દિલ્હીની 40 શાળાઓમાં બોમ્બ મુકાયાની ધમકીથી ભારે ગભરાટ
બાળકોને પરત મોકલી દેવાયા: કાંઈ વાંધાજનક ન મળ્યું
સોમવારે સવારે દિલ્હીની 40 શાળાઓમાં બોમ્બ મુકાયાની ધમકી ભર્યા ઈમેલ મળતાં શાળા સંચાલકો, વાલીઓ તથા બાળકો ચિંતામાં મુકાઈ ગયા હતા. તકેદારી ના પગલા રૂપે તમામ બાળકોને ઘરે પરત મોકલી દેવાયા હતા. બાદમાં સુરક્ષા દળોએ કરેલી તપાસમાં આ ખોટી ધમકી હોવાનું ખુલ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર સવારે 6.15 વાગ્યે આર.કે પુરમમાં આવેલ ડીપીએસ સ્કૂલને અને સાત વાગ્યે પશ્ચિમ વિહાર વિસ્તારમાં આવેલ જી. ડી .ગોએન્કા સ્કૂલને બોમ્બ મુકાયાની ધમકી આપતાં ઈમેલ મળ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર એ ઉપરાંત મધર સેન્ટ મેરી સ્કૂલ, બ્રિટિશ સ્કૂલ, સાલવન પબ્લિક સ્કૂલ સહિત 40 જેટલી શાળાઓને આવા જ ઇમેલ મળ્યા હતા.
ઈમેલ લખનારે જણાવ્યું હતું કે બોંબ નાના છે પણ સરખી રીતે સંતાડીને રાખવામાં આવેલા છે. એ બોમ્બ ઈમારતને નુકસાન નહીં કરે પરંતુ જ્યારે વિસ્ફોટ થશે ત્યારે અનેક લોકો ઘાયલ થશે. વધુમાં લખાયું હતું કે તમે બધા સહન કરવા ને અને શરીરના અંગો ગુમાવવાને લાયક છો.બોમ્બે નિષ્ક્રિય કરવા માટે 30,000 ડોલરની માંગણી કરવામાં આવી હતી.
બનાવને પગલે સ્થાનિક પોલીસ ડોગ સકવોડ, બોમ્બ ડિટેન્શન ટીમ તથા ફાયર બ્રિગેડની ટીમો શાળાઓ પર દોડી ગઈ હતી. જોકે સઘન તપાસના અંતે કોઈ વાંધાજનક વસ્તુ ન મળતા સૌએ રાહતનો દમ લીધો હતો.
ઓક્ટોબરમાં પણ વિસ્ફોટ થયો હતો
20 મી ઓક્ટોબરે રોહિણીના પશ્ચિમ વિહારમાં
સીઆરપીએફ સ્કૂલની બહાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. તેના બીજા દિવસે 21 શાળાઓમાં બોંબ મુકાયાની ધમકી મળી હતી. સીઆરપીએફ સ્કૂલ બહાર થયેલ બોમ્બ વિસ્ફોટનો ભેદ હજુ સુધી પણ ઉકેલ રહ્યો છે.