી. જો કે તેમણે શ્રીશંકુ ધારાસભા રચાવાના સંજોગોમાં સરકાર દ્વારા ખેલ પાડવામાં આવશે તેવો ભય વ્યક્ત કર્યો હતો. તેમણે ઓપરેશન લોટસ નો ઈતિહાસ વર્ણવી, જો ભાજપ સિંગર લાર્જેસ્ટ પાર્ટી તરીકે ઉભરી આવે તો બહુમતી મેળવનાર ગઠબંધનને નહીં પરંતુ ભાજપને સરકાર રચવા માટે આમંત્રણ આપવામાં આવશે તેવી આશંકા દર્શાવવી હતી. તેમણે કહ્યું કે અમે ગઠબંધનના તમામ વિજેતા ઉમેદવારોને એક સાથે રાખવાનું આયોજન ઘડી કાઢ્યું છે.
ત્રણ દિવસમાં સરકારનું ગઠન ન થાય તો રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય
મહારાષ્ટ્રની વર્તમાન વિધાનસભાની મુદત 26 નવેમ્બરે પૂરી થાય છે.તે પહેલા નવી સરકારનું ગઠન કરવું આવશ્યક છે.જો એક પણ ગઠબંધન એ અવધિ સુધીમાં સરકાર ન રચી શકે તો રાષ્ટ્રપતિ શાસન લાદવું પડે તેવી બંધારણીય જોગવાઈ છે.જો કે બંધારણના નિષ્ણાંતોના મત મુજબ કોઈ ગઠબંધનને બહુમતી ન મળી હોય તો પણ રાજ્યપાલ તેમના અધિકારનો ઉપયોગ કરી અને કોઈ પક્ષ કે ગઠબંધનને સરકાર રચવાનું આમંત્રણ આપી શકે છે.આ સંજોગોમાં રાજ્યપાલની ભૂમિકા ખૂબ મહત્વની બની રહેશે.
મહાયુતીમાં મુખ્યમંત્રીપદ માટે ખેંચતાણ બધા પક્ષો સોગઠાં ગોઠવવા લાગ્યા
મહારાષ્ટ્રમાં મતદાન પૂર્ણ થયા બાદ તરત જ મહા વિકાસ આઘાડીમાં મુખ્યમંત્રી પદ માટે સામ સામે તલવારો ખેંચાઈ ગઈ હતી. મહારાષ્ટ્રના કોંગ્રેસ પ્રમુખ નાના પટોલેએ મહા વિકાસ અઘાડીના ઘટક પક્ષોમાં સૌથી વધારે બેઠકો કોંગ્રેસને મળવાની હોવાથી કોંગ્રેસનો જ મુખ્યમંત્રી બનશે તેવી જાહેરાત કરી દીધી હતી. તેમના આ નિવેદનનો શિવસેના ઠાકરેના નેતા સંજય રાઉતે જબ્બર વિરોધ કરી, ગઠબંધનના તમામ પક્ષો સાથે બેસીને જ મુખ્યમંત્રીનું નામ નક્કી કરશે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રી પદ માટે માત્ર મહા વિકાસ અઘાડીમાં જ નહીં પરંતુ મહાયુતીમાં પણ ખેંચતાણ શરૂ થઈ રહી હોવાના એંધાણ મળી રહ્યા છે. નોંધનીય છે કે એ ગઠબંધનમાં આ અગાઉ મુખ્યમંત્રીના નામ અંગે એક કરતાં વધારે નિવેદનો આવ્યા છે.
એકનાથ સિંધી વર્તમાન મુખ્યમંત્રી હોવા છતાં મહા વિકાસ અઘાડીએ મુખ્યમંત્રી નું નામ જાહેર નહોતું કર્યું. વચ્ચે એક વખત એકનાથ શિંદે, અજીત પવાર અને દેવેન્દ્ર ફડણવીસની સંયુક્ત પત્રકાર પરિષદમાં નવા મુખ્યમંત્રી કોણ બનશે તેવા પ્રશ્નોનો ફડણવીસે ‘ મુખ્યમંત્રી અત્યારે અહીંયા જ ઉપસ્થિત છે’ એવું અનેકાર્થી નિવેદન કર્યું હતું. ગૃહ મંત્રી અમિત શાહે મુંબઈની મુલાકાત દરમિયાન પરિણામો નક્કી થયા બાદ મુખ્યમંત્રી નું નામ નક્કી કરવાની જાહેરાત કરી એકનાથ શિંદે જ મુખ્યમંત્રી બનશે એવી ચર્ચાની હવા કાઢી નાખી હતી. એકનાથ શિંદેએ પોતે મુખ્યમંત્રી પદની રેસમાં ન હોવાનું કહ્યું હતું.નોંધનીય છે કે આ ચૂંટણીમાં મહાયુતીમાં સૌથી વધારે ઉમેદવારો ભાજપના છે અને ચુંતનારા ધારાસભ્યોમાં પણ ભાજપની સંખ્યા અન્ય પક્ષો કરતા વધારે હશે. આ સંજોગોમાં ભારતીય જનતા પક્ષ મુખ્યમંત્રી પદનો તાજ એકનાથ શિંદેને પહેરાવશે કે કેમ તે અંગે રહસ્ય સર્જાયું છે. આ બધા વચ્ચે શિવસેનાના ધારાસભ્ય તથા પ્રવક્તા સંજય શ્રીસતે એકનાથ શિંદેને જ મુખ્યમંત્રી બનાવવાની હિમાયત કરી દીધી હતી. તેમણે કહ્યું કે આ ચૂંટણી એકનાથ શિંદેના મુખ્યમંત્રી પદ હેઠળ લડવામાં આવી છે. મતદારોએ શિંદે માટે મત આપ્યા છે. અમે માનીએ છીએ કે મુખ્યમંત્રી બનવાનો એકનાથ શિંદેનો અધિકાર છે અને અમને વિશ્વાસ છે કે તેમને જ મુખ્યમંત્રી બનાવવામાં આવશે.
તેમના આ નિવેદન બાદ ભાજપના નેતા પ્રવીણ ડેરકરે મુખ્યમંત્રી પદ માટે દેવેન્દ્ર ફડણવીસનું નામ વહેતું કરી દીધું હતું. તેમણે મગ નું નામ મરી પડ્યા વગર કહ્યું કે ભાજપમાંથી જો કોઈ મુખ્યમંત્રી બનશે તો એ દેવેન્દ્ર ફડણવીસ જ હશે. મહાયૂતીના ત્રીજા ઘટક પક્ષ એનસીપી (અજીત પવાર)એ પણ મુખ્યમંત્રી પદની દાવેદારી ઠોકી દીધી હતી. એ પક્ષના પ્રવક્તા અમોલ મિતકારીએ અજીત પવારનું નામ આગળ ધર્યું હતું. તેમણે એવું સૂચક નિવેદન આપ્યું કે ચૂંટણીના પરિણામ ગમે તે આવે પણ કિંગ મેકર તો એનસીપી જ બનશે. પુણેમાં અજીત પવારને મુખ્ય મંત્રી દર્શાવતા બેનહર લાગ્યા હતા જે બાદમાં વિવાદ થતાં ઉતારી લેવામાં આવ્યા હતા.
કયા પક્ષના કેટલા ઉમેદવાર
મહાયુતી
ભાજપ 149
શિવસેના 81
એનસીપી 59
મહા વિકાસ અઘાડી
કોંગ્રેસ 101
શિવસેના ( ઠાકરે) 95
એનસીપી ( શરદ પવાર) 86
ચૂંટણી પહેલા ક્યાં પક્ષના કેટલા ધારાસભ્યો હતા?
મહાયુતી
ભાજપ. 102
શિવસેના (શિંદે). 38
એનસીપી (અજીત પવાર) 40
મહા વિકાસ અઘાડી
કોંગ્રેસ. 37
શિવસેના ( ઠાકરે ) 16
એનસીપી (શરદ પવાર) 12