રાજકોટમાં પોલીસ મથકથી માત્ર 300 મીટર દૂર બાઈક અને મોબાઈલની લૂંટ, ‘તું મારી બહેનો સામે કેમ જુએ છે?’ કહી 3 શખસોનું કારસ્તાન
રાજકોટમાં ગુંડાગીરીમાં આંશિક ઘટાડો આવ્યો છે ત્યાં હવે લૂંટનો સિલસિલો શરૂ થઈ ગયો હોય તે પ્રકારે પોલીસ મથકથી માત્ર 300 મીટર દૂર ઉભેલા યુવકના કબજામાંથી ત્રણ શખસો બાઈક અને મોબાઈલની લૂંટ કરી ફરાર થઈ જતાં પોલીસે આ ગુનામાં સામેલ એક શખસને દબોચી લઈ આગવી ઢબે સરભરા કરી હતી.
આ અંગે 150 ફૂટ રિંગરોડ પર ગોકુલધામ સોસાયટી પાછળ રહેતા સંજય બિજલભાઈ પરમાર (ઉ.વ.50) નામનો યુવક પોતાનું બાઈક લઈને ઢેબર ચોક પાસે લાખાજીરાજ રોડ પર બરી ખાવા માટે ગયો હતો. બરી ખાધાં બાદ રાત્રે દસેક વાગ્યે તે મિત્ર કુલદીપ સાથે ફોનમાં વાત કરવા માટે રેંકડીથી થોડે દૂર બાઈક પાર્ક કરી બેઠો હતો ત્યારે સામેની બાજુએ ત્રણ સ્ત્રીઓ ઉભી હતી બરાબર ત્યારે જ લાખાજીરાજ રોડ પર સાંગણવા ચોક તરફથી બાઈક ઉપર ત્રણ શખસો ધસી આવ્યા હતા.
આ પણ વાંચો :રાજકોટના ભેજાબાજે 5 મહિનામાં સાયબર ફ્રોડના 72 કરોડ સગેવગે કર્યા: બોગસ પેઢી ઉભી કરીને તગડું કમિશન કમાયો
ત્રણ પૈકી એક શખસે નીચે ઉતરી સંજયને `તારી સામે મારી બહેનો ઉભી છે તું એમની સામે કેમ જુએ છે ?’ કહી ફડાકા મારી દીધા હતા. આ પછી સંજયને ત્રણેયે પોલીસ મથકે લઈ જવાનું કહી ત્રણમાંથી એક શખસે સંજયનું બાઈક લઈ લીધું હતું અને સંજયને બે લોકોની વચ્ચે બાઈક પર બેસાડી દીધો હતો. જો કે મહાપાલિકા કચેરીના ચોકમાં આશાપુરા રોડ તરફ જતાં નોબલ ઈલેક્ટ્રીકની બાજુમાં પહોંચીને બાઈક ઉભુ રાખી બાઈકની ચાવી કાઢી લીધી હતી અને સંજયને ફરી માર માર્યો હતો. ત્યારપછી ગૂગલ-પે દ્વારા પૈસા માંગતાં સંજયે ઈનકાર કરતાં જ ફોન ઝૂંટવી ત્રણેય ફરાર થઈ ગયા હતા. ફરિયાદ બાદ એ-ડિવિઝન પોલીસ મથકે સમીર નામના શખસને દબોચી લીધો હતો.
