મહારાષ્ટ્રમાં ભાજપનું ‘બટોગે તો કટોગે’ નું સૂત્ર નહી ચાલે, લોકોને એ પસંદ નથી: અજીત પવાર
ભાજપના સૂત્ર સામે મહાયુતીના ઘટક પક્ષને જ વાંધો
મહારાષ્ટ્રની જનતા કોમી ભાઈચારામાં માને છે
મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પક્ષના નેતૃત્વ હેઠળના મહાયુતી સંગઠનના ઘટક પક્ષ એનસીપીના નેતા અજીત પવારે ‘ બટોગે તો કટોગે ‘ સૂત્રનો જાહેરમાં વિરોધ કરતા મહાયુતીના વૈચારિક મતભેદો સપાટી ઉપર આવી ગયા છે. મહારાષ્ટ્રના લોકોને આ સૂત્ર પસંદ ન હોવાનું અજિત પવારે જણાવ્યું હતું.
એક ન્યુઝ ચેનલ સાથેના ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું,” મહારાષ્ટ્રમાં માં બટોગે તો કટોગે વાળું સૂત્ર નહીં ચાલે.
આ વાત મેં આ પહેલા પણ અનેક વખત કહી છે.”
તેમણે કહ્યું કે મહારાષ્ટ્રની જનતાએ હંમેશા કોમી ભાઈચાર અને સંવાદીતાને પ્રાધાન્ય આપ્યું છે. આ સૂત્ર ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને અન્ય રાજ્યોમાં ચાલે પણ મહારાષ્ટ્રમાં તે ચાલશે નહીં.
તેમણે કહ્યું કે મહારાષ્ટ્રની અલગ તાસીર છે. મહારાષ્ટ્ર પાસે છત્રપતિ શિવાજી મહારાજ, રાજર્ષિ શાહુ મહારાજ અને મહાત્મા ફૂલેનો વારસો છે. મહારાષ્ટ્રની તુલના અન્ય રાજ્યો સાથે ન થઈ શકે. ગત અઠવાડિયે યોગી આદિત્યનાથે પ્રચાર સભામાં એ સૂત્રના પોકાર લગાવ્યા તે પછી પણ અજીત પવારે તેનો વિરોધ કર્યો હતો. મહારાષ્ટ્રની પ્રજાને આ સૂત્ર પસંદ નથી તેવો મત વ્યક્ત કરી તેમણે એ સૂત્રને બદલે સબકા સાથ સબકા વિકાસ સૂત્રને આગળ કરવાની જરૂર હોવાનો અભિપ્રાય આપ્યો હતો.
અત્રે નોંધનીય છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચાર સમયે યોગી આદિત્યનાથે આ સૂત્રને વહેતું કર્યું હતું. બાંગ્લાદેશમાં હિન્દુઓ એક રહ્યા એટલે બચી શક્યા તેમ જણાવી તેમણે ભારતમાં પણ હિન્દુઓને એક રહેવાનો અનુરોધ કર્યો હતો. ત્યારબાદ મહારાષ્ટ્ર અને ઝારખંડના ચૂંટણી પ્રચારમાં ‘ બટેકો તો કટોગે ‘સૂત્ર કેન્દ્રસ્થાને આવી ગયું છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે પણ એ સૂત્રને સમર્થન કર્યું છે. યોગી આદિત્યનાથથી માંડી મોદી, શાહ અને ફડનવિસ સહિતના નેતાઓ આ સૂત્રને કેન્દ્રમાં રાખીને જ પ્રચાર કરી રહ્યા છે. મોદી ‘એક રહેતું તો સેફ રહેશું’ નો નારો આપી હિન્દુઓને એક રહેવાનું
આહવાન કરી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસે આવા સૂત્રો આપી ધર્મના આધારે મતોનું ધ્રુવીકરણ કરવાની ભાજપની ચાલ હોવાનો આક્ષેપ કર્યો છે. એક તરફ ભાજપ આ સૂત્રના આધારે ચૂંટણી લડી રહ્યો છે ત્યારે જ તેના સાથી પક્ષ એનસીપીએ એ સૂત્ર સામે નારાજગી વ્યક્ત કરતા દેખીતી રીતે જ વિવાદ થયો છે.