માલેગાંવ બ્લાસ્ટ કેસમાં મોટો ચુકાદો: સાધ્વી પ્રજ્ઞા ઠાકુર -કર્નલ પુરોહિત સહિત તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર,જાણો શું છે સમગ્ર મામલો
મહારાષ્ટ્રના માલે ગામ બ્લાસ્ટ કેસમાં 17 વર્ષ બાદ દ્વારા કોર્ટે ચુકાદો આપવામાં આવ્યો છે. માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સાધ્વી પ્રજ્ઞા સહિત તમામ આરોપીઓ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. 29 સપ્ટેમ્બર 2008 ના રોજ, માલેગાંવના ભીકુ ચોક ખાતે એક ટુ-વ્હીલર પર બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં 6 લોકો માર્યા ગયા હતા અને 101 ઘાયલ થયા હતા. મૃતકોમાં ફરહીન ઉર્ફે શગુફ્તા શેખ લિયાકત, શેખ મુશ્તાક યુસુફ, શેખ રફીક મુસ્તફા, ઇરફાન ઝિયાઉલ્લાહ ખાન, સૈયદ અઝહર સૈયદ નિસાર અને હારૂન શાહ મોહમ્મદ શાહનો સમાવેશ થાય છે. ત્યારે આ મામલે મુંબઈની એક ખાસ અદાલતે ભૂતપૂર્વ ભાજપ સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર અને લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત સહિત તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.
NIA Court acquits all accused in Malegaon blast case, including Sadhvi Pragya Singh, Lt Colonel Purohit and others
— ANI (@ANI) July 31, 2025
On September 29, 2008, six people were killed and several others injured when an explosive device strapped to a motorcycle detonated near a mosque in Malegaon City,… pic.twitter.com/PYsIBvrvc4
હાઇકોર્ટમાં ચુકાદાને પડકારશે: પીડિત પરિવારોના વકીલ
પીડિત પરિવારોના વકીલ શાહિદ નદીમે જણાવ્યું હતું કે બોમ્બ વિસ્ફોટને કોર્ટ દ્વારા પુષ્ટિ આપવામાં આવી છે. અમે આ નિર્દોષ છૂટવાના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારીશું. અમે સ્વતંત્ર રીતે અપીલ દાખલ કરીશું.
શું છે સમગ્ર મામલો?
29 સપ્ટેમ્બર 2008 ના રોજ, મુંબઈથી લગભગ 200 કિમી દૂર માલેગાંવ શહેરમાં એક મસ્જિદ પાસે મોટરસાઇકલમાં થયો હતો જેમાં છ લોકોના મોત નિપજ્યા હતા અને 100 થી વધુ લોકો ઘાયલ થયા હતા.આ બ્લાસ્ટ રમઝાનના મહિનામાં અને નવરાત્રિ પહેલાં જ થયો હતો. આ કેસની સુનાવણી સ્પેશિયલ જજ એ.કે. લાહોટી દ્વારા થઈ રહી હતી. સાધ્વી પ્રજ્ઞાની ઓક્ટોબર, 2008માં ધરપકડ કરવામાં આવી હતી. બ્લાસ્ટ દરમિયાન ઉપયોગમાં લેવાયેલી મોટરસાઈકલ સાધ્વી પ્રજ્ઞાના નામે રજિસ્ટર્ડ હોવાથી તેમની ધરપકડ થઈ હતી.
આ પણ વાંચો : રશિયામાં 8.8 ની તીવ્રતાનો ભૂકંપ : અનેક દેશોમાં સુનામીની ચેતવણી, લાખો લોકોનું સ્થળાંતર,જાપાનમાં પરમાણુ મથક બંધ
કોઈ વિશ્વસનીય અને નક્કર પુરાવા નથી
ન્યાયાધીશે કહ્યું કે કેસને શંકાની બહાર સાબિત કરવા માટે કોઈ વિશ્વસનીય અને નક્કર પુરાવા નથી. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) ની જોગવાઈઓ કેસમાં લાગુ પડતી નથી. કોર્ટે એમ પણ કહ્યું કે એવું સાબિત થયું નથી કે વિસ્ફોટમાં વપરાયેલી મોટરસાઇકલ પ્રજ્ઞા ઠાકુરના નામે નોંધાયેલી હતી, જેમ કે ફરિયાદ પક્ષ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. એ પણ સાબિત થયું નથી કે વિસ્ફોટ કથિત રીતે બાઇકમાં લગાવેલા બોમ્બથી થયો હતો.
કોર્ટે ચુકાદામાં શું કહ્યું?
કોર્ટે કહ્યું, ‘આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી. કોઈ ધર્મ હિંસાને સમર્થન આપી શકતો નથી. કોર્ટ ફક્ત ધારણા અને નૈતિક પુરાવાના આધારે કોઈને દોષિત ઠેરવી શકતી નથી. આ માટે નક્કર પુરાવા હોવા જોઈએ.’કોર્ટે કહ્યું, ‘પ્રોસિક્યુશન પક્ષે સાબિત કર્યું કે માલેગાંવમાં વિસ્ફોટ થયો હતો, પરંતુ તે મોટરસાઇકલમાં બોમ્બ મૂકવામાં આવ્યો હતો તે સાબિત કરી શક્યો નથી. કોર્ટ એવા નિષ્કર્ષ પર આવી છે કે ઘાયલોની સંખ્યા 101 નહીં, પરંતુ ફક્ત 95 હતી. કેટલાક તબીબી પ્રમાણપત્રો સાથે પણ છેડછાડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ‘દોસ્ત-દોસ્ત’ કહીને ટ્રમ્પે પીઠમાં ખંજર ભોંક્યુ : ભારત ઉપર 25% ટેરિફની જાહેરાત, જાણો દેશમાં કોને પડશે ફટકો ?
કોર્ટે કહ્યું, ‘શ્રીકાંત પ્રસાદ પુરોહિતના નિવાસસ્થાને વિસ્ફોટકોના સંગ્રહ કે એસેમ્બલીના કોઈ પુરાવા મળ્યા નથી. પંચનામા કરતી વખતે તપાસ અધિકારી દ્વારા ગુનાના સ્થળનો કોઈ સ્કેચ બનાવવામાં આવ્યો ન હતો. ગુનાના સ્થળેથી કોઈ ફિંગરપ્રિન્ટ, ડમ્પ ડેટા અથવા અન્ય કોઈ માહિતી એકત્રિત કરવામાં આવી ન હતી. નમૂનાઓ ગડબડ કરવામાં આવ્યા હતા, તેથી રિપોર્ટ નિર્ણાયક અને વિશ્વસનીય ન હોઈ શકે. વિસ્ફોટમાં કથિત રીતે સામેલ બાઇકનો ચેસિસ નંબર સ્પષ્ટ નહોતો. ફરિયાદ પક્ષ સાબિત કરી શક્યો નહીં કે વિસ્ફોટ પહેલા તે સાધ્વી પ્રજ્ઞા સાથે હતી.’
કોર્ટે કહ્યું, ‘આ કેસમાં UAPA લાગુ કરવામાં આવશે નહીં, કારણ કે નિયમો મુજબ મંજૂરી લેવામાં આવી ન હતી. આ કેસમાં UAPA ના બંને મંજૂરી આદેશો ખામીયુક્ત છે.’
કોર્ટે કહ્યું, ‘પ્રોસિક્યુશન પક્ષે અભિનવ ભારત સંગઠનનો સામાન્ય સંદર્ભ તરીકે ઉપયોગ કર્યો હતો. અભિનવ ભારતના ભંડોળનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે થયો હોવાના કોઈ પુરાવા નથી.’
કોર્ટે કહ્યું, ‘અમે ADG ATS ને આરોપી સુધાકર ચતુર્વેદીના ઘરમાં વિસ્ફોટકો રાખવાના કેસની તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો છે.’
આરોપીઓ કોણ હતા?
વહેલી સવારે, સાતેય આરોપીઓ દક્ષિણ મુંબઈની સેશન્સ કોર્ટમાં પહોંચ્યા, જ્યાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આરોપીઓ જામીન પર હતા. આ કેસમાં આરોપીઓમાં પ્રજ્ઞા ઠાકુર, પુરોહિત, મેજર (નિવૃત્ત) રમેશ ઉપાધ્યાય, અજય રાહિરકર, સુધાકર દ્વિવેદી, સુધાકર ચતુર્વેદી અને સમીર કુલકર્ણીનો સમાવેશ થાય છે. આ બધા પર UAPA અને ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો અને શસ્ત્ર અધિનિયમ હેઠળ આતંકવાદી કૃત્ય કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ફરિયાદ પક્ષે દાવો કર્યો હતો કે સ્થાનિક મુસ્લિમ સમુદાયને ભયભીત કરવાના ઇરાદાથી વિસ્ફોટનું આયોજન કરવામાં આવ્યું હતું.
માલેગાંવ બ્લાસ્ટ કેસ સુનાવણી
29 સપ્ટેમ્બર, 2008: માલેગાંવ બ્લાસ્ટમાં છ લોકોના મોત
ઓક્ટોબર, 2008: ATSએ સાધ્વી પ્રજ્ઞા અને ત્યારબાદ પુરોહિતની ધરપકડ કરી
જાન્યુઆરી, 2009: ATS દ્વારા પ્રથમ ચાર્જશીટ દાખલ
એપ્રિલ, 2011: NIAએ કેસ પર સુનાવણી હાથ ધરી
2016: NIAએ પૂરક ચાર્જશીટ દાખલ કરી કેટલાક આરોપો રદ કર્યા, પરંતુ મુખ્ય આતંકવાદી આરોપો જાળવી રાખ્યા
2018: સાત આરોપીઓ સામે ઔપચારિક રીતે આરોપો નોંધ્યા
2018-2023: ફરિયાદ પક્ષે 323 સાક્ષીઓની તપાસ કરી; લગભગ 40 સાક્ષીઓએ જુબાની આપી
એપ્રિલ, 2025: અંતિમ દલીલો પૂર્ણ. ચુકાદો અનામત