સેબીના ભૂતપૂર્વ અધ્યક્ષ માધવી પુરી બુચ તેમ જ સેબી અને બોમ્બે સ્ટોક એક્સચેન્જના ભૂતપૂર્વ અધિકારીઓ વિરુદ્ધ માર્કેટ મેનીપયુલેશન અને કોર્પોરેટ છેતરપિંડીના કેસમાં ફરિયાદ નોંધવાના મુંબઈની સેશન્સ કોર્ટના આદેશ પર મંગળવાર સુધી કોઈ કાર્યવાહી ન કરવા બોમ્બે હાઈકોર્ટે આદેશ આપ્યો હતો.
આ કેસ સંદર્ભે સોલિસિટર જનરલ તુષાર મહેતા અને વરિષ્ઠ વકીલ અમિત દેસાઈએ તાત્કાલિક સુનવણીની રજૂઆત કર્યા બાદ બોમ્બે હાઈકોર્ટની જસ્ટિસ શિવકુમાર ડિગેની સિંગલ-જજની બેન્ચે આ આદેશ આપ્યો હતો.મહેતા અને દેસાઈએ, ફરિયાદમાં દર્શાવવામાં આવતાં પ્રતિવાદીઓ તથા અધિકારીઓને નોટિસ પણ ન આપવામાં આવી હોવાની દલીલ કર્યા બાદ હાઇકોર્ટે વધુ સુનવણી મંગળવાર ઉપર મુલતવી રાખી ત્યાં સુધી કોઈ કાર્યવાહી ન કરવા નિર્દેશ આપ્યા હતા. નોંધનીય છે કે માધવી પુરી બુચ, સેબીના પૂર્ણ સમયના સભ્યો અશ્વિની ભાટિયા, અનંત નારાયણ જી, અને કમલેશ ચંદ્ર વાર્ષ્ણેય, BSEના ચેરમેન પ્રમોદ અગ્રવાલ અને CEO સુંદરરામન રામમૂર્તિએ યક્તિગત રીતે હાઈકોર્ટમાં અરજીઓ દાખલ કરી છે.
આ અગાઉ સેશન્સ કોર્ટે થાણે સ્થિત પત્રકાર સપન શ્રીવાસ્તવે દાખલ કરેલી ફરિયાદની સુનાવણી કરતી વખતે એફઆઇઆર નોંધવાનો આદેશ આપ્યો હતો. સપન શ્રીવાસ્તવે સ્ટોક એક્સચેન્જમાં કંપનીની યાદીમાં મોટા પાયે નાણાકીય છેતરપિંડી અને ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો હતો.SEBIના અધિકારીઓ તેમની કાનૂની ફરજમાં નિષ્ફળ ગયા હોવાની, બજારમાં હેરાફેરીની સુવિધા આપી અને નિયમનકારી ધોરણોને પૂર્ણ ન કરતી કંપનીને લિસ્ટિંગ કરવાની મંજૂરી આપીને કોર્પોરેટ છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.
ફરિયાદમાં SEBIના અધિકારીઓ પર નિયમોનું પાલન ન કરતી કંપનીને લિસ્ટિંગ કરવાની મંજૂરી આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જેના કારણે બજારમાં હેરાફેરી થઈ અને રોકાણકારોને નુકસાન થયું હતું.તેમણે SEBI અને કોર્પોરેટ સંસ્થાઓ વચ્ચે સાંઠગાંઠ, આંતરિક વેપાર અને લિસ્ટિંગ પછી જાહેર ભંડોળની ઉચાપત કરવાનો પણ આરોપ મૂક્યો હતો.
સેશન્સ કોર્ટે સાંઠગાંઠ અને નિયમ ભંગના પ્રાથમિક પુરાવા હોવાના નિર્દેશ આપ્યા હતા
પત્રકારની ફરિયાદના સંદર્ભમાં વિશેષ ન્યાયાધીશ એસ.ઈ. બાંગરે ફરિયાદની સમીક્ષા કર્યા પછી ગેરરીતિના પ્રાથમિક પુરાવા મળ્યા હોવાની નિર્દેશ આપી અને મુંબઈ એન્ટી કરપ્શન બ્યુરોને ભારતીય દંડ સંહિતા, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને SEBI અધિનિયમની સંબંધિત જોગવાઈઓ હેઠળ FIR નોંધવાનો નિર્દેશ આપ્યો.
ન્યાયાધીશે કહ્યું હતું કે, “નિયમનકારી ક્ષતિઓ અને સાંઠગાંઠના પ્રાથમિક પુરાવા છે, જેના માટે નિષ્પક્ષ અને નિષ્પક્ષ તપાસ જરૂરી છે. કાયદા અમલીકરણ અને SEBI દ્વારા કરવામાં આવેલી નિષ્ક્રિયતાને કારણે ન્યાયિક હસ્તક્ષેપ જરૂરી છે”.
SEBI એ કહ્યું,’ વાતમાં કાંઈ દમ નથી હેરાન કરવા માટે ફરિયાદ કરાઇ છે.
SEBIએ તેના નિવેદનમાં ફરિયાદીને તુચ્છ અને ફરિયાદ કરવાની આદતવાળા અરજદાર ગણાવ્યા હતા.તેમની અગાઉની અરજીઓ કોર્ટ દ્વારા રદ કરવામાં આવી હોવાની અને કેટલાક કેસોમાં ખર્ચ પણ લાદવામાં આવ્યો હોવાની સેબીએ દલીલ કરી હતી. સેશન્સ કોર્ટના આદેશમાં જેમના નામ છે એ અધિકારીઓ કથિત ઉલ્લંઘનો થયા ત્યારે તેમની સંબંધિત હોદ્દા પર પણ ન હોવાનું સેબીએ વધુમાં જણાવ્યું હતું. BSEએ પણ એક નિવેદન બહાર પાડીને આ ફરિયાદ 1994માં BSE પર લિસ્ટ થયેલી Cals Refineries Ltd. નામની કંપનીની આસપાસ કેન્દ્રિત હોવાની સ્પષ્ટતા કરી હતી. ફરિયાદમાં દર્શાવેલા અધિકારીઓ લિસ્ટિંગ સમયે તેમના સંબંધિત હોદ્દા પર ન હતા અને તેમને કંપની સાથે કોઈ સંબંધ ન હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.