ભાજપનું વ્હાઇટ પેપર : કોંગ્રેસનું બ્લેક પેપર, જુઓ
UPA સરકારે અર્થતંત્રને તળિયે બેસાડી દીધું’તું
લોકસભામાં નાણામંત્રીએ યુપીએ સરકારના
૧૦ વર્ષના શાસનના આર્થિક કુપ્રબંધન વિશે શ્વેતપત્ર રજૂ કર્યું: આજે લોકસભામાં ચર્ચા થશે
લોકસભાની ચુંટણી પહેલા કોંગ્રેસ સહિતના વિપક્ષ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદમાં જોરદાર પ્રહાર કર્યા બાદ યુપીએના શાસનકાળના આર્થિક કુપ્રબંધન પર પ્રકાશ પાડતો શ્વેતપત્ર ગુરુવારે નાણાંમંત્રી નિર્મલાએ લોકસભામાં રજૂ કર્યો હતો. જો કે તેના પર ચર્ચા આજે ગૃહમાં થશે. શ્વેતપત્રના ઉલ્લેખ મુજબ યુપીએ સરકાર પોતાના દશ વર્ષના શાસનમાં આર્થિક ગતિવિધિને સુવિધાજનક બનાવવામાં નિષ્ફળ રહી હતી. તેણે એવા અવરોધ પેદા કર્યા કે જેનાથી અર્થતંત્ર રોકાઈ ગયું હતું. ૨૦૦૪માં સશક્ત અર્થતંત્ર હતું પરંતુ ૨૦૧૪માં યુપીએ સરકારે તેને અત્યંત નબળું પાડી દીધું હતું. પત્રમાં એમ જણાવવામાં આવ્યું છે કે, ૨૦૧૧થી ૨૦૧૩ વચ્ચે રૂપિયો સતત ડાઉન થયો હતો. ભ્રષ્ટાચાર કૌભાંડો અને નાણાંકીય ગેરવહીવટને લીધે ૧૦ વર્ષમાં યુપીએ સરકારે અર્થતંત્રને તબાહ કરી દીધું હતું.
યુપીએના શાસનમાં બેન્કોની એનપીએમાં ચિતાજનક વધારો થઈ ગયો હતો અને સરકારની બજાર ઉધારી ખૂબ જ વધી ગઈ હતી. બેલગામ રાજકોષીય ખાધને લીધે યુપીએની સરકારે દેશમાં રાજકોષીય સંકટ પેદા કરી દીધું હતું. વાજપેઈના નેતૃત્વવાળી એનડીએ સરકારના સુધારાઓનાં વિલંબિત પ્રભાવ અને અનુકૂળ વૈશ્વિક સ્થિતિનો લાભ ઉઠાવીને લાંબા ગાળાના આર્થિક પરિણામોની ચિતા કર્યા વગર રાજકીય હેતુને ધ્યાનમાં રાખી ઝડપી આર્થિક વિકાસનું શોષણ કરી નાખ્યું હતું. જેને લીધે બેડ લોનના પહાડ ઊભા થઈ ગયા હતા.
યુપીએ સરકારના આવા ગેર વહીવટને લીધે રાજકોષીય ખાધ ભારે ઊંચે રહી હતી અને ચાલુ ખાતાની ખાધ પણ વધી ગઈ હતી અને ૫ વર્ષ માટે ફુગાવો ડબલ ડિઝિટમાં આવી ગયો હતો જેને લીધે દેશવાસીઓના ગજવા પર ભારણ આવી ગયું હતું. જેને લીધે દેશ ફ્રેજાઈલ ફાઇવની ક્લબમાં સામેલ થઈ ગયા હતા.
યુપીએ સરકારે ફક્ત અર્થતંત્રનો વિનાશ જ નહતો કર્યો પરંતુ અર્થતંત્રને એવી રીતે લૂંટ્યું હતું કે, ઉદ્યોગપતિઓ વિદેશમાં રોકાણ કરવા મજબૂર થયા હતા. એનડીએની સરકાર આવી ત્યારે તેને અત્યંત કંગાળ અર્થતંત્ર મળ્યું હતું. છેલ્લા ૧૦ વર્ષમાં અર્થતંત્રને અમે ૫માં નંબર પર પહોંચાડ્યું.
એક પછી એક ભયંકર કૌભાંડો યુપીએના ૧૦ વર્ષમાં થયા. જેમાં હેલિકોપ્ટર કૌભાંડ, કોલસા કૌભાંડ, કોમનવેલ્થ કૌભાંડ, શારદા ચિટ ફંડ ગોટાળા, ટુજી ટેલિકોમ કાંડ, આઈએનએક્સ મીડિયા કાંડ, એરસેલ મેક્સિસ કૌભાંડ, નોકરીના બદલામાં જમીન કૌભાંડ અને બીજા અનેક નાણાંકીય કૌભાંડો થયા.
UPAના ૧૦ મુખ્ય કૌભાંડ અને ગેર વહીવટ
- બેન્કોનું એનપીએ વધાર્યું
- બેડ લોનના પહાડ થયા
- રાજકોષીય ખાધ બેલગામ
- દેશમાં નાણાંકીય સંકટ
- ૨૦૧૧-૧૩ વચ્ચે રૂપિયો ડાઉન
- ૫ વર્ષ ફુગાવો ડબલ ડિઝિટમાં
- વિશ્વના પાંચ નબળા અર્થતંત્રમાં દેશને નાખ્યો
- કૌભાંડોની હારમાળા સર્જી
- સામાજિક ક્ષેત્રની યોજના મંદ
- ફુગાવાથી દેશવાસીઓના ગજવા ખાલી થયા
મોદી શાસનના ૧૦ વર્ષ એટલે અન્યાયકાળ
બેરોજગારી મોટી સમસ્યા, ૧૦ વર્ષમાં ભાજપે ૪૧૧ ધારાસભ્યો તોડી પોતાની સાથે લીધા, લોકોનો ટેકો છે તો શા માટે સરકારો તોડો છો?: ખડગેના સવાલ
સંસદના બજેટ સત્રમાં કેન્દ્ર સરકાર યુપીએના ૧૦ વર્ષના શાસન સામે ‘શ્વેત પેપર લાવી છે ત્યારે તેના જવાબમાં કોંગ્રેસ પાર્ટી પણ ભાજપ સરકારના ૧૦ વર્ષના શાસન સામે ‘બ્લેક પેપર’ લાવી હતી. કોંગી પ્રમુખ ખડગેએ મીડિયા સામે આ બ્લેક પેપર રજૂ કર્યો હતો. તેમણે આ દરમિયાન મોદી સરકારની ગેરન્ટીઓ, મોંઘવારી, ખેડૂતો, બેરોજગારી વગેરેના મુદ્દાઓને ઊઠાવ્યાં હતાં. મોદી સરકારના ૧૦ વર્ષના શાસનને અન્યાય કાળ ગણાવતાં કહ્યું કે કેન્દ્રની મોદી સરકાર ક્યારેય સત્ય જણાવતી નથી. એમએસપીની ગેરન્ટી આપી હતી જે આજ સુધી પૂરી થઇ નથી. દેશમાં સૌથી મોટો મુદ્દો બેરોજગારીનો છે પણ મોદી સરકાર તેને લઈને ક્યારેય વાત નથી કરતી. તે હંમેશા ૧૦ વર્ષની તુલના કરે છે પણ પંડિત જવાહરલાલ નહેરુની ઉપલબ્ધિઓ વિશે વાત કરતી નથી. એટલું જ નહીં જ્યાં પણ ભાજપની સરકાર નથી તેવા રાજ્યોને કેન્દ્ર સરકાર મનરેગાના પૈસા પણ નથી આપતી. પછીથી કહે છે કે પૈસા રિલીઝ તો કર્યા પણ તે ખર્ચ ન કરાયા. ખડગેએ આ `બ્લેક પેપર’ રજૂ કરતાં ઘણાં મુદ્દાઓ પર ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે મોદી સરકાર વર્તમાન સમયની વાત નથી કરતી અને તે ભૂતકાળમાં જઈને કોંગ્રેસના શાસનની વાતો કરે છે. પરંતુ તેણે આજના સમયમાં જે મોંઘવારી છે તેની વાત કરવી જોઈએ. મોદીએ હાલમાં ફુગાવાને ક્નટ્રોલ કરવા કેવા પગલાં ભર્યા તેના વિશે જણાવવું જોઈએ. તેમણે ઈન્દિરા ગાંધી અને નહેરુના સમયકાળની વાતો કરવાનું ટાળવું જોઇએ. તેમની સાથે તુલના ન થઇ શકે. ખડગેએ મોદી સરકાર પર મોટો આરોપ મૂકતાં કહ્યું કે ઉદ્યોગપતિઓ, નેતાઓ સામે તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરીને હેરાનગતિ કરીને ચૂંટણી માટે ફંડ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. મોદી સરકાર ઈડી, સીબીઆઈ, આઈટી અને અન્ય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. છેલ્લા ૧૦ વર્ષમાં ભાજપે ૪૧૧ ધારાસભ્યો તોડીને પોતાની સાથે લીધા છે અને તે તપાસની ધમકી આપીને સભ્યો તોડે છે.
ખડગેએ બ્લેક પેપર વાંચતા કહ્યું કે મોદી સરકાર કહે છે કે અમને પ્રજાનો સપોર્ટ છે. તો પછી શા માટે તમારે બીજા રાજ્યોમાં સરકારોને પાડીને તમારી સરકાર બનાવવાની ફરજ પડે છે. શા માટે અન્ય રાજકીય પક્ષોની સરકારોને અસ્થિર કરો છો અને તેમને શાસન કરવા નથી દેતા અને એકલા પાડી દો છો.
NDA સરકારના ૧૦ વર્ષની ૧૦ નિષ્ફળતા
- ભયંકર બેરોજગારી
- આર્થિક ખામીઓ
- ખેડૂતો કરજદાર
- કામદારોને અન્યાય
- મોદાણી રાજ
- એસસી-એસટી, ઓબીસી સાથે છેતરપિડી
- મહિલાઓને અન્યાય
- સામાજિક વિસંગતતા
- સરકારી એકમોનો વિનાશ
- રાષ્ટ્રીય સુરક્ષા સાથે બાંધછોડ