લોહીના સબંધનો લોહિયાળ અંજામ : સંપત્તિ વહેંચણીના વિવાદમાં સગા પૌત્રએ અબજોપતિ દાદાને 70 છરીના ઘા મારી કરી હત્યા
દક્ષિણ ભારતના અગ્રણી ઉદ્યોગ ગૃહ વેલીજાન ગ્રુપના 86 વર્ષના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર વેલામતી ચંદ્રશેખર જનાર્દન રાવની તેના જ 29 વર્ષના પૌત્રએ છરીના 70ઘા મારી અને કરપીણ હત્યા કરતા હાહાકાર મચી જવા પામ્યો છે. સંપત્તિ વહેંચણીના વિવાદમાં આ હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ આ ઘટના શુક્રવારની રાત્રે બની હતી. જનાર્દન રાવનો પૌત્ર કિલારુ કીર્તિ તેજા તાજેતરમાં જ અમેરિકાથી માસ્ટર્સની ડિગ્રી લઈને પરત ફર્યો હતો. શુક્રવારે તે અને તેની માતા સરોજિની દેવી જનાર્દન રાવ ને મળવા માટે હૈદરાબાદ ખાતેના તેમના ઘરે ગયા હતા. એ દરમિયાન કંપનીમાં ડાયરેક્ટરના પદ અને પૈતૃક સંપત્તિની વહેચણીમાં પોતાને અન્યાય થયો હોવાનું જણાવી ઉગ્ર બોલાચાલી કર્યા બાદ તેજા તેની સાથે લાવેલી છરી વડે દાદા ઉપર તૂટી પડ્યો હતો અને ક્રૂરતાપૂર્વક ઉપરા છાપરી 70 ઘા ઝીંકી દેતા 86 વર્ષના જનાર્દન રાવ લોહીના ખાબોચિયામાં ઢળી પડ્યા હતા. એ સમયે સરોજિની દેવી વચ્ચે પડતા તેજાએ તેમની ઉપર પણ હુમલો કર્યો હતો. ઘવાયેલા સરોજિની દેવીને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

જાણવા મળતી વિગત અનુસાર તેજાએ બાળપણથી જ તેની ઉપેક્ષા થતી હોવાની ફરિયાદ કરી હતી. એ ઉપરાંત જનાર્દન રાવે તેમની સૌથી મોટી પુત્રીનાપુત્ર શ્રી કૃષ્ણન ને કંપનીના ડાયરેક્ટર બનાવ્યા તેનો પણ તેજાએ વિરોધ કર્યો હતો. જનાર્દન રાવે પૈતૃક સંપત્તિમાંથી તેજાને ચાર કરોડ રૂપિયા આપ્યા હતા. એ રકમ નગણ્ય હોવાનો અને સંપત્તિની વહેંચણી ન્યાયી રીતે ન થઇ હોવાનો તેજાને ખટકો હતો.
પોલીસે જણાવ્યા અનુસાર હત્યા કર્યા બાદ તેજાએ લોહીના ડાઘાવાળા વસ્ત્રો બદલાવી, ચોકીદારોને ધમકી આપીને નાસી છૂટ્યો હતો. રવિવારે પોલીસે તેની હૈદરાબાદમાંથી ધરપકડ કરી હત્યામાં ઉપયોગમાં લેવાયેલ હથિયાર જપ્ત કર્યું હતું.
અગ્રણી દાતા હતા
વેલાપતિ ચંદ્રશેખર જનાર્દન રાવની ગણતરી દક્ષિણ ભારતના ટોચના ઉદ્યોગપતિઓમાં થતી હતી. હાઇડ્રોલિક ઇક્વિપમેન્ટ, શીપ બિલ્ડીંગ, એનર્જી અને ઔદ્યોગિક ઉપકરણોનો કારોબાર ધરાવતા જનાર્દન રાવ
470 કરોડનું સામ્રાજ્ય ધરાવતા હતા. તેઓ અગ્રણી દાતા હતા અને ઇલુરુની હોસ્પિટલ તથા તિરુપતિ દેવસ્થાનમાં તેમણે માતબર દાન આપ્યું હતું. તેમની અત્યારથી ઉદ્યોગ જગતમાં ઘેરા શોકની લાગણી આપી ગઈ હતી.