Air Indiaની સેવાને લઈને ભાજપના નેતા ભડક્યા : કહ્યુ-સૌથી વધુ ખરાબ એર લાઇન્સનો એવોર્ડ મળવો જોઈએ
ટાટા જૂથે ખરીદી લીધેલી એર ઇન્ડિયાની ભંગાર સેવાઓ અંગે ભાજપના વધુ એક નેતાએ આક્રોશ પ્રગટ કર્યો હતો.ભાજપના નેતા અને રાષ્ટ્રીય પ્રવક્તા જ્યવીર શેરગીલે X ઉપર ટ્વીટ કરીને લખ્યું કે જો ખરાબ માં ખરાબ એર લાઇન્સ બદલ એવોર્ડ આપવામાં આવતો હોય તો એર ઈન્ડિયાને ઓસ્કાર એવોર્ડ મળવો જોઈએ.
તેમણે ઉમેર્યું કે એર ઈન્ડિયામાં મુસાફરી કરવી એ આમ તો ક્યારેય આનંદપ્રદ અનુભવ નથી રહ્યો પણ આજે તો એ એરલાઇન્સે બધા વિક્રમો તોડી નાખ્યા.તેમણે લખ્યું,” તૂટેલી સીટો,ખરાબ સ્ટાફ, દયનીય ગ્રાઉન્ડ સપોર્ટ સ્ટાફ અને ગ્રાહકો પ્રત્યેના ખરાબમાં ખરાબ વલણ – એ દરેક શ્રેણીમાં એર ઇન્ડિયા ઓસ્કાર પ્રાપ્ત કરવાને લાયક છે.
તેમના આ ટ્વીટ ના પ્રતિભાવરૂપે અન્ય કેટલાક લોકોએ પણ એર ઈન્ડિયાની ઝાટકણી કાઢી હતી.એક વ્યક્તિએ એર ઈન્ડિયાને ભયંકર અને દયનીય ગણાવી હતી.બીજા એક શખ્સે તેની પાસે બિઝનેસ ક્લાસની ટિકિટ હોવા છતાં ઇકોનોમી ક્લાસમાં બેઠક આપવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો તે અન્ય એક વ્યક્તિએ દસ વર્ષ સુધી એર ઈન્ડિયા નું સંચાલન સરકાર પાસે હોવા છતાં સુધારો કેમ ન થયો તેવો સવાલ શેરગીલને કર્યો હતો.બીજી એક વ્યક્તિએ કહ્યું કે આ દરરોજની ઘટના છે પણ મોટા માથાને તકલીફ થાય ત્યારે જ તેની ચર્ચા થાય છે.
નોંધનીય છે કે આ અગાઉ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ તેમની સીટ તૂટેલી હોવાનો આક્ષેપ કર્યો હતો.