સંદેશખાલી ઘટના બનાવટી હોવાના આક્ષેપ સાથે ભાજપના મહિલા નેતાનું રાજીનામું
ટીએમસીમાં જોડાઈ ગયા: ભાજપને ઝાટકો
પશ્ચિમ બંગાળના ચકચારી સંદેશખાલી પ્રકરણમાં અગ્રણી ચળવળકારની ભૂમિકા ભજવનાર ભાજપની મહિલા નેતા સાયરા પરવીને આ આખી ઘટના ભાજપે ઉપજવી કાઢેલી હોવાનો આક્ષેપ કરી, રાજીનામું આપી અને ટીએમસી માં જોડાઈ જતાં ભાજપને આંચકો લાગ્યો છે. સાયરા પરવીને સંદેશખાલી પ્રકરણની કથિત પીડિતા અને બસિરહાટ બેઠકની ભાજપના ઉમેદવાર રેખા પાત્રા સામે પણ ગંભીર આક્ષેપો કર્યા હતા.બસિરહાટની બેઠક પર 1 જૂનના રોજ મતદાન થવાનું છે તે પહેલા જ ભાજપના જ મહિલા નેતાએ કરેલા આક્ષેપોને કારણે રાજકારણ ગરમાયું છે.
સાયરા પરવીને પત્રકાર પરિષદમાં જણાવ્યું કે હું સંદેશખાલી અને બસીરહાટની મહિલાઓ માટે લડતી હતી પરંતુ પછી મને ખ્યાલ આવ્યો કે આ આખી ઘટના ભાજપે ઉપજાવી કાઢી હતી. ભાજપે મની, મોબાઈલ અને મીડિયાનો ઉપયોગ કરી આ કારસો રચ્યો હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. એ અંગેના ઢગલાબંધ પુરાવા હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો.ભાજપે રેખા પાત્રાને પૈસા આપ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે આખી ઘટનાની તપાસ કરતા સ્પષ્ટ બન્યું છે કે ચૂંટણી સમયે તૃણમૂલ કોંગ્રેસને બદનામ કરવા માટે ભાજપે આ પ્રકરણ ઊભું કર્યું હતું .નોંધનીય છે કે ભાજપના પ્રચારમાં સંદેશખાલીની ઘટના કેન્દ્ર સ્થાને હતી. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એ મુદ્દાનો તેમની દરેક જાહેર સભામાં ઉલ્લેખ કરી ટીએમસી ના રાજમાં મહિલાઓની અસલામતીનો મુદ્દો ચગાવ્યો હતો.એ દરમિયાન જો કે એક સ્ટીંગ ઓપરેશનમાં ભાજપના નેતાએ આ આખું પ્રકરણ ઉપજવી કાઢેલું હોવાનું જણાવતા નવો ફણગો ફૂટ્યો હતો અને હવે ભાજપના જ મહિલા નેતાએ કરેલા ખુલાસા ને પગલે ફરી એક વખત રાજકીય સમીકરણો પલટાઈ ગયા છે.