અયોધ્યામાં ભાજપના પરાજયથી સમર્થકો ઉકાળી ઉઠ્યા
અને.. હવે અયોધ્યાવાસીઓ પણ રામદ્રોહી!
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભક્તોના આક્રોશ ની તેજાબી વર્ષા: કહ્યું,’ ત્રેતા યુગમાં પણ અયોધ્યાવાસીઓ દગાખોર હતા’
” મોદી 400 બેઠક શું કામ માંગી રહ્યા છે?, મોદીને 400 બેઠકો જોઈએ જેથી કોંગ્રેસ રામ મંદિર ઉપર બાબરી તાળું ન લગાવી દે” ( વડાપ્રધાન મોદી).
“આ લોકો ઈદ ઉજવવા દોડી દોડીને જાય છે પણ રામ મંદિરમાં આમંત્રણ હોવા છતાં નહોતા ગયા. આવા રામદ્રોહીઓને તમે મત આપશો?”
“જે લોકો રામના અસ્તિત્વને નકારતા હતા અને જે લોકોને રામસેતુ તોડવો હતો તેમને મત આપશો?”
“કાર સેવકો ઉપર ગોળીઓ કોણે ચલાવી હતી એ યાદ છે ને? અયોધ્યાની પવિત્ર ભૂમિને રામભક્તોના રક્તથી રંગનાર કોણ હતા એ યાદ છે ને?”
“જો રામ કો લાયે હૈ ઉનકો લાના હૈ”
ભારતીય જનતા પક્ષના પ્રચારમાં રામમંદિર નો મુદ્દો કેન્દ્ર સ્થાને હતો. દરેક બેઠકો પર સ્થાનિક નેતાઓથી માંડી અને વડાપ્રધાન સુધીના નેતાઓએ ઉપરોક્ત ભાષણો કર્યા હતા અને રામદ્રોહીઓને પાઠ ભણાવી રામભક્તોને સત્તા આપવા માટે અનુરોધ કર્યો હતો. પણ લોકોએ ભાજપની રામના નામે ધર્મના નામે મત માગવાની રણનીતિને જાકારો આપ્યો.
2024 ની લોકસભાની ચૂંટણીના પરિણામો ભાજપ માટે આઘાતજનક છે. ધર્મના આધારે ધ્રુવીકરણ કરવાનું ભાજપનું બ્રહ્માસ્ત્ર બુઠું સાબિત થયું છે. સૌથી વધુ આઘાત તો ઉત્તર પ્રદેશના પરિણામોએ આપ્યો છે. ત્યાં સુધી કે રામ મંદિર જ્યાં નિર્માણ પામ્યું એ અયોધ્યા ની બેઠક પણ ભારતીય જનતા પક્ષે ગુમાવી દીધી. લોકશાહીમાં જનતા જનાર્દનનો ચુકાદો આમ તો શિરોમાન્ય ગણાવો જોઈએ પણ અયોધ્યાનો પરાજય ભાજપના સમર્થકોને હજમ નથી થયો. ભાજપના સમર્થકો હવે અયોધ્યાવાસીઓને દગાખોર, વિશ્વાસઘાતી, હિન્દુ દ્રોહી અને રામદ્રોહી ગણાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મસ એ હેતુના હજારો સંદેશાઓથી ઉભરાઈ રહ્યા છે.જે રામને લઈ આવ્યા તેને પ્રજા જાકારો કઈ રીતે આપી શકે? તેવા આક્રોશ સાથે વાયરલ થયેલા હજારો સંદેશાઓમાંથી અહી લખી શકાય તેવા X ( ટ્વીટર) પર ના કેટલાક સંદેશાઓની ઝલક પ્રસ્તુત છે.
રામલલાની પવિત્ર ભૂમિની રજ પણ પવિત્ર ગણાવી જોઈએ પણ ભાજપના પરાજય બાદ એ ભૂમિ પર જનમ લેનાર લોકો પણ અણમાનીતા થઈ ગયા છે.
એક નેટીઝને ટીકા કરી,” આપણે એ ભૂલી ગયા કે આ એ જ અયોધ્યાવાસીઓ છે જેમણે વનવાસમાંથી આવ્યા બાદ સીતા માતા ઉપર પણ સંદેહ કર્યો હતો”
સમર્થકો ભાજપના પરાજયને શ્રીરામ સાથેનો વિશ્વાસઘાત ગણાવી રહ્યા છે. સુશાંત ચાવલા નામની વ્યક્તિએ હિંદુઓને પ્રશ્ન કર્યો કે,” તમને અહેસાસ પણ છે કે તમે શ્રી રામને દગો આપ્યો છે? કેટલાક વધુ ટ્વીટ પર નજર નાખીએ.
ડૂબી મરો..ડૂબી મરો
*કે એન નેહરા નામના સમર્થકે લખ્યું,” હું અયોધ્યા જઈશ તો રામલલાના દર્શન તો કરીશ પણ અયોધ્યાના એક પણ દુકાનદાર કે વ્યક્તિ પાસેથી એક રૂપિયાની પણ વસ્તુ નહીં ખરીદું, પછી એ પ્રસાદ પણ ભલે હોય. આ મારો સંકલ્પ છે. સરયુમાં ડૂબી મરો રામ દ્રોહીઓ”
- રામ અરોરા નામના ભક્તે અયોધ્યા વાસીઓના હિન્દુ હોવા ઉપર શક વ્યક્ત કર્યો. તેમણે કહ્યું,” અયોધ્યા વાસીઓ ડૂબી મરો તમે હિન્દુ કહેવાની લાયક નથી.” તેમણે અયોધ્યાના લોકોને દિવાળી ન ઉજવવાની પણ સલાહ આપી.
હે રામ ! અયોધ્યા વાસીઓ પહેલેથી દગાખોર?
- હિંદુ સુરેન્દ્ર સિંઘ નામના નેટીઝને ઇતિહાસ યાદ કરાવ્યો. તેમણે વ્યથા ઠાલવી,” આજે ફરી માતા સિતાને ભરોસો થઈ ગયો કે યુગ કોઈપણ હોય અયોધ્યાની પ્રજા ક્યારેય સુધરશે નહીં. ક્ષમા કરો પ્રભુ”
- રઘુરાજ નામની વ્યક્તિએ પણ અયોધ્યાવાસીઓને દગાખોર ગણાવ્યા. તેમણે લખ્યું,” ઇતિહાસ સાક્ષી છે કે અયોધ્યા વાસીઓએ હંમેશા પોતાના સાચા રાજા સાથે વિશ્વાસઘાત કર્યો છે.”
શું કહ્યું વિજેતા ઉમેદવારે?
ફૈઝાબાદની જનરલ બેઠક ઉપર સમાજવાદી પાર્ટીએ દલિત સમુદાયના અવધેશ પ્રસાદ ની ટિકિટ આપી હતી. તેમનો ભાજપના ઉમેદવાર સામે 54,567 મતની સરસાઈથી વિજય થયો. બાદમાં તેમણે કહ્યું કે મોદી રામને લઈ આવ્યા એવો દાવો પ્રજાએ નકારી દીધો છે. કોઈ વ્યક્તિ ભગવાનને કેવી રીતે લાવી શકે? તેમણે ઉમેર્યું કે આ લોકો રામને લાવનારા નહીં પણ તેના નામ પર વ્યાપાર કરનારા છે. આ મારો વિજય નથી. અયોધ્યાની જનતા ચૂંટણી જીતી છે.
અને છેલ્લે..આ પણ એક પ્રતિભાવ
“જેન્યુઇન ક્વેશ્ચન” એવા મથાળા સાથે શંકર દત્ત નામના નાગરિકે પ્રશ્ન કર્યો,” રામ મંદિર રામજી માટે બનાવ્યું હતું કે ચૂંટણી જીતવા માટે..?”