જબલપુરની ઓર્ડનન્સ ફેક્ટરીમાં ધડાકો, 2 મોત 10 ઘાયલ
જબલપુરની ઓર્ડનન્સ ફેક્ટરીમાં બોમ્બ ભરવા દરમિયાન મંગળવારે બ્લાસ્ટ થયો હતો. આ અકસ્માતમાં બે કર્મચારીઓના મોત થયા હતા જ્યારે 10થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બ્લાસ્ટ ફેક્ટરીના એક સેક્શનના બિલ્ડિંગ નંબર 200માં થયો હતો. ધડાકાને પગલે આખી ઇમારત પડી ગઈ હતી.
જબલપુરની ખમરિયામાં એક ઓર્ડનન્સ ફેક્ટરી છે. આ ફેક્ટરીમાં સવારે લગભગ 10:45 વાગ્યે જોરદાર બ્લાસ્ટ થયો હતો. ફેક્ટરીના એક સેક્શનમાં બોમ્બ ભરવાનું કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન અચાનક જોરદાર વિસ્ફોટ થયો, જેના કારણે 12થી વધુ કર્મચારીઓ ઘાયલ થયા હતા અને બે લોકો મૃત્યુ પામ્યા હતા. ઘાયલોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હતા અને એમને કાઢવા માટે રાહત અને બચાવ કાર્ય તત્કાળ શરૂ કરાયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ ફેક્ટરીમાં પાવડર બોમ્બ તૈયાર કરવામાં આવે છે, જેનો ઉપયોગ ભારતીય વાયુસેના કરે છે. અકસ્માતમાં આખી ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી.
અવાજ 5 કિલોમીટર સુધી સંભળાયો
વિસ્ફોટનો અવાજ ઓર્ડનન્સ ફેક્ટરી ખમરિયાને અડીને લગભગ 5 કિલોમીટરના વિસ્તારમાં ગુંજ્યો હતો. રહેવાસીઓને એવું લાગ્યું કે જાણે ભૂકંપ આવ્યો હોય અને વિસ્ફોટનો અવાજ સાંભળતા જ લોકો ઘરની બહાર આવી ગયા. ગામ માનવેગાંવ, ચંપાનગર, નાનક નગર સહિત અનેક ગામોના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.