સ્પીકરપદ માટે ભાજપ કોઈ બાંધછોડ નહી કરે, સહયોગી પક્ષને ડેપ્યુટી સ્પીકર પદ આપવા વિચારણા
NDA અને વિપક્ષ સાથે ચર્ચા કરવાની જવાબદારી રાજનાથને સોંપાઈ
સરકારની રચના પછી હવે લોકસભાના સ્પીકર કોણ બનશે તેની ચર્ચા થઇ રહી છે ત્યારે સુત્રો એવું કહી રહ્યા છે કે, ભાજપ લોકસભા સ્પીકર પદ જાળવી રાખશે, જ્યારે એનડીએ સહયોગી પાર્ટીને ડેપ્યુટી સ્પીકરની જવાબદારી મળી શકે છે. આ અંગે ભાજપે રાજનાથ સિંહને એનડીએના સહયોગી અને વિપક્ષી દળો વચ્ચે સર્વસંમતિ બનાવવાની જવાબદારી સોંપી છે.
મોદી 3.0 સરકારની રચના બાદ ભાજપે સ્પષ્ટ કરી દીધું છે કે તે તેના સાથી પક્ષો સામે ઝૂકશે નહીં. એક રીતે ભાજપે સાથી પક્ષોને સંદેશ આપ્યો છે કે તેઓ ગઠબંધન ધર્મનું પાલન કરશે, પરંતુ માથું નમાવીને સરકાર નહીં ચલાવે. મંત્રીમંડળની વહેંચણીમાં ભાજપનું વર્ચસ્વ ચોક્કસપણે દેખાઈ રહ્યું હતું. હવે ભાજપે લોકસભા અધ્યક્ષ પદ પર પણ વીટો કરી દીધો છે. આનાથી સ્પષ્ટ થાય છે કે ભાજપ સ્પીકર પદ પર કોઈ બાંધછોડ કરવા માંગતી નથી. જો કે એનડીએ સાથી પક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ મળી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ લોકસભા સ્પીકરનું પદ જાળવી રાખશે અને ડેપ્યુટી સ્પીકરનું પદ તેના સહયોગી NDAને આપશે. પાર્ટી હાઈકમાન્ડે પાર્ટીના વરિષ્ઠ નેતા અને રક્ષા મંત્રી રાજનાથ સિંહને એનડીએ સહયોગી અને વિપક્ષી પાર્ટીઓ સાથે વાત કરીને સર્વસંમતિ બનાવવાની જવાબદારી સોંપી છે.
રવિવારે સંસદ સત્રને લઈને રક્ષા મંત્રી રાજનાથ સિંહના ઘરે એક મોટી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ, કિરેન રિજિજુ, જેડીયુ નેતા લાલન સિંહ, ચિરાગ પાસવાન સામેલ થયા હતા. આ બેઠકમાં 18મી લોકસભાના પ્રથમ સંસદીય સત્ર અને સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર પદ માટે એનડીએના ઉમેદવાર અંગે ચર્ચા કરવામાં આવી હતી.
દરમિયાન વિરોધ પક્ષ પણ આ દિશામાં સક્રિય છે અને તેમણે ડેપ્યુટી સ્પીકરપદની માંગણી કરી છે. સૂત્રોનું માનીએ તો જો વિરોધ પક્ષોને ડેપ્યુટી સ્પીકરનું પદ નહીં આપવામાં આવે તો તેઓ સ્પીકર પદ માટે પોતાનો ઉમેદવાર ઊભો કરી શકે છે. આ અંગેનો અંતિમ નિર્ણય સંસદ સત્રની શરૂઆત પહેલા લેવામાં આવશે.