ફિલ્મ ‘રામાયણ’ને લઈ મોટી અપડેટ : રણબીર કપૂર ડબલ રોલમાં તો બિગ બી જટાયુ બનશે
રણબીર કપૂરની એનિમલ ફિલ્મ બાદ હવે ફેન્સ તેની ફિલ્મ રામાયણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે નવી અપડેટ મુજબ ‘રામાયણ’માં રણબીર કપૂર ડબલ રોલમાં જોવા મળશે. તેમજ અમિતાભ જટાયુનો અવાજ બનશે. આ ફિલ્મને લઈને અનેક માહિતી પણ બહાર આવી છે ત્યારે ચાલો ફિલ્મને લઈને વિવિધ ન્યૂઝ જાણીએ.
નિર્દેશક નિતેશ તિવારીની ‘રામાયણ’ એ બોલીવુડના એવા પ્રોજેક્ટ્સમાંથી એક છે જેની લોકો અને ઉદ્યોગ બંને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અત્યાર સુધી નિર્માતાઓએ આ ફિલ્મની કોઈ સત્તાવાર જાહેરાત શેર કરી નથી. પરંતુ કલાકારોના ઈન્ટરવ્યુ અને સેટ પરથી બહાર આવેલી તસવીરો પરથી જાણવા મળ્યું છે કે નીતીશ તિવારી રામાયણની વાર્તાને ખૂબ જ ભવ્ય અંદાજમાં પડદા પર લાવવા માટે તૈયાર છે.
અત્યાર સુધી એ વાત સામે આવી છે કે આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રી રામનો રોલ કરી રહ્યો છે અને સાઈ પલ્લવી તેની પત્ની સીતાનો રોલ કરી રહી છે. ભગવાન હનુમાનની ભૂમિકા સની દેઓલને, લક્ષ્મણને રવિ દુબે અને કૈકેયીને લારા દત્તાને આપવામાં આવી છે. હવે આ ફિલ્મમાંથી બે રોમાંચક વિગતો સામે આવી છે.
રણબીર કપૂરનો ડબલ રોલ
પીપિંગ મૂનના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે રણબીર કપૂર ‘રામાયણ’માં ડબલ રોલ ભજવવાનો છે. આ ફિલ્મમાં તે રામ અને પરશુરામ બંનેની ભૂમિકા ભજવશે. સ્ત્રોતને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ‘રામાયણ’માં જ્યારે શ્રી રામે ભગવાન શિવનું ધનુષ્ય તોડ્યું હતું, ત્યારે તેમના ક્રોધ માટે પ્રખ્યાત પરશુરામ ત્યાં પહોંચ્યા હતા, ત્યારબાદ તેમની વચ્ચેનો એક અદ્ભુત સંવાદ ‘રામાયણ’માં નોંધાયેલ છે.
હિન્દુ પૌરાણિક કથાઓમાં, રામ અને પરશુરામ બંને ભગવાન વિષ્ણુના અવતાર છે. રામની વાર્તામાં પરશુરામનું પાત્ર ભલે નાનું હોય પણ તે ખૂબ મહત્વનું છે. અને ‘રામાયણ’ના નિર્માતાઓએ નક્કી કર્યું છે કે તેઓ ફિલ્મમાં પરશુરામના પાત્રને આ જ મહત્વ સાથે બતાવશે. તેથી, રણબીર બંને વિષ્ણુ અવતારની ભૂમિકા ભજવશે. રણબીરનો લુક પરશુરામના લુકથી ઘણો જ અલગ હશે અને તેને ઓળખવો ઘણો મુશ્કેલ હશે.
અમિતાભ જટાયુ બનશે
રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન પણ બે ભાગમાં બની રહેલી ‘રામાયણ’નો ભાગ હશે. જો કે, તે પોતે સ્ક્રીન પર શારીરિક રીતે જોવા મળશે નહીં. જાણકારી અનુસાર આ ફિલ્મમાં અમિતાભ જટાયુના પાત્રને અવાજ આપશે.
આ પાત્રને VFXની મદદથી સ્ક્રીન પર બનાવવામાં આવશે અને તેનો લુક સુધારવા માટે અમિતાભની આંખો પણ સ્કેન કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ભારતીય કંપની DNEG, જેણે ઘણી ફિલ્મોમાં સ્પેશિયલ ઈફેક્ટ્સ માટે ઓસ્કાર એવોર્ડ જીત્યો છે અને KGF સ્ટાર યશની કંપની સંયુક્ત રીતે ‘રામાયણ’નું નિર્માણ કરી રહી છે. રિપોર્ટ્સ કહે છે કે આ ફિલ્મનું બજેટ 100 મિલિયન ડોલર એટલે કે લગભગ 800 કરોડ રૂપિયાથી વધુ રાખવામાં આવ્યું છે.