400ને પાર પહોંચવા માટે ભાજપનું આજથી મંથન
દિલ્હીમાં બે દિવસનાં રાષ્ટ્રીય અધિવેશનમાં આજે નડા અને કાલે મોદીનું સંબોધન
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોમાં સળવળાટ જોવા મળી રહ્યો છે. ભાજપની પ્રચાર યાત્રાનો અવિરતપણે ચાલી રહી છે અને કોંગ્રેસની ભારત જોડો યાત્રા પણ ચાલી રહી છે. આવા સમયે ભાજપ શનિ-રવિ દિલ્હીમાં મંથન કરશે. ભાજપનું રાષ્ટ્રીય અધિવેશન તા. ૧૭ અને ૧૮ એમ બે દિવસ માટે દિલ્હીના ભારત મંડપમ ખાતે મળી રહ્યું છે. આ અધિવેશનમાં રાષ્ટ્રીય નેતાઓ ઉપરાંત રાજ્યોના નેતાઓ મળીને ૧૧,૫૦૦ જેટલા નેતાઓ ઉપસ્થિત રહેશે અને ચૂંટણીલક્ષી માર્ગદર્શન મેળવશે. આ અધિવેશન માટે ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, સંસદ સભ્યો અને પૂર્વ સંસદ સભ્યો, મેયરો ને આમંત્રણ આપવામાં આવ્યું છે.
ભાજપના સુત્રો અનુસાર, આ અધિવેશનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડા વગેરે સંબોધન કરશે અને નેતાઓને વિજયનો રોડ મેપ સમજાવશે.
આ અંગે વધુ વિગત આપતા પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિ શંકરે પત્રકારોને કહ્યું હતું કે, આ અધિવેશનની શરૂઆત જે.પી. નડાના સંબોધન સાથે થશે. જયારે અધિવેશનની સમાપ્તિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન સાથે થશે.
વડાપ્રધાને જયારે ભાજપ માટે ૩૭૦ બેઠક અને એન.ડી.એ માટે ૪૦૦ને પારનો જે નારો આપ્યો છે તે પૂરો કરવાની દિશામાં વિચાર વિમર્શ કરવામાં આવશે. વધુમાં ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત મુદ્દે પણ ચર્ચા થશે.