હરિયાણામાં ભાજપનું ઘર રાજીનામાઓના પૂરથી ઘેરાયું; વધુ એક નેતાએ પાર્ટી છોડી
હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 પહેલા ભાજપને મોટા ઝટકા લાગી રહ્યા છે. રાજીનામાનું જાણે પૂર આવ્યું છે. હવે શનિવારે જીંદ જિલ્લાના સફીદથી ભાજપના નેતા બચ્ચન સિંહ આર્યએ પાર્ટીને અલવિદા કહી દીધું હતું.
ટિકિટ ન મળવાના કારણે બચ્ચન સિંહ નારાજ હતા. આ અંગે તેમણે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે પણ વાત કરી હતી. જો કે, ભાજપે તેમના સ્થાને જેજેપી ધારાસભ્ય રામકુમાર ગૌતમને ટિકિટ આપી છે. નોંધનીય છે કે, અગાઉ 20થી વધુ નેતાઓએ પક્ષમાંથી રાજીનામા ધરી દીધા છે.
પહેલા હાર્યા હતા
હરિયાણા વિધાનસભા ચૂંટણી 2019માં બચ્ચન સિંહે ભાજપ તરફથી ચૂંટણી લડી હતી. જો કે તેઓ લગભગ 3 હજાર મતોથી હારી ગયા હતા. તેઓ 2024ની ચૂંટણી માટે જોરદાર તૈયારી કરી રહ્યા હતા. પરંતુ ભાજપે નારનૌદથી પૂર્વ જેજેપી ધારાસભ્ય રામકુમાર ગૌતમને ટિકિટ આપી છે. ત્યારથી ભાજપના નેતા બચ્ચન સિંહ આર્ય નારાજ હતા અને શનિવારે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું.
હજુ પણ પાર્ટીમાં ભારે અસંતોષ દેખાઈ રહ્યો છે અને વધુ કેટલાક રાજીનામાં પડી શકે છે તેમ માનવામાં આવે છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ ડેમેજ કંટ્રોલની કાર્યવાહી શરૂ કરી છે.