સૂલે અને પટોલે સામે બિટકોઇન કૌભાંડનો ભાજપનો આક્ષેપ
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામોને પ્રભાવિત કરવા માટે એનસીપી (શરદ પવાર)ના નેતા સુપ્રિયા સુલે અને મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ બીટકોઈનની હેરાફેરી કરી હોવાનો ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ આક્ષેપ કર્યો હતો.એ આક્ષેપના સમર્થનમાં તેમણે ઓડિયો ક્લિપ પણ રજૂ કરી હતી
ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય સચિવ પ્રમોદ તાવડે કથિત કેશ ફોર વોટ કાંડમાં ઝડપાઈ ગયા બાદ સુધાંશુ ત્રિવેદીએ વળતા હુમલા તરીકે તાબડતોબ પ્રેસ કોન્ફરન્સ કરીને આ આક્ષેપ કર્યો હતો. તેમના કહેવા મુજબ બીટકોઈનના એક ડીલરે અગાઉ જેલમાં રહી ચૂકેલા એક નિવૃત્ત પોલીસ અધિકારીનો સંપર્ક કરી પોતે બીટકોઈનમાં કેસ ટ્રાન્ઝેક્શન કરવા ઈચ્છતો હોવાનું જણાવ્યું હતું. એ પોલીસ અધિકારીએ ઇન્કાર કરી દીધા બાદ એ ડીલરે સુપ્રિયા સુલે તથા નાના પાટોલે જેવા મોટા માથાઓ રસ ધરાવતા હોવાનું એ પોલીસ અધિકારીને જણાવ્યું હતું. તે પછી પણ પોલીસ અધિકારી સંમત ન થતાં ડીલરે તેમને ઓડિયો ક્લિપ મોકલી આપી હતી. સુધાંશુ ત્રિવેદીએ એ ડીલર અને પોલીસ અધિકારી વચ્ચેની ચેટના સ્ક્રીનશોટ પણ પત્રકાર પરિષદમાં રજૂ કર્યા હતા.
આક્ષેપો ખોટા છે, બદનક્ષીની નોટીસ મોકલી છે: સુપ્રિયા સલે
એનસીપીના નેતા શરદ પવારે કહ્યું કે આવી ફેક ઓડિયો ક્લિપ માત્ર ભાજપ જ બનાવી શકે છે સુપ્રિયા સુલે કહ્યું કે આક્ષેપો તદ્દન વાહિયાત છે. ઓડિયો ક્લિપમાં મારો અવાજ નથી. સુધાંશુ ત્રિવેદી કહે એ સમયે સ્થળે અને ન્યુઝ ચેનલ પર હું જાહેરમાં ચર્ચા કરવા તૈયાર છું આ મુદ્દે તેમણે બદનક્ષીની નોટિસ પણ આપી હોવાનું જણાવ્યું હતું.
અવાજ મારી બહેનનો જ છે: અજીત પવાર
અજીત પવારે ઓડિયો ક્લિપને સાચી ગણાવી હતી. તેમણે કહ્યું કે સુપ્રિયા સુલે મારી બહેન છે અને નાના પટોલે સાથે મેં ખૂબ લાંબો સમય સુધી કામ કર્યું છે. હું એ બંનેના અવાજને અને બોલવાની લઢણ ને સારી રીતે ઓળખું છું. ઓડિયો ક્લિપમાં એ બન્નેના જ અવાજ છે તેમ જણાવી તેમણે આ પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરવાની માગણી કરી હતી.